Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

લોનના નામે ઓનલાઇન છેતરપીંડી કરતી ઠગટોળકીએ રાજકોટના રપ શખ્સોને ''શીશા''માં ઉતાર્યાનું ખુલ્યુ...

માત્ર પાનકાર્ડ-આધારકાર્ડ ઉપર ૧ થી ૧પ લાખની લોન મેળવોની જાહેરાત આપી શિકાર શોધતા'તા... : સૌરાષ્ટ્રના રર વ્યકિત સાથે ઠગાઇ કરનાર ટોળકીને રૂરલ ક્રાઇમ બ્રાંચ અને સાયબર સેલની ટીમે ઝડપી લીધીઃ ભોગ બનનાર વ્યકિતઓને શાપર પોલીસનો સંપર્ક સાધવા રૂરલ પોલીસની અપીલ : લોન વાંચ્છુકોનું બેંકમાં ખાતુ ખોલાવી હપ્તા ભરવા ઇસીએસ ચાલુ કરવા OTP મેળવી ફ્રોડના નાણા ડમી બીટકોઇન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી પોતાના ખાતામાં સેરવી લેતા'તાઃ મુખ્ય સૂત્રધાર રાજકોટનો ભાવિન વિરાણી અગાઉ પણ ચીટીંગના ગુન્હામાં પકડાઇ ગયા બાદ ફરી ગોરખ ધંધો શરૂ કર્યો : ઠગ ટોળકી દસેક વ્યકિતને ખંખેર્યા બાદ મોબાઇલ નંબર બદલી નાંખતા'તાઃ અત્યાર સુધીમાં ઠગ ટોળકીએ ૩૦ સીમકાર્ડ બદલી નાખ્યા!

તસ્વીરમાં પકડાયેલ ઠગ ત્રિપુટી અને અખબારમાં જાહેરાત આપતા તે જાહેરાતનું કટીંગ નજરે પડે છે.

રાજકોટ, તા. ૧૦ :  રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રના રર લોન વાંચ્છુકો સાથે ઓનલાઇન છેતરપીડી કરતી ઠગ ટોળકી રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાંચ અને સાયબર સેલની ટીમે ઝડપી લીધા બાદ આ ઠગ ટોળકીએ રાજકોટના રપ વ્યકિતઓને પણ શિશામાં ઉતાર્યાનું ખુલ્યું છે. પકડાયેલ ઠગ ત્રિપુટીની શાપર-વેરાવળ પોલીસ દ્વારા સઘન પુછતાછ હાથ ધરાઇ છે.

મળતી વિગતો મુજબ કાંગશીયાળીમાં રહેતા અને શાપર-વેરાવળમાં નોકરી કરતા અશોક કોદાવલા સાથે તાજેતરમાં લોન અપાવી દેવાના બહાને ૯૦૦૦ રૂપિયાની ઠગાઈ થયાનો ગુન્હો શાપર-વેરાવળ પોલીસમાં નોંધાયા બાદ આ ગુન્હાની તપાસ રૂરલ એસ.પી. બલરામ મીણાએ રૂરલ ક્રાઇમ બ્રાંચને સોંપતા પી.આઇ. અજયસિંહ ગોહિલ તથા રૂરલ સાયબર સેલના પી.એસ.આઇ. સી.બી. વાંક સહિતની ટીમે ટેકનીકલ આધારે તપાસ કરી ઠગ ટોળકીના ભાવીન શૈલેષભાઇ વિરાણી રે. તિરૂપતી સોસાયટી-૪ રાજકોટ, સુહાગ હરીભાઇ વૈશ્નાણી રે. મધરટેરેસા સ્કુલ ધરમનગર રાજકોટ મુન રે. સરદારપરા સૂર્યમંદિર પાસે ભાડાના મકાનમાં તથા જયેશ બાબુભાઇ વાઢેર રે. મધર ટેરેસા સ્કુલ ધરમનગર રાજકોટ મુળ પીપળીયા તા. કોડીનારને દબોચી લઇ આકરી પુછતાછ કરતા આ ઠગ ટોળકીએ શાપર-વેરાવળના અરજદાર સહિત સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ૪, જામનગર, ભાવનગર મોરબી તથા અમદાવાદ મળી કુલ રર વ્યકિતઓ સાથે ઓનલાઇન છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ આ ઠગટોળકી અખબારોમાં લોન..લોન..લોન.. માત્ર પાનકાર્ડ અને આધાર કાર્ડ ઉપર ૧ થી ૧પ લાખ સુધીની લોન મેળવો તેવી જાહેરાત આપી સાથે પોતાના મોબાઇલ નંબર આપી સંપર્ક કરવા જણાવતા હતા. લોન લેવા ઇચ્છુકો પાસેથી વોટસએપ ઉપર પાનકાર્ડ તેમજ આધારકાર્ડ મેળવી લોનના હપ્તા માટે બેંકમાં ખાતુ ખોલાવવુ પડશે તેવું કહી કોટક મહિન્દ્રા બેંકમાં ખાતુ ખોલાવી બાદમાં લોનના હપ્તા ભરવા માટે ઇસીએસ ચાલુ કરવા માટે બેંકના ઓટીપીની જરૂરીયાત હોય તેવું કહી ઓટીપી નંબર મેળવી ફ્રોડના નાણા પોતાના મોબાઇલમાં બનાવી ઓનલાઇન ડમી બીટકોઇન એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી બાદમાં બીટ એકાઉન્ટમાંથી પોતાના બેંક ખાતામાં રોકડમાં કન્વવર્ટ કરી ટ્રાન્સફર કરી છેતરપીંડી કરતા હતા.

આ ઠગ ટોળકી દસેક લોન ઇચ્છુકોને ખંર્ખેયા બાદ તેના મોબાઇલ નંબર ફેરવી નાંખતી હતી. અખબારની જાહેરાતોમાં અલગ અલગ મોબાઇલ નંબર આપી લોન ઇચ્છુકોને ખંખેયા બાદ તે મોબાઇલ નંબર બંધ કરી બીજા મોબાઇલ નંબરનો ઉપયોગ કરતા હતા. આ ઠગ ટોળકીએ અત્યાર સુધીમાં અલગ-અલગ ૩૦ થી વધુ મોબાઇલ નંબરનો ઉપયોગ કર્યો છે. રૂરલ પોલીસે આ ઠગ ટોળકી પાસેથી ૧૦ થી વધુ સીમકાર્ડ કબ્જે કર્યા છે. આ ઠગ ટોળકી દરેક લોન ઇચ્છુકો પાસેથી ૧૦ થી ૧પ હજાર રૂપિયા ખંખેરતા હોવાનું બહાર આવ્યુ છે.

પકડાયેલ ઠગ ટોળકીને શાપર-વેરાવળ પોલીસના હવાલે કરાઇ છે. આ ઠગ ટોળકીની છેતરપીંડીનો ભોગ બનેલ વ્યકિતઓને શાપર-વેરાવળ પોલીસનો સંપર્ક સાધવા રૂરલ પોલીસે અપીલ કરી છે. પકડાયેલ ઠગ ત્રિપુટીનો કોવીડ ટેસ્ટનો રિપોર્ટ કરાવ્યા બાદ રીમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે. વધુ તપાસ શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે. આ ઠગ ટોળકીએ રાજકોટમાં પણ ર૦ થી રપ લોકોને શિશામાં ઉતાયા હોય રાજકોટ પોલીસે પણ આ ઠગ ટોળકીના કબ્જા માટે તજવીજ હાથ ધરી છે.

(12:52 pm IST)