Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કોરોના નિયમ ભંગમાં ૫ ચા-પાનનાં ધંધાર્થી ૩૮ વ્યકિતઓ પાસેથી ૪૮ હજારનો દંડ વસુલ

બીગ પોર્ટ હોટલ, રાધે હોટલ, ઉમિયાજી પાન, કનૈયા ટી-સ્ટોલ, રાજુ ટી-સ્ટોલને સોશ્યલ ડીસ્ટન્સીંગનાં ભંગ સબબ બે -બે હજારનો દંડ : માસ્ક વગરનાં ૩૮ વ્યકિતઓને હજાર-હજારનો દંડ ફટકારાયો : મ્યુ. કોર્પોરેશન દ્વારા કડક ચેકીંગ ઝુંબેશ

રાજકોટ,તા.૧૦: શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા સોશ્યલ ડીસ્ટન્સીંગ અને ફરજીયાત માસ્ક સહીતના નિયમોનો ભંગ કરનારા ૫ ચા-પાનનાં ધંધાર્થીઓ તથા ૩૮ વ્યકિતઓ પાસેથી કુલ ૪૮ હજારનો દંડ મ્યુ. કોર્પોરેશનની ચેકીંગ સ્કવોર્ડ વસુલ કર્યો હતો.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ સરકારશ્રી દ્વારા કેટલીક શરતો સાથે લોકોને પોતાનો વ્યવસાય ચાલુ કરવા છૂટ આપવામાં આવેલ છે, લોકોએ સામાજિક અંતર રાખવું, માસ્ક પહેરવું જેવા નિયમોનું પાલન કરવું આવશ્યક છે. શહેરમાં સોશિયલ ડિસ્ટન્સનો અને ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ધંધાર્થીઓ અને લોકો સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક અને દંડ વસુલ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે, શહેરના જે-જે સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થાય છે તેવા સ્થળો અને માસ્ક વિના જાહેરમાં ફરતા લોકો પાસે તુર્ત જ દબાણ હટાવ શાખા કાર્યવાહી કરવામાં આવી રહી છે, આજ તા. ૧૦-૦૯-૨૦૨૦ ના રોજ શહેરમાંથી ફરજીયાત માસ્ક અંગેના ભંગ કરતા ૩૮ આસામીઓ પાસેથી રૂપિયા ૩૮,૦૦૦/- અને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા ૦૫ ચા-પાનના ધંધાર્થીઓ પાસેથી રૂપિયા ૧૦,૦૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ છે, તેમ મ્યુનિ, કમિશનરશ્રી ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

આજે જેની સામે પગલાં લેવાયા છે તેમાં ઢેબર રોડ પરની બીગ પોર્ટ હોટલ, રાધે હોટલ, ઉમિયાજી પાન, કનૈયા ટી સ્ટોલ અને ગોંડલ રોડ પરની રાજુ ટી સ્ટોલનો સમાવેશ થાય છે.

કોરોના સામે રક્ષણ મેળવવા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું આપણી અને આપણા પરિવાર માટે ખુબ જ જરૂરી છે. કોરોનાનો ચેઈન તોડવા માટે સૌ સાથે મળીને સહયોગ આપીએ. જાહેરમાં જવાનું તાળો, બહાર નીકળો તો માસ્ક અવશ્ય પહેરો, વારંવાર હાથ સાબુથી સાફ કરવા જેવી સાવચેતી જાળવવી ખુબ જ જરૂરી છે.

(3:58 pm IST)