Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

કરણપરા અને પ્રહલાદ પ્‍લોટના ગમારા-ભગત જૂથ વચ્‍ચે બઘડાટીઃ ટપોટપ દૂકાનો બંધઃ પોલીસના ધાડા

પાંચેક વર્ષથી ચાલતા મનદુઃખમાં ત્રણ દિવસ પહેલા ચાવડીયા-ભગત ગ્રુપની ગાડીમાં તોડફોડ બાદ આજે રાજેશ્રી સિનેમા સામેની હોટેલમાં ટોળાએ બઘડાટી બોલાવીઃ કાલે સમાધાન કરવા ભેગા થવાના હતાં પણ ન થયું: આજે ફરી ડખ્‍ખો : બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજઃ પાંચથી સાતને પુછતાછ માટે પોલીસે અટકાયતમાં લીધાઃ હુમલાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મિડીયામાં વાયરલ થયાઃ ધોકા-તલવારથી હોટલે આવી દસ બાર શખ્‍સોએ આવી તોડફોડ કર્યા બાદ વાત વણસીઃ બંને પક્ષના આગેવાનો એ-ડિવીઝન પોલીસ સ્‍ટેશને પહોંચ્‍યા

ધબધબાટી: કરણપરા અને પ્રહલાદ પ્‍લોટના ભરવાડ પરિવારોના ચાવડીયા (ભગત) તથા ગમારા જુથના લોકો વચ્‍ચે ચાલી રહેલા જુના મનદુઃખમાં ત્રણેક દિવસ પહેલા છોકરાઓ વચ્‍ચે થયેલી ચડભડ બાદ ગઇકાલે માથાકુટ થઇ હતી. એ પછી આજે બપોરે રાજેશ્રી ટોકિઝ સામે આવેલી કનુભાઇ ગમારાની ચાની હોટેલ પર અજાણ્‍યા શખ્‍સોએ આવી તલવાર, ધોકા ઉગામી તોડફોડ કરી આતંક મચાવ્‍યો હતો. એ પછી સામા જૂથે સામેની શેરીમાં પાર્ક કરાયેલી ભગત ચાવડીયા જૂથની કારમાં તોડફોડ કરી હતી. ભરબપોરે બે જૂથ સામ સામે હથીયારો સાથે નીકળી પડતાં અને આતંક મચાવતાં બીજા લોકોમાં ભય ફેલાઇ ગયો હતો. આ વિસ્‍તારની દૂકાનો થોડા સમય માટે ટપોટપ બંધ થઇ ગઇ હતી. પોલીસે પહોંચી મામલો સંભાળી લેતાં દૂકાનો ખુલી ગઇ હતી. તસ્‍વીરમાં કરણપરામાં આવેલી પાનની દૂકાન, ઓફિસ, સુમસામ થઇ ગયેલી શેરી, નીચેની  તસ્‍વીરમાં  ચાની હોટેલ ખાતે તોડફોડના દ્રશ્‍યો, સામેની શેરીમાં જે બે ગાડીમાં તોડફોડ થઇ તે તથા સોૈથી નીચે ધમાલ મચાવતાં શખ્‍સો સીસીટીવી કેમેરામાં કેદ થયા તે દ્રશ્‍યો જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)
રાજકોટ તા. ૧૦: શહેરના કરણપરા અને પ્રહલાદપ્‍લોટના ભરવાડ પરિવારના ગમારા અને ચાવડીયા (ભગત) જુથ વચ્‍ચે  પાંચેક વર્ષથી ચાલતાં મનદુઃખમાં ત્રણેક દિવસ પહેલા ચાવડીયા પરિવારની કારમાં ગમારા જૂથના લોકોએ તોડફોડ કર્યા બાદ ગઇકાલે સમાધાનની વાત કરવા બધા ભેગા થયા પછી સમાધાન ન થતાં અને આજે બપોરે રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારાની હોટેલ પર આવેલા ટોળાએ તલવાર, લાકડી સાથે આતંક મચાવી તોડફોડ કરતાં નાસભાગ મચી ગઇ હતી. આ બનાવને પગલે બંને જૂથના લોકો એક બીજાના વિસ્‍તારમાં નીકળી પડતાં કરણપરા અને પ્રહલાદપ્‍લોટની દૂકાનો ટપોટપ બંધ થઇ જતાં પોલીસના ધાડેધાડા ઉતરી પડયા હતાં. પાંચથી સાત જેટલા શખ્‍સોને પુછતાછ માટે રાઉન્‍ડઅપ કરી લેવાયા છે અને બંને પક્ષની ફરિયાદ નોંધવા તજવીજ થઇ રહી છે.
જાણવા મળ્‍યા મુજબ આજે બપોરે એકાદ વાગ્‍યે રાજેશ્રી સિનેમા સામે આવેલી  ગમારા પરિવારની હોટેલ પર દસ બાર શખ્‍સોએ આવી ધોકા તલવાર ઉગામી તોડફોડ કરી આતંક મચાવતા નાસભાગ મચી ગઇ હતી. તોડફોડ કરતાં શખ્‍સોનો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ થયો હતો. બનાવની જાણ થતાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા હતાં. જો કે એ પહેલા પ્રહલાદ પ્‍લોટ અને કરણપરા વિસ્‍તારમાં ગમારા અને ભગત (ચાવડીયા) (ભરવાડ) જૂથના લોકો નીકળી પડતાં ટપોટપ દૂકાનો બંધ થઇ ગઇ હતી.
ચાવડીયા (ભગત) જૂથના લોકોના કહેવા મુજબ ત્રણ દિવસ પહેલા કરણપરામાં ચોૈહાણ  પાન પાસે રવિ ગમારા નામનો શખ્‍સ બીજા કોઇ શખ્‍સ સાથે માથાકુટ કરતો હોઇ તે વખતે ચાવડીયા-ભગત જુથના લોકોએ તેને અટકાવ્‍યો હતો. તે વખતે બેડીપરાના લીલા ખીંટ, રવિ, સતિષ, કરણ, સુનિલ, કમો ગમારા, કરસનભાઇ સહિતનાએ માથાકુટ કરી હતી અને ભગત ચાવડીયા ગ્રુપના ભગીરથભાઇની ગાડીમાં તોડફોડ કરી હતી. આ બાબતે માથાકુટ થતાં ગઇકાલે ફરીથી ડખ્‍ખો થયો હતો. એ પછી ગમારા અને ચાવડીયા-ભગત જૂથના લોકો દિવાનપરાના મછોમાતાના મંદિર ખાતે સમાધાન માટે ભેગા થવાના હતાં. પરંતુ તેઓ ભેગા થયા નહોતાં.
એ પછી રાત્રીના પણ બંને જુથના છોકરાઓ એક બીજા સાથે માથાકુટ કરે તેવી પરિસ્‍થિતિ ઉભી થઇ હતી. દરમિયાન આજે બપોરે રાજેશ્રી સિનેમા સામે આવેલી ગમારાની હોટેલ ખાતે ટોળુ આવ્‍યું હતું અને ધોકા તલવારથી ધમાલ મચાવી ખુરશીઓમાં, ટેબલમાં તોડફોડ કરી હતી. એક બોલેરો ગાડી અને મહિન્‍દ્રા ટીયુવી ગાડીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ધમાલને પગલે પ્રહલાદ પ્‍લોટ અને સામેની સાઇડના કરણપરામાં બંને જૂથના છોકરાઓ નીકળી પડતાં દેકારો મચી ગયો હતો. ભયને પગલે વેપારીઓએ ટપોટપ દૂકાનો બંધ કરી દીધી હતી. થોડીવાર માટે પરિસ્‍થિતિ ભયજનક બની ગઇ હતી. પરંતુ પોલીસના ધાડેધાડા ઉતરી પડતાં બધુ શાંત પડી ગયું હતું અને દૂકાનો ફરીથી ખુલી ગઇ હતી.
ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, ભરતસિંહ ગોહિલ સહિતની ટીમો, ક્રાઇમ બ્રાંચની ટીમો પણ પહોંચી ગઇ હતી. પોલીસે બંને જૂથના મળી ચાર જેટલાને પુછતાછ માટે બેસાડી દીધા છે.
વિસ્‍તારમાં થતી ચર્ચા મુજબ ગમારા અને ચાવડીયા (ભગત) ગ્રુપ વચ્‍ચે ચાર પાંચ વર્ષથી મનદુઃખ ચાલતું રહે છે. આ કારણે અવાર-નવાર તણખા ઝરે છે અને સમાધાન પણ થઇ જાય છે. પરંતુ આ વખતે છોકરાઓ વધુ ઉશ્‍કેરાઇ ગયા હતાં અને વાત વણસી ગઇ હતી. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.


 

(3:10 pm IST)