Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સિવિલ હોસ્પિટલમાં ૨૦૦ વોર્ડ એટન્ડન્ટની તાત્કાલીક ભરતી

કલેકટર રેમ્યા મોહન દ્વારા આરોગ્ય સેવા સુદ્રઢ બનાવવા ધડાધડ નિર્ણયો : ૪૦૦ જગ્યાઓ ખાલી છે તે પૈકી અર્ધી જગ્યાઓ માટે સૌરાષ્ટ્રભરમાંથી અરજીઓ મંગાવાઇ : ૯ ખાનગી એજન્સીઓ મારફત પણ ભરતી થશે : ૪ નર્સીંગ કોલેજની ૧૧૪ વિદ્યાર્થીઓને પણ નર્સની ફરજ સોંપાઇ

રાજકોટ તા. ૧૦ : શહેરની સિવિલ હોસ્પિટલ તથા કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધતી જતી હોઇ તેઓની સાર-સંભાળ લેવા જરૂરી સ્ટાફની ભરતી કરવા અને હોસ્પિટલની આરોગ્ય સેવા વધુ સદ્રઢ બનાવવા કલેકટર રેમ્યા મોહન દ્વારા ધડાધડ નિર્ણયો લેવાઇ રહ્યા છે જે અંતર્ગત ૨૦૦ જેટલા વોર્ડ એટન્ડન્ટની તાત્કાલિક ભરતી કરવા તજવીજ હાથ ધરાઇ છે.

આ અંગે સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ સિવિલ હોસ્પિટલમાં ૪૦૦થી વધુ વોર્ડ એટન્ડન્ટની જગ્યા ખાલી છે તે પૈકી ૨૦૦ની તાત્કાલિક ભરતી કરવા કાર્યવાહી આદેશો કરાયા છે.

આ માટે સૌરાષ્ટ્રભરમાંથી અરજીઓ મંગાવાઇ છે. ઉપરાંત ૯ જેટલી ખાનગી એજન્સીઓમાંથી પણ ભરતી કરવા આદેશો થયા છે.

આ ઉપરાંત નર્સીંગ સેવા સુદ્રઢ બનાવવા ૪ જેટલી નર્સીંગ કોલેજની ૧૧૪ જેટલી વિદ્યાર્થીનીઓને નર્સની ફરજ સોંપવામાં આવી છે.

જ્યારે અમદાવાદથી ૭૦ જેટલા ડોકટરોની ટીમ પણ રાજકોટની સિવિલમાં ફરજ બજાવી રહ્યા છે.

૫૦ વોર્ડ એટન્ડન્ટ નોકરી છોડી ભાગી ગયા

નોંધનિય છે કે તાજેતરમાં ૫૦ જેટલા વોર્ડ એટન્ડન્ટ નોકરી છોડી ભાગી ગયા છે જેના પગલે તાત્કાલિક ભરતી કરવામાં આવી રહી છે.

(2:58 pm IST)