Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગુજરાતના ખેડૂતો પૂરા દેશને પર્યાપ્ત થાય તેટલું ધાન પેદા કરે તેવી રાજ્ય સરકારની નેમ : વિજયભાઇ રૂપાણી

ખેડૂતોના કલ્યાણ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ : જયેશભાઇ રાદડિયા : રાજકોટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિશાન પરિવહન યોજનાનું વિડીયો કોન્ફરન્સથી ઇ-લોકાર્પણ

રાજકોટ તા.૧૦ : રાજકોટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનું વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ઇ.લોકાર્પણ કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગૌરવભેર જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો પૂરા દેશને પર્યાપ્ત થાય તેટલુ ધાન પેદા કરે તેવી રાજય સરકારની નેમ છે. આ માટે ખેડૂતોના હિતાર્થે સાત વિવિધ યોજના - સાત પગલાં ખેડૂત કલ્યાણ માટેના જાહેર કરાયા છે. જેનાથી ખેડૂતોની આર્થિક સમૃધ્ધિ પણ વધશે.

આ તકે રાજકોટના જૂના માર્કેટ યાર્ડ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયાએ આ તકે જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણની સાત યોજના પૈકી આજે જાહેર થયેલ બે યોજનાથી ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે રાજય સરકાર રૂ.૩૦ હજાર સુધીની સહાય આપશે. જેનાથી ખેડૂતો પાકનો સંગ્રહ ગોડાઉનમાં કરી શકશે. તેમજ પરિવહન યોજના હેઠળ રાજય સરકાર દ્વારા ખેડૂતોને નાનુ માલવાહક વાહન ખરીદવા માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજારની સહાય આપવામાં આવશે. જેથી ખેડૂતો પોતાના માલ ખેતરથી ઘરે કે માર્કેટ યાર્ડ સુધી લઇ જઇ શકશે. આમ ખેડૂતોના કલ્યાણ માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે.

ખેડૂતોને મગફળીના પૂરતા ભાવ મળી રહે તે માટે સંવેદનશીલ રાજય સરકારના નાગરિક પૂરવઠા નિગમે ગઇ કાલે જ રૂ.૧૦૫૫ પ્રતિમણના ટેકાના ભાવે મગફળી ખરીદવાનો નિર્ણય કર્યો છે અને આવનારી લાભ પાંચમથી જ મગફળી ખરીદવાનું શરૂ કરાશે. આમ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ વધુમાં વધુ ખેડૂતો મળે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ તકે કોરોનાના સંક્રમણથી બચવા વિશેષ તકેદારી રાખવા પણ મંત્રીશ્રીએ ઉપસ્થિત ખેડૂતોને જણાવ્યુ હતું.

સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, ગાંધીનગર દ્વારા આત્મ નિર્ભર પેકેજ અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૦-૨૧ માટે ખેડૂતો માટે ખાસ સાત પગલાં ખેડૂત કલ્યાણના પગલા હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજના હેઠળ મીડીયમ સાઇઝ ગુડસ કેરેજ વ્હીકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓને મંજૂરી હુકમોનું વિતરણ રાજકોટ જિલ્લાના ખેડૂત લાભર્થીઓને મંત્રીશ્રી રાદડિયા સહિતના મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસિયાએ કહયું હતું કે તાજેતરમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં થયેલ નુકશાનીનો સર્વે ઝડપથી થઇ રહયો છે. તેમજ સર્વે બાદ સરકારશ્રી દ્વારા નકકી કરાયેલ નુકશાની સહાય વહેલી તકે અસરગ્રસ્ત લાભાર્થીઓને આપવામાં આવશે.

માર્કેટ યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાએ પ્રાસંગિક પ્રવચન અને ખેતીવાડી અધિકારી રમેશ ટીલવાએ શાબ્દિક પ્રવચન કર્યું હતું. તરઘડિયાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક ડો.ડોબરિયાએ વિવિધ પાકોમાં રોગ-જીવાત નિયંત્રણ વિશેની સમજ ખેડૂતોને આપી હતી.

 આ પ્રસંગે ભાનુભાઇ મહેતા સહિતના અગ્રણીઓ અને ખેડૂત લાભાર્થીઓ ઉપસ્થિત રહયા હતા.

(3:10 pm IST)
  • કોરોનાને હરાવી ફરી ફરજ પર હાજર થતા કુલપતિ પ્રો.નીતિનભાઈ પેથાણી ધીરે ધીરે રાબેતા મુજબનું કાર્ય કરશે અને પૂર્ણ સમય હાજર રહેશે access_time 3:53 pm IST

  • તમારા પિતાશ્રી બાલ ઠાકરેના પુણ્ય પ્રતાપે તમે નાણાં કમાઈ શક્યા છો આબરૂ નહીં : મારુ મોઢું બંધ કરશો પણ મારો અવાજ લાખો લોકોના દિલમાં પહોંચશે : કેટલાકના મોઢા બંધ કરશો ? : તમે વંશવાદનો નમૂનો છો : ટ્વીટરના માધ્યમથી કંગના રનૌત દ્વારા ઉધ્ધવ ઠાકરે ઉપર વાક્બાણની વર્ષા access_time 2:13 pm IST

  • કંગનાની ઓફિસમાં અંદર-બહાર બંને સ્થળે તોડફોડ... : કંગના રણૌતની મુંબઇ ઓફિસમાં અંદર અને બહાર બન્ને જગ્યાએ મુંબઇ કોર્પોરેશન દ્વારા તોડફોડ થયાનું ન્યુઝ ૧૮ જણાવે છે. access_time 6:16 pm IST