Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ગળાફાંસો ખાઇ ત્રણ વ્યકિતએ જીંદગી ટુંકાવી

સૂર્યોદય સોસાયટીમાં બીમારથી કંટાળી વૃધ્ધ ગોવિંદભાઇનો, અલ્કા સોસાયટીમાં ૧૬ વર્ષના જય મકવાણાનો અને પપૈયાવાડીમાં અંકીતાબા જાડેજાએ ફાંસો ખાઇ લીધો

રાજકોટ, તા. ૧૦ :  શહેરની સૂર્યોદય સોસાયટીમાં રહેતા વૃધ્ધે બીમારીથી કંટાળી તથા અલ્કા સોસાયટીમાં ૧૬વર્ષના સગીરે અને પપૈયાવાડીમાં મહિલાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ માલવીયાનગર પર્ણકૂટી-પોલીસ ચોકીની પાછળ આવેલ સૂર્યોદય સોસાયટી શેરી નં.૩ માં રહેતા ગોવિંદભાઇ મનજીભાઇ વાઘેલા (ઉ.વ.૮પ)એ પોતાના ઘરે છતના હૂકમાં દોરડુબાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો વૃધ્ધને લટકતી હાલતમાં જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ૧૦૮ના તબીબો તપાસ કરતા વૃધ્ધનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. અશ્વીનભાઇ કાનગડ અને રાઇટર અરૂણભાઇ ચાવડાએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક ગોવિંદભાઇએ બીમારીથી કંટાળી પગલુ ભર્યુ હોવાનું ખુલ્યું હતું. બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

જયારે બીજા બનાવમાં માલવીયાનગર પોલીસ સ્ટેશનની પાછળ આવેલી અલ્કા સોસાયટીમાં રહેતા જય કિરણભાઇ મકાવણા (ઉ.વ.૧૬) એ સવારે પોતાના ઘરે ઉપરના માળે રૂમમાં પંખામાં સાલબાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો સગીરને લટકતી હાલતમાં જોઇ જતા તેને  તાકીદે સારવાર માટે ગીરીરાજ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તપાસનીસ તબીબોએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજયુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્. અશ્વીનભાઇ કાનગડ તથા રાઇટર અરૂણભાઇ ચાવડાએ હોસ્પિટલે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક જય બે ભાઇમાં નાનો હતો.  તેના પિતા બાંધકામનો વ્યવસાય કરે છે જય ધોરણ-૧૦માં પાઠક સ્કુલમાં અભ્યાસ કરતો હતો. આ વખતે તેના પાસ થતા તે ઓનલાઇન તૈયારી કરતો હતો. તેણે કયા કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

જયારે ત્રીજા બનાવમાં દોશી હોસ્પિટલ પાસે પપૈયાવાડી શેરી નં. રમાં રહેતા અંકિતાબા મયુરધ્વજસિંહ જાડેજા (ઉ.વ.૩૦) એ સવારે પોતાના ઘરે છતના હુકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. પરિવારજનો જોઇ જતા તાકીદે જાણ કરતા ૧૦૮ ની ટીમે સ્થળ પર પહોંચી ૧૦૮ના તબીબે તપાસ કરતા મહિલાનું મૃત્યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. કમલેશભાઇએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી મૃતક અંકિતાબાના ૧૩ વર્ષ પહેલા લગ્ન થયા હતા. તેને સંતાનમાં ૧ર વર્ષનો પુત્ર છે. તેણે કયાં કારણોસર આ પગલું ભર્યુ તે અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.

(4:02 pm IST)