Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

નોકરીની લાલચ આપી દુષ્કર્મના કેસમાં 'ચાર્જશીટ' બાદ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૧૦: બળાત્કાર અને વિશ્વાસઘાતની ફરિયાદમાં જામીન અરજીને રાજકોટ સેશન્સ કોર્ટ રદ કરી હતી.

આ કેસની ટૂંકી હકીકત એવી છે કે આ કામમાં ભોગ બનનારને નોકરીની જરૂરીયાત હોય આરોપી ઇમરાન હનીફભાઇ ડેલા, રહે.ખોડીયારનગર, રાજકોટવાળાએ ફરીયાદી/ ભોગ બનનારને ફોન કરીને કહેલ કે તમે નોકરી ગોતો છો તો અમારી પાસે એક નોકરી છે અને મારી ઓફીસ બીગબાઝાર પાસે આવેલ છે. તમે મને ત્યાં આવીને રૂબરૂ મળો તેમ જણાવેલ જેથી ધાકધમકી આપી ફરિયાદી/ ભોગ બનનારની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચરેલ.

ત્યારબાદ આરોપી દ્વારા ફરિયાદી/ ભોગ બનનારના ફોટા પાડી દીધેલ અને રાજકોટની અલગ અલગ હોટેલમાં લઇ ફરિયાદી / ભોગ બનનારની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધેલા તેમજ એક યા બીજી રીતે ફરિયાદી પાસેથી રૂ.૧૯,૧૨૦૦૦/ (ઓગણીસ લાખ બાર હજાર) તેમજ રૂ.૮,૦૦,૦૦૦/ (આઠ લાખના) કુલ બે ચેક પડાવી લીધેલ અને જો પોલીસ ફરિયાદ કરે તો ખોટા કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપેલ હતી.

રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં તેમાં તપાસનીશ અધિકારી દ્વારા તપાસપૂર્ણ કરી પુરાવા મળી આવતા તપાસનીશ અધિકારીઓે ચાર્જશીટ રજુ કરતા આરોપી દ્વારા ડીસ્ટ્રીકટ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી પર મુકત થવા અરજી કરેલ હતી. જે સબબ સરકારી વકિલશ્રીની મૌખિક દલીલો  તથા મુળ ફરીયાદી વતી વકિલ રોકાયેલા હતા. જેમાં ભોગ બનનારના વકિલશ્રી દ્વારા વાંધા રજૂ થયેલા. તેમજ ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના આધારે રાજકોટના સ્પેશ્યલ જજ એડીશ્નલ સેશન્સ જજશ્રી કે.ડી.દવેએ જામીન અરજી રદ કરતો હુકમ કરેલ હતો.

હાલના કામે સરકાર વકીલશ્રી મહેશભાઇ એચ. જોષી તેમજ મુળ ફરિયાદી/ ભોગ બનનાર વતી ભુમિકા એન.દેસાઇ, બલરામ એસ.પંડિત તથા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટ ભાવિક આર. સામાણી ફરિયાદી વતી એડવોકેટ રોકાયેલ હતા.

(2:47 pm IST)