Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

મ.ન.પા.ની સર્વેલન્સ ટીમની સતર્કતાથી ૯૪ વર્ષના વડીલને મળી સમયસર સારવાર

કોરોના સામે સતર્કતા... કોરોના કો હે હરાના

રાજકોટ, તા. ૧૦ : રાજકોટ મહાનગરપાલિકા માર્ચ મહિનાથી દિવસ રાત જોયા વગર  કોરોના સામે લડત ચલાવી રહી છે. કોરોના સામેના જંગમાં અલગઅલગ તબક્કે તંત્રને સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી સહયોગ પ્રાપ્ત થતો રહ્યો છે જેના સૌ રાજકોટવાસીઓ સાક્ષી છે. હાલ રાજકોટ શહેર કોરોના મહામારીના જે તબક્કામાંથી પસાર થઇ રહયું છે તેમાં કોરોના વાયરસના સંક્રમણની ચેઈન તોડવા માટેના શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે; જેમાં શહેરના તમામ વોર્ડમાં કુલ મળીને ૧૨૦૦ જેટલી ટીમો ડોર ટુ ડોર સર્વે કરી શરદી, તાવ અને ઉધરસના દર્દીઓને શોધી રહી છે જેથી તેઓને ત્વરિત સારવાર આપી શકાય. આ સર્વેલન્સ દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાની સર્વેલન્સ ટીમના સભ્યોની સમજદારી અને સતર્કતાના પરિણામે વોર્ડ નં.૧૪ના વાણિયાવાડી વિસ્તારમાં રહેતા ૯૪ વર્ષના સિનિયર સિટિઝનને સમયસર સારવાર અપાવી શકાઈ હતી, તેમ મ્યુનિ. કમિશનર શ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

 કોરોના વાયરસના ચેપની કડી તોડવા શરદી, તાવ અને ઉધરસના દર્દીઓની માહિતી મેળવી તેઓને અલગ કરી સારવાર આપવી અત્યંત આવશ્યક છે. વોર્ડ નં.૧૪ના વિસ્તારોમાં રૂડાના સી.ઈ.ઓ.ના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ વોર્ડ પ્રભારી સહાયક કમિશનર શ્રી જસ્મીનભાઈ રાઠોડની ટીમને ધનવંતરી રથ દ્વારા વાણીયાવાડી વિસ્તારમાં ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરી દરમ્યાન ૯૪ વર્ષના સિનિયર સિટિઝનના ઘેેર મુલાકાત લેવામાં આવી હતી ટીમને ત્યાંથી રિસ્પોન્સ નહી મળતા ગંભીરતા દાખવી વરિષ્ઠ અધિકારીશ્રીઓને આ બાબતે રીપોર્ટ કરવામાં આવેલ.આ પછી સી.ઈ.ઓ.  ચેતન ગણાત્રા અને એ.એમ.સી. શ્રી જસ્મીનભાઈ રાઠોડ અને ધનવંતરી રથના ડો. ઋત્વિક પાંચાણી, શ્રી જયભાઈ શુકલા અને આશા વર્કર બહેનોની ટીમે ફરી એ મકાનની મુલાકાત લેતા ૯૪ વર્ષના વૃધ્ધને છેલ્લા ત્રણ ચાર દિવસથી તાવ આવતો હોવાનું જાણવા મળ્યું હતું. ૯૪ વર્ષના સિનિયર સિટિઝન તેમના ૯૨ વર્ષીય ધર્મપત્ની સાથે રહે છે. મનપાની ટીમે આ વયોવૃધ દંપતિને કોરોના ટેસ્ટ કરવા સમજાવ્યા હતાં. આ ટેસ્ટમાં વૃધ્ધને કોરોના પોઝિટીવ હોવાનું નિદાન થયું હતું જયારે તેમના ધર્મપત્નીનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.  આ સંજોગોમાં મનપાની ટીમે તુર્ત જ તેમના પુત્રને બોલાવી તેમના વૃધ્ધ પિતાજીને તાત્કાલિક સારવારની આવશ્યકતા હોવાનું જણાવી સમજાવ્યા હતાં. ત્યારબાદ તેમણે ત્વરિત હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં મનપા ટીમને સફળતા મળી હતી.

મનપાની ટીમે આ કિસ્સામાં દાખવેલી સતર્કતા અને સમજદારીથી સિનિયર સિટિઝનને ત્વરિત સારવાર અપાવી શકાઈ હતી. આ કામગીરી કરનાર સ્ટાફની સંવેદના અને ફરજનિષ્ઠાને બિરદાવી સી.ઈ.ઓ.  ચેતન ગણાત્રાએ તેમનો વ્યકિતગત અભાર પણ માન્યો હતો. સ્ટાફે પણ એવી પ્રતિક્રિયા આપી હતી કે, ૨૨ વર્ષની નોકરીમાં પૂણ્ય પ્રાપ્ત કરવાનો આ અનેરો પ્રસંગ અમારા હિસ્સે આવ્યો છે. દરમ્યાન મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે વોર્ડ પ્રભારીઓ અને અને અન્ય સિનિયર અધિકારીશ્રીઓની મીટિંગમાં આ પ્રસંગને ખાસ ટાંકી સમગ્ર ટીમને મુકત કંઠે બિરદાવી હતી.

(3:57 pm IST)
  • સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટ ( CAA ) વિરુધ્ધ દેખાવો દરમિયાન મેંગ્લોરમાં હિંસા આચરવાના આરોપી 21 લોકોને મુક્ત કરી દેવાનો સુપ્રીમ કોર્ટનો આદેશ : આ લોકો તોફાનોમાં શામેલ હોવાનું પુરવાર થતું નથી access_time 8:09 pm IST

  • મુંબઈના મેયર કિશોરી પેડનેકરનો કોરોના ટેસ્‍ટ પોઝીટીવ આવ્‍યો છે : તેણે કહેલ કે તે એ સીમ્‍ટોમેટીક છે access_time 5:53 pm IST

  • દ્વારકા શહેરના પી.આઈ કોરોનાથી સંક્રમિત : હોમ આઇસોલેશન થયા access_time 11:10 pm IST