Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

સિવિલ કોવિડના તમામ સભ્યોની કામગીરીને બિરદાવતાં એચઆર મેનેજર રેખાબેન પટેલ

માર્ચ મહિનાથી વર્ગ-૩ અને ૪ના કર્મચારીઓ પાયારૂપ કામ કરી પરદા પાછળના કસબીઓ બન્યા

રાજકોટ,તા. ૧૦: કહેવાય છે ને કે કોઈપણ ઇમારત મજબૂત ત્યારે જ બને જયારે તેના પાયા મજબૂત હોય. તેવી જ રીતે હોસ્પિટલમાં દર્દીની સેવા-સુશ્રુષા બરાબર રીતે થાય તેમજ હોસ્પિટલની કામગીરી સરળતાપૂર્વક થઈ શકે તે માટે મેડિકલ સ્ટાફની જેટલી જ મહત્વપૂર્ણ ભૂમિકા મેનેજમેન્ટ સ્ટાફની છે. ત્યારે સિવિલ હોસ્પિટલનાં એચ.આર. મેનેજર રેખાબેન પટેલે માર્ચ મહિનાથી સતત કાર્યરત મેનેજમેન્ટ ટીમનાં વર્ગ -૩ અને વર્ગ - ૪ નાં તમામ કર્મયોગીઓની કાર્યનિષ્ઠાને બિરદાવી હતી.

રેખાબેને જણાવ્યું હતું કે, 'સિવિલ ખાતે કાર્યરત વર્ગ ૩ અને વર્ગ ૪ ના કર્મચારીઓ પૈકી અંદાજે ૬૭ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. તેઓ પોતાનો કોરેન્ટાઇનનો સમયગાળો પૂર્ણ કરી ફરી હસતાં મોંઢે ફરજ પર જોડાઇ ગયાં છે. ઉપરાંત સર્વન્ટ કેટેગરીમાં ફરજ બજાવતાં ૬૫૦ જેટલાં કર્મચારીઓને પણ બીરદાવતા જણાવ્યુ હતું કે  વર્ગ - ૪ ના કર્મચારીઓ દ્વારા દર્દીઓની સફાઈને લગતી પૂરતી સાર-સંભાળ અને યોગ્ય કાળજી લેવાતી જેથી દર્દીઓ ઝડપથી સાજા થઈ શકે છે. રોગનું સંક્રમણ ન ફેલાય તે માટે સંપૂર્ણ સ્વચ્છતા તેમજ ચોખ્ખાઈ જાળવતાં આ સફાઈકર્મીઓએ દર્દીઓની સાફ-સફાઈ કરવામાં કયારેય મોઢું નથી બગાડ્યું એ બાબત કાબિલેદાદ છે. દર્દીઓને એકલું ના લાગે તે માટે તેમની સાથે વાતચીત કરવા, તેમને હસાવવા-જમાડવા પી.પી.ઇ. કીટમાં સુસજ્જ ૨૦૦ જેટલાં પેશન્ટ એટેન્ડન્ટ પણ ખરાં અર્થમાં દર્દીઓની ટેકણલાકડી સાબિત થયા છે.'

રેખાબેને વધુમાં જણાવ્યું હતું કે, 'દર્દીઓનાં પરિવાર અને દર્દી વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવતાં કાઉન્સેલર્સ અને ડેટા એન્ટ્રી ઓપરેટર કર્મીઓએ પણ પોતાની કામગીરી બખૂબી નિભાવી રહયા છે. ઓકિસજન માસ્ક પહેરેલાં દર્દીઓ જયારે વિડીયો કોલ મારફતે પોતાનાં સ્વજનોને નિહાળતાં ત્યારે તેઓ અમુક ક્ષણ માટે પોતાની તકલીફ ભૂલી જતાં. ઉપરાંત લેબોરેટરી ટેકિનશિયન/આસિસ્ટન્ટે પણ ખૂબ સારી રીતે પોતાની ફરજ બજાવી છે કારણ કે, દર્દીનો રિપોર્ટ સમયસર આવે તો જ ઝડપી સારવાર થઈ શકે. હોસ્પિટલમાં અન્ય રોગના બેકટેરિયા ન ફેલાય અને સ્વચ્છતા જળવાઈ તે માટે સેનેટરી ઇન્સ્પેકટર તરીકે કાર્યરત કર્મયોગીઓની કામગીરી પણ મહત્વપૂર્ણ રહી છે.'

રેખાબેને કહ્યું હતું કે, 'કોરોનાના સમયગાળામાં સિવિલ હોસ્પિટલમાં અનેક પોસ્ટ પર કાર્યરત નાના-મોટાં કર્મચારીઓએ પડદા પાછળ પાયારૂપ કામગીરી બજાવી છે.' આ તકે રેખાબેને જાહેર જનતાને કોરોનાથી બચવા સમયાંતરે હાથ ધોતાં રહેવા, માસ્કનો ઉપયોગ કરવા અને યોગ્ય અંતર જાળવવા અપીલ કરી હતી.

(2:42 pm IST)