Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મચ્છી પાવડરની આડમાં પકડાયેલો અઢી લાખનો દારૂ વેરાવળ મોકલવાનો હતો

સીસીટીવીના આધારે પોલીસને કાર અને માલવાહક ફોરવ્હીલરના નંબરો મળતાં તપાસઃ ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલાની બાતમી પરથી ઢેબર રોડ પર દરોડો

રાજકોટ તા. ૯: ઢેબર રોડ અટીકામાં મા અંબા ખોડીયાર મંદિરની પાસે આવેલા દિપક ટ્રાન્સપોર્ટમાં મચ્છી પાવડરની આડમાં પાર્સલ પેક કરી દારૂના ચપલાનો જથ્થો આવ્યો હોવાની બાતમી ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલાને મળતાં દરોડો પાડી તપાસ કરતાં રૂ. ૨,૪૯,૬૦૦ના ૨૪૯૬ નંગ દારૂના ચપલા મળી આવ્યા હતાં. આ દારૂનો જથ્થો વેરાવળ સોમનાથ તરફ મોકલવાનો હોવાનું ખુલ્યું છે.

પોલીસે તપાસ કરતાં કાર નં. જીજે૦૨સીએ-૨૫૮૭નો ચાલક માલવાહક ફોરવ્હીલ નં. જીજે૨૭એકસ-૮૭૭૨ સાથે આવ્યો હતો અને આ માલવાહકમાંથી જુદા-જુદા પાર્સલ ઉતારી દિપક ટ્રાન્સપોર્ટમાં આ પાર્સલ વેરાવળ પહોંચાડવા બુકીંગ કરાવ્યું હતું. પોતે જ આ માલ વેરાવળથી છોડાવશે તેમ કહી નીકળી ગયો હતો. એ દરમિયાન પોલીસને બાતમી મળી જતાં દારૂનો જથ્થો પકડાઇ ગયો હતો.

પોલીસે પાર્સલનું બૂકીંગ જોતાં મચ્છી પાવડર લખેલુ હતું. પેકીંગ તોડી તપાસ કરતાં એક પાર્સલમાં ચાર દારૂની પેટીઓ રાખી ફરતી બીજુ પ્લાસ્ટીક વીંટાળી તેને ડબલ પુઠાના બોકસમાં પેક કરી ફરીથી પ્લાસ્ટીક કવર કરી તેની ઉપર પટ્ટીઓ બાંધી દેવામાં આવી હતી. મચ્છી પાવડરની આડમાં ટ્રાન્સપોર્ટ મારફત દારૂની હેરાફેરીનો નવતર કિમીયો પોલીસે પકડી પાડ્યો છે. દારૂ વેરાવળ લઇ જવાનો હોવાનું પણ ખુલ્યું છે.

ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી એચ. એલ. રાઠોડની રાહબરીમાં પીઆઇ જે. ડી. ઝાલા, પીએસઆઇ જે. બી. પટેલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, મનરૂપગીરી, સલિમભાઇ મકરાણી, હિરેનભાઇ, દિવ્યરાજસિંહ, વાલજીભાઇ, મનિષભાઇ, રાજેશભાઇ, હિતેન્દ્રસ્િંહ, મૈસુરભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

(12:50 pm IST)