Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

એડવોકેટ નિલેષ સંખારીયાના અકસ્માત મૃત્યુના કેસમાં વ્યાજ સહિત ૭૨ લાખનું વળતર મંજુરઃ કલેઈમ ટ્રીબ્યુનલનો ચુકાદો

રાજકોટ, તા. ૧૦ :. એડવોકેટના અકસ્માત મૃત્યુ કેસમાં વ્યાજ સહિત ૭૨ લાખ વળતર મંજુર કરતો કલેઈમ ટ્રીબ્યુનલ દ્વારા મહત્વનો ચુકાદો અપાયો હતો.

આ કેસની હકીકત એવી છે કે તા. ૧૨-૬-૨૦૧૫ના રોજ ગુજરનાર એડવોકેટ નિલેશભાઈ લાલજીભાઈ સંખારવા કે જેઓ વકીલ હતા. તેઓ પોતાનું મોટર સાયકલ લઈ રેસકોર્ષ રીંગ રોડ બાલભવન ગેઈટ આગળ અંદરના ભાગે નાસ્તાની દુકાન પાસે પહોેંચ્યા ત્યારે સ્કોરપીયો કાર નં. જીજે ૦૩ એબી ૨૦૦૨ના ચાલકે હડફેટે લેતા એડવોકેટ નિલેશ સંખારવાનું ગંભીર ઈજા થવાથી કરૂણ મૃત્યુ નિપજેલ હતું.

સદરહુ બનાવ અંગે એડવોકેટ નિલેશ સંખારવાના વારસદારે પોતાના વકીલ શ્રી રાજેશ આર. મહેતા મારફતે રાજકોટ કલેઈમ ટ્રીબ્યુનલમાં અકસ્માત વળતર મેળવવા કલેઈમ દાખલ કરેલ જે કલેઈમ ચાલી જતા કલેઈમ ટ્રીબ્યુનલે ૪૯,૩૮,૪૪૮ - ૯ ટકા વ્યાજ સહિત તથા ખર્ચ સહિત ચુકવવા એટલે કે આશરે ૭૨ લાખ વ્યાજ સહીત વળતરની રકમ ચુકવવા રીલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સામે હુકમ ફરમાવેલ છે.

આ કેસમાં મહત્વના મુદ્દા જોઈએ તો વિમા કંપની તરફે જુદા જુદા અનેક બચાવો લેવામાં આવેલ અને વાહન ચાલક પાસે લાયસન્સ ન હોવા અંગેની તકરાર ઉપરાંતમાં ગુજરનારની આવક સંબંધેની તકરાર ઉઠાવવામાં આવેલ અને કેસ ચાલતા સમયે વિમા કંપની તરફે વિસ્તૃત ઉલટ તપાસ કરવામાં આવેલ. આ તમામ મુદ્દાઓ પૂર્ણ થયા બાદ અદાલતે અરજદારના એડવોકેટ રાજેશ આર. મહેતા તથા વિમા કંપની રીલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની વિસ્તૃત દલીલ અને એપેક્ષ કોર્ટના જુદા જુદા ચુકાદાઓ રજુ કરવામાં આવેલ.

અરજદાર દ્વારા એવી દલીલ કરવામાં આવેલ કે ગુજરનાર વ્યવસાયે વકીલ છે અને સેલટેક્ષ ઈન્કમટેક્ષની પ્રેકટીસ કરે છે તેમની વકીલાત હાલે શરૂઆતના તબક્કામાં છે પરંતુ હાલનો આ અકસ્માત ન બન્યો હોત તો દિવસેને દિવસે તેની આવકમાં વધારો થયો હતો અને વકીલ જેમ જેમ સીનીયર થાય તેમ તેમ તેમની આવક વધુને વધુ વધતી જાય આ તમામ હકીકતો ધ્યાને લઈ ગુજરનારની પ્રોસ્પેકટીવ રકમ ધ્યાને લઈ તેમની વળતરની રકમ મંજુર કરવી જોઈએ. ઉપરાંતમાં એવી પણ દલીલ કરવામાં આવેલ કે વાહન ચાલક પાસે લાયસન્સ ન હતુ તે સાબિત કરવાની જવાબદારી વિમા કંપનીની રહેશે અને ગુજરનાર તેમની થર્ડ પાર્ટીની વ્યાખ્યામાં આવતી હોય વિમા કંપની તેમની વળતર ચુકવવાની જવાબદારીમાંથી છટકી શકે નહી તેવી દલીલના સમર્થનમાં જુદી જુદી એપેક્ષ કોર્ટના ચુકાદાઓ ટ્રીબ્યુનલમા રજુ કરેલ.

ઉપરોકત તમામ હકીકતો ધ્યાને લઈ રાજકોટના મોટર એકસીડેન્ટ કલેઈમ ટ્રીબ્યુનલ (સ્પેશ્યલ કોર્ટ) અરજદારના એડવોકટ શ્રી રાજેશ આર. મહેતાની દલીલો માન્ય રાખી વિમા કંપનીએ લીધેલા બચાવો સાબિત થઈ શકેલ તેમ ન હોય ગુજરનારના વારસદારોને વ્યાજ સહિત આશરે ૭૨ લાખ વળતરની રકમ ચુકવવા રીલાયન્સ જનરલ ઈન્સ્યોરન્સ કંપની સામે હુકમ ફરમાવેલ છે. આ કેસમાં ગુજરનાર વકીલ નિલેષ સંખારવાના વારસદારો વતી સીનીયર એડવોકેટ શ્રી રાજેશ આર. મહેતા, આર.કે. મહેતા રોકાયેલ હતા.

(1:01 pm IST)