Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

યુવતિ ઉપર બળાત્કાર ગુજારવા અંગે થયેલ આરોપી સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

ફેસબુક ફ્રેન્ડ બનાવી નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી..

રાજકોટ, તા.૧૦: ફેસબુકના માધ્યમથી ફ્રેન્ડ બની બાદ હોટલો તથા અન્ય જગ્યાએ લઇ જઇ નગ્ન ફોટા સોશ્યલ મિડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરનાર કેશોદના રહીશ મયુર લલીતભાઇ લાલવાણી સામેની એફ.આઇ.આર. ગુજરાત હાઇકોર્ટ દ્વારા રદ કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકિકત જોઇએ તો મુળ કેશોદની રહીશ અને કાલાવડ રોડ પર આત્મીય યુનિવર્સિટી સામે શકિતનગર - ૧માં રહેતી પીડીતાએ કેશોદના ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા મયુર લાલવાણી વિરૂધ્ધ એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે પીડીતાને આરોપી સાથે ફેસબુક મારફત પરિચય તથા ફોન નંબરની આપલે કરી સંપર્કમાં રહી જુદી-જુદી જગ્યા તેમજ હોટલમાં અનેકવાર જઇ પીડીતાની સંમતિ વગર અનેક વખત દુષ્કર્મ આચરી નગ્ન ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતા તે સંબંધે રાજકોટ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવામાં આવેલ.

ઉપરોકત ગુન્હાના કામે આરોપી મયુર લાલવાણીએ તેની સામેની એફ.આઇ.આર. રદ કરવા ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરી હતી.

બંને પક્ષની રજૂઆતો રેકર્ડ પરનું સાહીત્ય તેમજ ફરીયાદીના સોગંદનામાની હકીકતો લક્ષે લેતા બંને પક્ષકારો વચ્ચેની ગેરસમજણો દુર થઇ જતા સમાધાન થઇ જતા પ્રોસીડીંગ આગળ ધપાવવાનો અર્થ નથી અને તેનાથી કોર્ટનો કિંમતી સમય બગડે તેમ હોય, સુપ્રિમ કોર્ટ દ્વારા નક્કી કરેલ પ્રિન્સીપાલ લક્ષે લઇએ તો અંતરગત સતાનો ઉપયોગ કરવાનું મુનાસીફ માની આરોપી સામેની ફરીયાદ રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં આરોપી મયુર લાલવાણી વતી રાજકોટના જાણીતા એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવડીયા, રવિ ઠુંમર, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઇકોટના એડવોકેટ આશીષ ડગલી રોકાયેલ હતા.

(2:43 pm IST)