Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજકોટ શહેર-જીલ્લામાં ડોરસ્ટેપ-પરિવહન બંને કોન્ટ્રાકટ ફાઇનલ ડોર સ્ટેપમાં ગયા વર્ષ કરતા ૧ાા ટકો નીચા ભાવે કોન્ટ્રાકટ અપાયો

પરિવહનમાં ગયા વર્ષના ભાવો ફાઇનલઃ DSO અને ઇન્સ્પેકટરોની રાત-દિ'ની જહેમત સફળ...

રાજકોટ તા. ૧૦: રાજકોટ શહેર-જીલ્લામાં સસ્તા અનાજની દુકાનો ઉપર માલ પહોંચાડવાનો ડોર સ્ટેપ અને પરિવહન કોન્ટ્રાકટ ફાઇનલ નહિં થતા ભારે વિવાદ ઉભો થયો હતો, નિગમના ગોડાઉનો તથા FCI ખાતે માલ હોવા છતાં દુકાનો ઉપર જથ્થો પહોંચી શકયો ન હતો, કોન્ટ્રાકટરો ભાવ વધારો તથા અન્યો શરતો સામે વિરોધમાં ઉતર્યા હતા.

દરમિયાન DSO શ્રી પૂજા બાવડા તથા તેમના ઇન્સ્પેકટરો શ્રી હસમુખ પરસાણીયા, કિરીટસિંહ ઝાલા અને નિગમના મામલતદાર શ્રી સખીયાએ રાત દિવસ સતત ૪૮ કલાક જહેમત-મંત્રણા કરી આખરે કોન્ટ્રાકટરોને મનાવી લીધા છે.

એમાં પણ ડોર સ્ટેપમાં તો ગયા વર્ષ કરતા પણ ૧ાા ટકો નીચા ભાવે કોન્ટ્રાકટ ગયો છે, તો પરિવહનમાં ગયા વર્ષના ભાવો જ ફાઇનલ થયા છે, બંને કોન્ટ્રાકટ ફાઇનલ થતા અને કલેકટરે મંજૂરી આપી દેતા આજથી જ માલ લીફટ કરવાનું અને દુકાનો સુધી પહોંચાડવાનું શરૂ કરી દેવાયું છે.

દરમિયાન DSO શ્રી પૂજા બાવડાએ ''અકિલા''ને જણાવ્યું હતું કે, ડોરસ્ટેપનો ઇજારો સંજય એસ. સોલંકી ને સુપ્રત કરવામાં આવેલ છે. વર્ષ ર૦ર૦-ર૧ નાં ભાવથી ૧.પ% નીચા ભાવથી તેમજ ર૦ર૦-ર૧નાં શરતો અનુસાર તમામ રજાઓના દિવસો દરમિયાન કામગીરી ચાલુ રાખવાની રહેશે તથા નવા ઇજારેદારનો ઇજારો મંજુર થયે અને કામ સંભાળે ત્યાં સુધી કામગીરી કરવાની રહેશે.

આ ઉપરાંત રાજકોટ જીલ્લા ખાતે તા. ૩૦-૬-ર૦ર૧નાં રોજ જુના ઇજારેદારની મુદત પૂર્ણ થતાં હાલ જાહેર વિતરણ વ્યવસ્થા ખોરંભે નાં ચડે તે માટે તા. ૯-૭-ર૦ર૧નાં રોજથી પરીવહન તેમજ મજુરી કામનો ઇજારો શ્રી શકિત સેલ્સ એજન્સીને સુપ્રત કરવામાં આવેલ છે. વર્ષ ર૦ર૦-ર૧નાં ભાવ મુજબ જ તેમજ શરતો અને બોલીઓ અનુસાર કામ કરવાનું રહેશે તેમજ તમામ રજાઓના દિવસો દરમિયાન પણ કામગીરી કરવાની રહેશે. તથા નવા ઇજારેદારનો ઇજારો મંજુર થયે અને કામ સંભાળે ત્યાં સુધી કામગીરી કરવાની રહેશે.

(3:15 pm IST)