Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વણીક શખ્સને આપઘાતની ફરજ પાડવા અંગે બે શખ્સોના આગોતરા મંજુર

વ્યાજે આપેલ રકમની પઠાણી ઉઘરાણી કરીને

રાજકોટ,તા. ૧૦: નાગેશ્રી ગામના વણીક શખ્સને ઉંચા વ્યાજે પૈસા આપી આપઘાત કરવા મજબુર કરવાના ગુન્હામાં સાવરકુંડલાના બે આરોપીઓને આગોતરા જામીન રાજકોટ શેસન્સ કોર્ટે મંજુર કરેલ હતા.

 અમરેલી જીલ્લાના નાગેશ્રી ગામે રહેતા આ કામના ફરીયાદ મીનાબેન હીતેશભાઇ ગોરળીયાએ પોતાના પતિ હિતેશભાઇ ગોરળીયાને ઉંચા વ્યાજના દરે રૂપિયા આપી પઠાણી ઉઘાણી કરી મરવા મજુબર કરવા અંગેની આઇ.પી.સી કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૬ (૨) તથા મની લેન્ડ એકટની કલમ ૫,૪૦,૪૨ મુજબની ફરીયાદ ગત તા. ૮/૬/૨૦૨૦ના રોજ રાજકોટના ગાંધીગ્રામ-૨ (યુનિ.) પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી હતી. જે અનુસંધાને રાજકોટ સેશન્સ કોર્ટમાં આરોપીઓ આલીગભાઇ ખીમભાઇ ચાંદુ તથા મંગળુભાઇ ભાભલુભાઇ ચાંદુએ સંભવિત પોલીસ ધરપકડથી બચવા માટે આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી. આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે અમરેલી જીલ્લાના નાગેશ્રી ગામે આ કામના ફરીયાદી મીનાબેન હીતેશભાઇ ગોરળીયાએ રાજકોટના ગાંધીગ્રામ-૨ (યુનિ) પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૩૦૬, ૩૨૩, ૫૦૬ (૨) તથા મની લેન્ડ એકટની કલમ ૫,૦૪,૪૨ મુજબની ફરીયાદ નોંધાયેલી જેમાં મરણજનાર હિતેશભાઇ વૃજલભાઇ ગોરળીયાએ ગત તા. ૧૫/૭/૨૦ના રોજ રાત્રીના સમયે પોતાના ભાણેજ પિયુષભાઇના ઘરે રોકાયેલ હતા અને સહપરીવાર રાત્રી ભોજન કર્યા બાદ આ કામના ફરીયાદી તેમના બીજા ભાણેજના ઘરે જતા રહેલ જ્યારે મરણજનાર પોતાના ભાણેજ પિયુષભાઇના ઘરે રોકાયેલ અને રાત્રીના સમયે એટેચ્ડ સંડાસ બાથરૂમમાં ફુવારામાં દુપટો બાંધી ગળાફાંસો ખાઇ લીધેલ.

આ કામના આરોપીઓએ ઉપરોકત કામ સબબ આગોતરા જામીન પર મુકત થવા માટે જામીન અરજી કોર્ટમાં ગુજારેલ હતી. જે અન્વયે રાજકોટના પ્રિન્સીપાલ સેશન્સ કોર્ટમાં આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામ. સેશન્સ કોર્ટે આ કામના આરોપીઓને આગોતરા જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામના આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ.સભાડ, રણજીત બી.મકવાણા, એમ.એન. સિંધવ રોકાયેલા હતા.

(3:00 pm IST)