Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

વાવડીમાં દારૂના નશામાં યુપીના સુમિતે ગળાફાંસો ખાઇ મોત મેળવ્યું

ત્રણ દિવસ પહેલા ગળા પર બ્લેડથી કાપા પણ માર્યા હતાં : કારખાનામાં કામ કરતો હતોઃ કવાર્ટરનો દરવાજો ખોલતો ન હોઇ તોડીને જોતાં લટકતો મળ્યોઃ બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયો પણ જીવ બચી ન શકયો

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ પર વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફાલ્કન કંપની નજીક કાવેરી એન્જિનીયરીંગના કવાર્ટરમાં રહેતાં મુળ યુપીના સુમિત દુર્ગત્ય યાદવ (ઉ.૨૧) નામના યુવાને લોખંડના એંગલમાં ગમછો બાંધીને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

સુમિત સાંજે કવાર્ટરમાં એકલો હતો. તેની સાથે રહેતો બીજો મજૂર આવ્યો ત્યારે તે અંદરથી દરવાજો ખોલતો ન હોઇ સુમિતના બનેવી કનૈયા યાદવ નજીકમાં જ રહેતાં હોઇ તેને જાણ થતાં તે પણ પહોંચ્યા હતાં. દરવાજો તોડીને જોતાં સુમિત લટકતો મળતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. પરંતુ અહિ દમ તોડી દીધો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. સુમિત પાંચ ભાઇ અને પાંચ બહેનમાં વચેટ હતો અને વાવડી રહી કારખાનામાં કામ કરતો હતો. તેને દારૂ પીવાની ટેવ હતી. નશાને કારણે ત્રણેક દિવસ પહેલા પણ જાતે ગળા પર બ્લડેથી કાપા મારી લીધા હતાં અને ગઇકાલે નશાની હાલતમાં ગળાફાંસો ખાઇ લેતાં મોત નિપજ્યું હતું. તેમ તેના સ્વજનોએ કહ્યું હતું.

(11:38 am IST)