Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

રાજકોટમાં પ્રેમીએ પ્રેમિકાની સામે જ ઝેરી દવા ગટગટાવી

હૉસ્પિટલમાં સારવાર દરમિયાન મોત : પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતાં પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે ઊભા રહીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું

રાજકોટ,તા.૧૧ : રાજકોટ શહેરમાં આપઘાતનો વધુ એક બનાવ બનાવ સામે આવ્યો છે. જેમાં પ્રેમિકાએ લગ્ન કરવાની ના પાડી દેતાં પ્રેમીએ પ્રેમિકાના ઘરની સામે ઊભા રહીને ઝેરી દવા ગટગટાવી લઈને જીવન ટૂંકાવ્યું છે. દાયકાઓ પહેલાં એક ફિલ્મ રજૂ થઇ હતી જેનું નામ હતું હવસ. ફિલ્મમાં સુપ્રસિદ્ધ ગાયક કલાકાર મહમદ રફી દ્વારા એક ગીતને પોતાનો અવાજ આપવામાં આવ્યો હતો. ગીતના શબ્દો હતા તેરી ગલિયો મેં ના રખેંગે કદમ, આજ કે બાદ. તેરે મિલને કો ના આયેંગે સનમ, આજ કે બાદ. રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઘંટેશ્વર ૨૫ વારિયા ક્વાર્ટરમાં વિપુલભાઈ વલ્લભભાઈ મકવાણા નામના ૨૭ વર્ષિય યુવકે પોતાની પ્રેમિકાના ઘર સામે ઊભા રહી ઝેરી દવા પીધી હતી. પ્રેમીની તબિયત લથડતા પ્રેમિકા શિવાની તેને સારવાર અર્થે હૉસ્પિટલ પણ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન વિપુલ મકવાણાએ દમ તોડયો હતો.

બીજી તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પણ હૉસ્પિટલે દોડી આવ્યો હતો. હૉસ્પિટલ પહોંચેલા પોલીસ સ્ટાફે વિપુલની પ્રેમિકા શિવાની પ્રવીણ લાઠીયાની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં શિવાની લાઠીયાએ જણાવ્યું હતું કે, વિપુલ હુડકો ચોકડી નજીક રહેતો હતો અને રિક્ષા ચલાવતો હતો. તે છેલ્લા ઘણા સમયથી વિપુલ સાથે પ્રેમ સંબંધમાં હતી. રવિવારના રોજ સવારે તે મારા ઘરે આવ્યો હતો. વિપુલે મને લગ્ન કરી લેવાની વાત કરી હતી. પરંતુ અમારા બંનેની જ્ઞાતિ અલગ હોવાથી લગ્ન શક્ય હોવાથી મેં ના કરી હતી.

જે બાદમાં વિપુલે તેની સાથે રહેલી શીશીમાંથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હું તેને સારવાર માટે હૉસ્પિટલ લાવી હતી. પોલીસ તપાસમાં મૃતક વિપુલ મૂળ સાવરકુંડલા પંથકનો હોવાનું સામે આવ્યું છે. સાથે તે ત્રણ ભાઇમાં મોટો હોવાનું પણ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ રાજકોટ શહેરમાં પત્ની ઘર છોડીને જતી રહેતા મહાશક્તિ પાર્કમાં રહેતા સંજય ભવનભાઈ બેલડિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રીતે એક પ્રેમીએ તેની પ્રેમિકાએ લગ્નની ના પાડતા તો એક પતિએ તેની પત્ની ઘર છોડીને જતી રહેતા આપઘાતના બે બનાવ બન્યા છે.

(8:53 pm IST)