Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

લોહાણા મહાપરીષદના ઇતિહાસમાં

પ્રમુખ તરીકે પ્રવિણભાઇ કોટકનો કાર્યકાળ સૌથી વિવાદાસ્પદ અને બદનામીથી ભરેલો રહ્યો ?

જ્ઞાતિના રીતસર બે ફાડીયા પડી ગયાઃ લોકો એકબીજાને શંકાની નજરે જોતા થઇ ગયા?

રજકોટ તા. ૧૦ : લોહાણા મહાપરીષદની નવી ટર્મ ર૦ર૦-ર૦રપ માટે પ્રમુખપદની ભલામણ માટે આજે વરણી સમિતિની મિટીંગ થઇ ગઇ છે  ત્યારે સિનિયર - અનુભવી અને મહાપરીષદમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર રહી ચુકેલા અમુક જ્ઞાતિશ્રેષ્ઠીઓમાં કર્ણોપકર્ણ ચર્ચા ચાલે છે કે લોહાણા મહાપરીષદના ઇતિહાસમાં કદાચ પ્રવિણભાઇ કોટક એવા પ્રથમ પ્રમુખ હશે કે જેનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ સૌથી વિવાદાસ્પદ અને કચવાટથી ભરેલો રહ્યો હોય. તેઓના પ્રમુખપદ હેઠળ ઘણાં બધાં વિવાદો થયાની ચર્ચા છે કે જેને કારણે સાહસિક અને ખમીરવંતા ગણાતા લોહાણા સમાજને પણ શરમીંદા બનવું પડયું હોય. લોહાણા મહાપરીષદમાં ભૂતકાળમાં આટલો વિવાદ અને વિચારોનું ખોટુ હસ્તાંતરણ કદી પણ ન થયું હોવાની ચર્ચા છે.

વારંવાર નિર્ણયો બદલવા, કમિટમેન્ટ ન જાળવવું, પ્રમુખપદ એક જ હોવા છતાં ઘણાં બધાં લોકોને પ્રમુખપદની લાલચ આપવી, જ્ઞાતિની સૌથી વધુ વસ્તી ધરાવતા સૌરાષ્ટ્ર વિસ્તારને જ કોઇ પ્રાધાન્ય ન આપવું, સૌરાષ્ટ્રના જ જ્ઞાતિશ્રેષ્ઠીઓને ખૂબી પૂર્વક સામ સામે ગોઠવી દેવા, સતત બીજી ટર્મ માટે પરાણે પ્રમુખ બનવાના વિવાદ સંદર્ભે યોગેશભાઇ લાખાણી સાથેનું ભારે  મનદુખ, ર૦ર૦ થી ર૦રપ ની ટર્મ માટે પોતાનાજ અંગત મનાતા મુંબઇ ખાતેના ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી સતીષભાઇ વિઠ્ઠલાણીને પ્રમુખપદે બેસાડવાનો હઠાગ્રહ વિગેરે બાબતોને કારણે પ્રવિણભાઇ કોટકનો પ્રમુખ તરીકેનો કાર્યકાળ સતત વિવાદી રહ્યો હોવાનું સંભળાય રહ્યું છે.

સૌરાષ્ટ્રને તો જરા પણ પ્રાધાન્ય ન અપાતા જ્ઞાતિના રીતસર બે ફાડીયા થઇ ગયાનું ચિત્ર ઉપસ્યું છે. આ તમામ વિવાદોની અસર ભવિષ્યમાં પણ ઘણાં વર્ષો સુધી સમાજ ઉપર રહેશે તેવું જ્ઞાતિના અમુક વરીષ્ઠ અગ્રણીઓ માની રહ્યા છે. જ્ઞાતિજનો એકબીજાને શંકાની નજરે જોતા થઇ ગયાનું વાતાવરણ સર્જાયું હોવાની ચચા ર્છે.

(3:25 pm IST)