Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

રાજકોટ સહિત સોૈરાષ્ટ્રભરના સેંકડો રોકાણકારોના નાણા ફસાયા

સમય ટ્રેડિંગ-આશિષ કો.ઓ.સોસાયટીમાં ફોરેસ્ટ ટ્રેડિંગમાં વધુ વ્યાજની સ્કીમમાં નાણા ગુમાવનારામાં વાલ્મિકી સમાજના જ ૬૦૦ જેટલા રોકાણકારો હોવાનો દાવો : માધાપર ચોકડી પાસે સમય ટ્રેડિંગ અને આશિષ કો-ઓપ. સોાસયટીની ઓફિસે ત્રણ દિવસ સુધી વાલ્મિકી સમાજના કિરીટભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, જનકભાઇ ઝાલાની આગેવાનોએ ધામા નાખ્યા પછી પણ સંચાલક મળવા ન આવતાં અંતે પોલીસ કમિશનરને રજૂઆતઃ યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી : રોકાણકારોના નિવેદનો નોંધવાનું શરૂ કરાયું

તસ્વીરમાં રોકાણકારો વતી પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત માટે આવેલા કિરીટભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા, જનકભાઇ ઝાલા સહિતના તથા માધાપર ચોકડીએ ધ સ્પાયર બિલ્ડીંગમાં આવેલી સમય ટ્રેડિંગ અને આશિષ કો.ઓપ. સોસાયટીની ઓફિસ જોઇ શકાય છે. તસ્વીરો યતીનભાઇ વાઘેલાએ મોકલી હતી

રાજકોટ તા. ૧૦: શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર માધાપર ચોકડી પાસે આવેલી સમય ટ્રેડિંગ અને આશિષ કો-ઓપરેટીવસ સોસાયટીમાં ફોરેસ્ટ ટ્રેડિંગના નામે રોકાણ કરનારા વાલ્મિકી સમાજના સેંકડો લોકોના નાણા ફસાઇ ગયાની રજૂઆત સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલને કરતાં તેમની સુચનાથી એસીપી ડી.વી. બસીયાએ બધાને સાભળ્યા બાદ તપાસ યુનિવર્સિટી પોલીસને સોંપતા પોલીસે આ રજૂઆત અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આગેવાનોએ દાવો કર્યો છે કે વાલ્મિકી સમાજના જ સોૈરાષ્ટ્રભરના ૬૦૦ લોકોના કરોડો રૂપિયા ફસાયા છે. જો કે પોલીસ સમક્ષ નિવેદન નોંધાવવા હજુ છ જેટલા લોકો જ આવ્યા છે.

ગત સાંજે વાલ્મિકી સમાજના આગેવાનો કિરીટભાઇ વાઘેલા, યતિનભાઇ વાઘેલા તેમજ રોકાણકાર જનકભાઇ ઝાલા તથા બીજા દોઢસો બસ્સો જેટલા રોકાણકારો પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતાં અને સમય ટ્રેડિંગ તથા આશિષ કો.ઓપ. સોસાયટી સહકારી મંડળીમાં નાણા રોકનારા વાલ્મિકી સમાજના લોકોના નાણા ડુબાડી દેવામાં આવ્યાનો આક્ષેપ કર્યો હતો.

રજૂઆતમાં જણાવાયું હતું કે ૨૦૧૬થી અમારા (વાલ્મિકી) સમાજના અલગ-અલગ લોકોએ સમય ટ્રેડિંગ અને આશિષ કો. ઓપ. સોસાયટી સહકારી મંડળીમાં ઉંચા વ્યાજની લાલચે અલગ-અલગ રકમનું રોકાણ કર્યુ હતું. પાકડતી મુદ્દતે પ્રારંભે તો બધાને નાણા નિયમીત આપવામાં આવ્યા હતાં. ગત દિવાળીએ પણ રોકાણકારોને નફો અપાયો હતો. પરંતુ ડિસેમ્બર ૨૦૧૯ પછી સંચાલકોએ પાકતી મુદ્દતના નાણા ચુકવવામાં ઠાગાઠૈયા શરૂ કર્યા હતાં. આ પછી ચોટીલાથી એક રોકાણકારે કોર્ટમાં ફરિયાદ પણ કરી હતી. સંચાલકોમાં પ્રદિપ ડાવેરા સહિતના હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું.

અલગ અલગ સ્કીમમાં વાલ્મિકી સમાજના ગરીબ મધ્યમવર્ગના લોકોએ વધુ વ્યાજ મળવાની આશાએ નાણાનું રોકાણ કર્યુ હતું. આગેવાનોના કહેવા મુજબ રાજકોટ, મોરબી, વાંકાનેર, જામનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, કાલાવડ, ભાવનગર, જુનાગઢના ૬૦૦ જેટલા રોકાણકારોના ત્રીસેક કરોડ ડૂબી ગયાનો આક્ષેપ કરાયો છે. રોકાણકારો વતી રજૂઆત કરનારા આગેવાનો પૈકીના યતીનભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે પાકતી મુદ્દતે નાણા મળવાનું બંધ થતાં અમે છેલ્લા ત્રણેક દિવસથી સમય ટ્રેડિંગ અને આશિષ મંડળની ઓફિસે ધામા નાખીને બેઠા હતાં. પરંતુ સંચાલક મિટીંગ કરવા આવ્યા નહોતા અને પોલીસને મોકલી હતી. જો કે અમે માત્ર રજૂઆત કરવા આવ્યા હોઇ પોલીસે અમને બેસવા દીધા હતાં.

એ પછી ગઇકાલે પણ સંચાલક મિટીંગ માટે ન આવતાં અને ૩૦/૧૧ સુધીમાં તમામ રોકાણકારોને તેમની રકમ મળે જશે તેવી અપાયેલી ખાત્રીનું પાલન ન થતાં અને સંચાલકે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેતાં અંતે અમે પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરી હતી. એ પછી એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાએ રજૂઆત સાંભળી હતી. પોલીસ કમિશનરશ્રીએ પુરી તપાસની ખાત્રી આપી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકમાં રજૂઆતની નકલ પહોંચતા પીઆઇ વી. જે. ચાવડા, પીએઅઆઇ એ. બી. વોરા સહિતે તપાસ શરૂ કરી છે. જો કે છસ્સો જેટલા રોકાણકારો છેતરાયા હોવાનું કહેવાયું હોઇ તેની સામે હાલ તો છએક જેટલા રોકાણકારો જ આવ્યા હોઇ પોલીસે નિવેદનો નોંધવા સહિતની કાર્યવાહી આરંભી છે.

આગેવાન યતિનભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે સંચાલકે બીજા બે જણા સાથે મળી અન્ય એક ચેનલ પણ ચાલુ કરી હોવાનું જાણમાં આવ્યું છે. લોકો આનાથી ચેતે તે જરૂરી છે. અમારા વાલ્મિકી સમાજ ઉપરાંત બીજા સમાજના લોકોના નાણાનું પણ રોકાણ થયું છે. જેનો આંક પણ કરોડોમાં હોવાની શકયતા છે.

(1:03 pm IST)