Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સંગઠનમાં સામૂહિક રીતે પારદર્શક નિર્ણયો કરશુ : મનસુખ ખાચરિયા

તાલુકા - જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ૧૦૦ ટકા સફળતાનો લક્ષ્યાંક : નવા જિલ્લા પ્રમુખની અકિલા સાથે વાતચીત : કાલે પદગ્રહણ

રાજકોટ તા. ૧૦ : જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુકત થયેલા જેતપુરના શ્રી મનસુખ ખાચરિયાએ સૌને સાથે લઇને ચાલવાનો સંકલ્પ કર્યો છે. તેઓ સંભવત આવતીકાલે બપોર પછી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વિધિવત કાર્યભાર સંભાળશે.

આજે અકિલા સાથેની વાતચીતમાં વિવિધ પ્રશ્નોના ઉત્તરમાં તેમણે જણાવેલ કે, વર્ષોથી ભાજપના કાર્યકર્તા તરીકે કાર્યરત છું. સંગઠનના પ્રમુખ તરીકે ભલે મારી જવાબદારી હોય પણ સામૂહિક રીતે પારદર્શક નિર્ણય કરશું, જ્યારે મુખ્ય વ્યકિતની નિષ્ઠામાં ખામી હોય ત્યારે જુથવાદ થતો હોય છે. હું સૌને સાથે લઇને ચાલવા માંગું છું. જુથવાદ જેવી કોઇ વાત રહેશે નહિ. તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ૧૦૦ ટકા સફળતાના લક્ષ્યાંક સાથે કામ કરશું.

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી મનસુખ ખાચરિયાનો જન્મ તા. ૧ ફેબ્રુઆરી ૧૯૬૦ના દિવસે (૬૧ વર્ષ) થયેલ. તેઓ સેકન્ડ બી.એસસી. સુધી ભણેલા છે. ૧૯૮૫માં જેતપુર નગરપાલિકાની અને ૨૦૦૯માં પોરબંદર સંસદની ચૂંટણી લડયા હતા. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ વિવિધ ચૂંટણીઓના ઇન્ચાર્જ રહી ચૂકયા છે. મો. ૯૯૦૯૯ ૬૨૭૧૧ જેતપુર.

જિલ્લામાં ૧૦ વર્ષ બાદ મળ્યા રાજકોટ શહેર બહારના પ્રમુખ

રાજકોટ : જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જેતપુરના મનસુખ ખાચરિયાની વરણી થઇ છે. રાજકોટમાં છેલ્લે ૨૦૧૦માં મોરબી રહેતા મોહનભાઇ કુંડારિયાને પ્રમુખ બનાવવામાં આવેલ. તે સિવાઇના જિલ્લા ભાજપના લગભગ તમામ પ્રમુખો રાજકોટ શહેરના નિવાસી રહ્યા છે. જેમાં શિવલાલભાઇ વેકરિયા, વલ્લભભાઇ કથીરિયા, ગોવિંદભાઇ પટેલ, મહેન્દ્ર પાડલિયા, નાગદાનભાઇ ચાવડા, ડી.કે.સખિયા વગેરેનો સમાવેશ થાય છે.

ડી.કે. પાંચ વર્ષ પ્રમુખ રહ્યા : હવે ટુંકાગાળામાં પીછેહઠની હેટ્રિક

રાજકોટ : જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે જેતે વખતે સંઘર્ષથી પસંદગી પામેલ ડી.કે.સખિયા પાંચ વર્ષ જેટલો સમય પ્રમુખ તરીકે રહ્યા છે. સમય મર્યાદા અને અન્ય કારણથી તેઓ હવે પ્રમુખ તરીકે ફરી પસંદ થાય તેવા કોઇ સંજોગો હતા નહિ. નવા પ્રમુખની પસંદગીમાં પણ તેમની કોઇ ભૂમિકા રહી નથી.

જિલ્લા બેંકની ચૂંટણીમાં છેલ્લી ઘડીએ તેમની બાદબાકી થઇ ગયેલ. રા.લો. સંઘના સુકાનીઓની પસંદગીમાં તેમના જુથને પછડાટ લાગી છે. હવે તેમનું જિલ્લા પ્રમુખ પદ પણ જતુ રહ્યું છે. જો કે બેડી માર્કેટ યાર્ડનું માભાદાર ચેરમેન પદ હજુ તેમની પાસે છે. જિલ્લા ભાજપમાં બહુ ગાજેલા બોઘરા - રૈયાણીના બદલે ખાચરિયાની પસંદગી થઇ છે.

(2:50 pm IST)