Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

પેટા ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને વધાવતાં ઉદય કાનગડ

મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિકાસ યાત્રાને ૮ વિધાનસભા વિસ્તારની પ્રજાએ આગળ વધારી : ધારી, ગઢડા, લીંબડી, અબડાસા, મોરબી, કપરાડા, કરજણ, ડાંગમાં ભગવો લહેરાતાં સ્ટેન્ડીંગ ચેરમેને પાઠવી શુભેચ્છા

રાજકોટ, તા. ૧૦ : ગુજરાત વિધાનસભાની ૮ સીટની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને મળેલ જવલંત વિજયને વધાવતા સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડ જણાવે છે કે, ગુજરાત વિધાનસભાની અબડાસા, મોરબી, લીમડી, ધારી, ગઢડા, કરજણ, કપરાડા તથા ડાંગ વિધાનસભાને પેટા ચૂંટણી તાજેતરમાં યોજાયેલ જેના પરિણામ આજે બહાર પડેલ છે. આ પરિણામોએ પૂરવાર કર્યું છે કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં જે પ્રકારે પ્રશાસનને વિકાસપથ પર સંવેદનશીલતા સાથે દોડતું રાખ્યું છે તેને જાહેર જનતાએ સ્વીકારી તેમની શાસન પ્રણાલી પર પોતાની ખુશીની મ્હોર મારી છે.

આ પેટા ચુંટણીના પરિણામો એ પણ દર્શાવે છે કે, ગુજરાતના સર્વાંગી, વ્યાપક અને છેવાડાના માનવીને પણ સ્પર્શતા વિકાસલક્ષી મુદ્દાઓને મુખ્યમંત્રીશ્રીએ અત્યંત ગંભીરતાથી ધ્યાને લીધા છે. જેને મતદારોએ સહર્ષ આવકારેલ છે. હકારાત્મક અને રચનાત્મક રાજનીતિનો પાયો એટલે જ છેવાડાના માનવીની ચિંતા કરવી એ છે, અને મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની સરકારે કયારેય પાછી પાની કરી નથી. રાજનીતિમાં એ બાબત પણ ખુબ જ મહત્વ ધરાવે છે કે, સરકાર જનતાનો વિશ્વાસ અને સાથ સહકાર સતત જાળવી રાખે, અને આ બાબતમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકાર સંપૂર્ણપણે ખરી ઉતરી છે અને સફળ રહી છે. સ્ટેન્ડિંગ કમીટી ચેરમેન ઉદયભાઈ કાનગડે પેટા ચુંટણીના શાનદાર પરિણામોને મુકત કંઠે આવકારી મુખ્યમંત્રીશ્રી, પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી અને ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો અને સભ્યોને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.

ચેરમેનશ્રીએ વિશેષમાં કહ્યું હતું કે, જે-તે વિધાનસભા વિસ્તારની જનતાએ ભારતીય જનતા પક્ષમાં અતુટ વિશ્વાસ પ્રદર્શિત કરેલ છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના મહામારીના કપરા કાળમાં પણ રાજયનો વિકાસ વણથંભ્યો ચાલુ રાખ્યો છે. રાજયનો પાણીનો પ્રશ્ન હોય, ઔદ્યોગિક વિકાસનો પ્રશ્ન હોય, શિક્ષણનો પ્રશ્ન હોય, કે કોઈ પણ પ્રશ્ન હોય, તેનો સરળતાથી અને સહજતાથી ઉકેલ લાવ્યો છે. રાજયમાં તેઓએ વિકાસની રાજનીતિ ચલાવી છે. જેને પ્રજાએ વધાવી ખોબે ખોબે મત આપ્યા છે. આ વિજયમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ આર.સી.પાટીલ તથા રાજય સંગઠનના હોદ્દેદારો અને તમામ કાર્યકરોનો પણ અમુલ્ય ફાળો રહ્યો છે.

(2:51 pm IST)