Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

મોરબી રોડ પરના અર્જુનપાર્ક (સુચિત)ની ૧૫ કરોડની જમીન પડાવી લેવાનો વધુ એક ગુનો

ભૂપત ભરવાડ સહિતના વિરૂધ્ધ ડીસીબી પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ ફરિયાદ

રાજકોટ તા. ૧૦: ધાકધમકી આપી જમીનમાં કબ્જો કરી લેવાનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેલહવાલે રહેલા ભૂપત ભરવાડ સહિતના વિરૂધ્ધ ડીસીબી પોલીસે ગુનો નોંધ્યો છે. જેમાં મોરબી રોડ પર આવેલી ૧૫ કરોડની જમીનમાં કબ્જો જમાવી લેવાયાનો આરોપ મુકાયો છે.

બનાવ અંગે ડીસીબી પોલીસે કોઠારીયા રોડ ભારતીનગર મેઇન રોડ પર રહેતાં મુળ મોડપરના વિનોદભાઇ ઠાકરશીભાઇ પીપળીયા (પટેલ) (ઉ.૪૨) નામના બાંધકામના ધંધાર્થીની ફરિયાદ પરથી ભૂપત ભરવાડ તથા તપાસમાં ખુલે તે તમામ સામે આઇપીસી ૩૮૬, ૪૪૭, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારે મુળ ગામ મોડપરમાં ખેતીની ૨૦ વીઘા જમીન છે. અમે ત્રણ ભાઇઓ છીએ. ૧૯૯૬માં મારા પિતાએ તથા બીજા લોકોએ મોરબી રોડ પર સર્વે નં. ૫૦ પૈકી ૧-૨-૩ની જમીન ૪ એકર કુલ જમીન ૧૮૦૦૯-૦૦ ચો.મી. હતી તે પૈકીની ૯૮૩૬ ચો.મી. ૨૦૦૮માં જમીન મુળ ખેડુત અરજણભાઇ બાસીડા અને વજુભાઇ બાસીડા પાસેથી લીધી હતી.

બીનખેતી થયેલી એ જમીન પર  અર્જુન પાર્ક (સુચિત)ના નામથી અલગ-અલગ પ્લોટ પાડવામાં આવ્યા હતાં. જેના પ્રયોજક યુનુસભાઇ જૂણેજા હતાં. આ પ્લોટો મારા પિતા તથા અલગ અલગ માણસોએ યુનુસભાઇ જૂણેજાની સહિથી ખરીદ કર્યા હતાં. તેના સર્ટી અને પ્રમાણપત્રની ફાઇલ પણ અમને બનાવી અપાઇ હતી. ત્યારથી  અમારા પ્લોટનો કબ્જો મારા પિતા પાસે હતો.

પણ ૨૦૧૯માં આ પ્લોટમાં ભૂપત ભરવાડે અમારા પ્લોટની જમીન પચાવી પાડી ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવી લીધી હતી. તેની જાણ થતાં હું તથા જે જે વ્યકિતઓની જમીન પચાવી પડાઇ હતી એ બધા એટલે કે કરસનભાઇ સાવલીયા, વિશાલભાઇ સોલંકી, જયેશભાઇ રંગાણી, મહેશભાઇ બરાંગીયા, જયેશભાઇ સંખાવડા સહિતના ત્યાં ગયા હતાં. ત્યારે સાત આઠ માણસો હતો. અમે તેમને આ પ્લોટ અમારા છે, તમે કેમ કમ્પાઉન્ડ વોલ બનાવી છે તેમ કહેતાં એક શખ્સે પોતે ભુપત હોવાનું અને સરકારે પ્લોટ ફાળવ્યા છે, હવે પછી કોઇએ આવવું નહિ. આવશો તો ખોવાઇ જશો તેવી ધમકી આપી હતી.

ત્યારબાદ અમે અમારા પ્લોટના શેર સર્ટીની ફાઇલ લઇ ભૂપતની પેડક રોડની ઓફિસે ગયા હતાં. ત્યાં બીજી એક વ્યકિત પણ હતી. તેણે કહેલ કે તમારે બધાને થોડો થોડા રૂપિયા જોઇતા હોય તો લઇને નીકળી જાવ, બાકી આમાં કંઇ આવશે. નહિ. તેને અમે રૂપિયા નથી જોઇતા એવું સ્પષ્ટ કહ્યું હતું. આથી અમને ધમકી આપી ઓફિસ બહાર નીકળી જવા અને કોણ અર્જુન પાર્કમાં પગ મુકે છે એ જોઇએ છીએ...તેમ કહેવાયું હતું. અર્જૂના પાર્કના એક પ્લોટનું મકાન રૂ. ૨૫ લાખમાં ખરીદી લેવાયું હતું.

આમ મોરબી રોડ પર આવેલ સર્વે નં. ૫૦ પૈકી ૧,૨,૩ની જમીન અર્જૂન પાર્ક સુચિતના નામથી બનાવેલ હોઇ તેનો અમારી પાસે કાયદેસરનો કબ્જો હોઇ છતાં ભૂપત સહિતનાએ હાલમાં જેની કિંમત ૧૫ કરોડ જેવી થાય છે એ જમીન ધમકી આપી પચાવી પાડી છે. તેમ વધુમાં ફરિયાદમાં જણાવાતાં પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલની રાહબરીમાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા અને સ્ટાફે વધુ તપાસ હાથ ધરી ભૂપતનો જેલમાંથી કબ્જો મેળવવા તજવીજ હાથ ધરી છે.

(2:47 pm IST)