Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

કોરોના ઇંજેકશન કૌભાંડમાં પકડાયેલ આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી મંજુર

રાજકોટ તા. ૧૦: રાજકોટના ચકચારી કોરોના વાઇરસ (કોવીડ-૧૯) ના રેડ મી સીવર ઇન્જેકશનના કૌભાંડમાં સંડોવાયેલ સીવીલ હોસ્પીટલમાં કામ કરતા આરોપીનો હાઇકોર્ટે જામીન પર છુટકારો ફરમાવેલ હતો.

રાજકોટ શહેરના ડી.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દ્વારા રાજકોટના ડી.સી.બી. પોલીસ સ્ટેશન ડીકોડર મારફતે રાત્રીના સમયે દેવવ્યાની બહેન અને તેના ફીયાન્સેને ઇન્જેકશન સાથે પકડી ગત તા. ર૭/૦૯/ર૦ર૦ના રોજ આ કામના આરોપીઓ દ્વારા મીલાપીપણું કરી કોરોના વાયરસની મહામારીમાં કોરોનાના દર્દી માટે ખુબજ ઉપયોગી અને બજારમાં આ રેડ મી સીવર ઇન્જેકશનની ખુબજ માંગ હોય તેવા સમયે આ ઇન્જેકશનના કાળા બજાર કરી બારોબાર વેંચી નાખવા અંગેની રાજકોટ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. કલમ ૪ર૦, ૪૦૮, ૧૧૪ તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારોની કલમ ૩,૭,૧૧ તેમજ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ પ૩ તેમજ ડ્રગ એન્ડ કોસ્મેટીકની અધિનીયમની કલમ ર૭ મુજબની ફરીયાદ નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપીઓ દેવ્યાનીબેન જીતેન્દ્રભાઇ ચાવડા, વિશાલ ભુપતભાઇ ગલોહેલ, અંકિત મનોજભાઇ રાઠોડ, જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ અને હિંમતભાઇ કાળુભાઇ ચાવડાની પોલીસ દ્વારા તા. ર૭/૦૯/ર૦ર૦ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા રીમાન્ડ મળતા તારીખ ૧/૧૦/ર૦ર૦ તેને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલા હતા.

આ બનાવના અનુસંધાને આરોપીઓ દેવ્યાનીબેન જીતેન્દ્રભાઇ ચાવડા, વિશાલ ભુપતભાઇ ગોહેલ, અંકિત મનોજભાઇ રાઠોડ, જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ અને હિંમતભાઇ કાળુભાઇ ચાવડાને જજે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ત્યારબાદ ઉપરોકત આરોપી પૈકી હિંમતભાઇ કાળુભાઇ ચાવડાએ જામીન પર મુકત થવા માટે જામીન અરજી ગુજરાત હાઇકોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આરોપી વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતના રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટે આ કામના આરોપીને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વતી યુવા એડવોકેટ રણજીત બી. મકવાણા, જીજ્ઞેશ એમ. સભાડ, મોતીભાઇ એન. સીંધવ તેમજ ગુજરાત હાઇકોર્ટમાં મેહુલભાઇ પાડલીયા રોકાયેલા હતા.

(2:48 pm IST)