Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

રેલનગરના ખુની હુમલા કેસમાં ભરત કુગશીયા અને સાગ્રીતોના જામીન મંજુર

રાજકોટ,તા. ૧૦: રેલનગરમાં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખી કરવામાં આવેલ ખુની હુમલામાં ભરત કુગશીયા તથા સાથીદારોને કોર્ટે દ્વારા જામીન ઉપર છુટકારો કરવામાં આવેલ છે.

રાજકોટમાં રેલનગરમાં રહેતા અને ફાયનાન્સ કંપનીમાં કામ કરતા બ્રિજરાજસિંહ જીતેન્દ્રસિંહ જાડેજાએ પ્ર.નગર સ્ટેશનમાં એ મતલબની ફરીયાદ આપવામાં આવેલ કે તા. ૨૦/૮/૨૦૨૦ના રોજ પોતાના સાળા સાગે ઘર પાસે બેઠા હતા. ત્યારે સ્કોર્પીયો ગાડીમાં ભરત કુગશીયા આવેલ અને અગાઉ થયેલ હિસાબો અંગેની બોલાચાલીને કારણે ખાર રાખી મારા સાળાને ગાળો આપવા લાગેલ અને ગાડીમાં બેસી ગાડી અમારા તરફ ચાલુ કરી આવેલ અને કહેવા લાગેલ કે તમો બંનેને પતાવી દેવા છે અને ત્યારે તેના મીત્ર દેવદાન ભાનુભાઇ તથા કરશન ભાનુભાઇ કુગશીયા આવેલ અને તેઓએ અમારી ગાડીના કાચ તોડી નાખેલ અને જતા રહેલ જેમાં પોલીસ મશીનરી દ્વારા પ્રથમ નુકશાની કરી ગાળો અને ધાક, ધમકી આપ્યા અંગેની ફરીયાદ નોંધેલ.

ત્યારબાદ પોલીસ મશીનરી દ્વારા ખુની હુમલાની કલમ આઇ.પી.સી. કલમ ૩૦૭નો ઉમેરો કરવામાં આવેલ અને પોપટપરાના ભરત રઘુભાઇ કુગશીયા તથા રેલનગરના દેવદાન ભાનુભાઇ તથા કરશન ભાનુભાઇ કુગશીયા ધરપકડ કરવામાં આવેલ અને અદાલત દ્વારા તેમને જેલ હવાલે કરવામાં આવેલ હતા. તેઓએ પોતાના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ વી.ડોડીયા મારફત સેશન્સ અદાલતમાં જામીન અરજી કરેલ હતી અને અદાલતમાં રજુઆત કરવામાં આવેલ કે આ કામના ફરીયાદી દ્વારા ખોટી ફરીયાદ કરવામાં આવેલ છે અને ફરીયાદી દ્વારા લાગવગના જોરે ભારે કલમો નોંધાવેલ છે. આરોપીઓ દ્વારા કોઇ પણ ઇજાઓ કરવામાં આવેલ નથી. સામાન્ય બનાવને ગંભીર સ્વરૂપ આપેલ છે. અને ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓ રજુ કરવામાં આવેલ હતા. અદાલત દ્વારા બનાવની હકીકતો, કેસના તત્વો, કાયદાકીય પરિસ્થિતી અને બચાવપક્ષની દલીલોને ધ્યાને લઇ આરોપીઓ ભરત રઘુભાઇ કુગશીયા, દેવદાન ભાનુભાઇ તથા કરશન ભાનુભાઇ કુગશીયાને રૂ.૨૦,૦૦૦ , રૂ.૨૦,૦૦૦ ના શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.

આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, કિરીટ નકુમ, હેમાંશુ પારેખ, જયવિર બારૈયા, મીલન જોષી, દીપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા,  કુલદીપભાઇ ચૌહાણ, ખોડુભા સાકરીયા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:05 pm IST)