Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

મુંજકા - માધાપરની શાળાઓનો શિક્ષણ સમિતિમાં સમાવેશ

શાળા બોર્ડનું ૨૦૨૨ - ૨૩નું ૧૪૬.૪૬ કરોડનું બજેટ રજૂ કરતા અતુલ પંડિત : સ્‍પોર્ટસ સંકુલ માટે ખાસ જોગવાઇ : કોમ્‍પ્‍યુટર અપગ્રેડેશન સહિતની જોગવાઇઓ

રાજકોટ તા. ૧૧ : મ.ન.પા.ની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું આગામી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩નું ૧૪૬.૪૬ કરોડનું તોતીંગ બજેટ ચેરમેન અતુલ પંડિતે મ.ન.પા.ના જનરલ બોર્ડ સમક્ષ રજૂ કર્યું છે. જેમાં શહેરમાં નવા ભેળવાયેલ મુંજકા, માધાપર ગામની પ્રાથમિક શાળાઓ તથા તેના શિક્ષકોનો સમિતિમાં સમાવેશ કરવા સહિતની જોગવાઇઓ કરવામાં આવી છે.
આ અંગે સત્તાવાર જાહેર કરેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટની બોર્ડ બેઠકમાં સને ૨૦૨૨-૨૩નું વિશાળ બજેટ રજુ કરવામાં આવ્‍યું હતું. સૌ પ્રથમ અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલ રમતવીર વિદ્યાર્થીઓને અશ્રુભીની શ્રધ્‍ધાંજલી પાઠવેલ અને બે મીનીટ મૌન પાળવામાં આવેલ. બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતું. ૧૪૬ કરોડ ૪૬ લાખનું બજેટ રજુ કરતા ચેરમેન અતુલ પંડિત અને વાઇસ ચેરમેન સંગીતાબેન છાયાએ વધુમાં જણાવેલ છે કે જરૂરીયાત મુજબના વિસ્‍તારમાં નવી શાળા નિર્માણ કરાશે. જેનાથી આસપાસ રહેતા લોકોને શ્રેષ્‍ઠ શિક્ષણ સુવિધા મળી રહેશે. તેમજ મુંજકા - માધાપરની શાળાઓ અને શિક્ષકો શિક્ષણ સમિતિમાં ભળતા બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે.
બજેટમાં ગણીત - વિજ્ઞાન પ્રદર્શન, વાર્ષિક રમોત્‍સવ, સાંસ્‍કૃતિક કાર્યક્રમ, વાલી સંમેલનો, શાળામાં સ્‍માર્ટ કલાસની સુવિધા તથા ગુરૂ વંદના એવોર્ડ, નિવૃત્ત શિક્ષક સન્‍માન સાથે શાળા વિકાસ માટેની જોગવાઇ રાખવામાં આવેલ છે. ધોરણ ૧ થી ૮ ની તમામ પ્રાથમિક શાળામાં કોમ્‍પ્‍યુટર સુવિધા સાથે તેના અપગ્રેડ, મેન્‍ટેનન્‍સની જોગવાઇ કરવામાં આવેલ. જિલ્લા - રાજ્‍યની રમત-ગમત સ્‍પર્ધામાં તેજસ્‍વી વિદ્યાર્થીઓ માટે સ્‍પોર્ટસ સંકુલ બનાવાશે. ઉપરાંત ૨૦૨૨-૨૩માં આવતી શાળાની જાહેર - સ્‍થાનિક રજા મંજુર કરવામાં આવેલ. શિક્ષણ સમિતિ હસ્‍તકની શ્રી કસ્‍તુરબા પ્રાથમિક શાળા નં. ૫૩ને શ્રી આદિત્‍ય પ્રાથમિક શાળા નં. ૩૨ માં મર્જ કરવામાં બહાલી આપવામાં આવેલ. શિક્ષણ સમિતિના કર્મચારીઓ અને શિક્ષકોને અવસાન પામે તેના આશ્રીતોને નાણાકીય સહાય આપવા માટેની દરખાસ્‍ત, તમામ શાળાઓના અભ્‍યાસ કરતા બાળકોને શ્રેષ્‍ઠ શિક્ષણ મળી રહે તે માટે જરૂરીયાત મુજબ ગ્રીનબોર્ડ ફાળવવા, શાળાઓમાં શૈક્ષણિક હેતુસર અને વિવિધ કાર્યક્રમો ઉજવણીમાં સલાહ અને માર્ગદર્શન આપવા શાળા સલાહકાર સમિતિની રચના કરવામાં આવી. શાળામાં ચાલતા ધો. ૧ થી ૮ના વર્ગોને દત્તક આપવાની યોજના. આ તમામ દરખાસ્‍ત સર્વાનુમતે મંજુર કરવામાં આવેલ હતી.
શિક્ષણ સમિતિની બજેટ મીટીંગમાં શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિત, વા.ચેરમેન સંગીતાબેન છાંયા, સદસ્‍યા કિશોરભાઇ પરમાર, રવિભાઇ ગોહેલ, તેજસભાઇ ત્રિવેદી, કિરીટભાઇ ગોહેલ, ડો. વિજયભાઇ ટોળીયા, ફારૂકભાઇ બાવાણી, ધૈર્યભાઇ પારેખ, શરદભાઇ તલસાણીયા, ડો. પીનાબેન કોટક, જયંતીલાલ ભાખર, ડો. અશ્વિન દુધરેજીયા, જાગૃતિબેન ભાણવડીયા, ડો. મેઘાવીબેન સીંધવ, શાસનાધિકારી કિરીટસિંહ પરમાર હાજર રહી બજેટમાં ચર્ચામાં ભાગ લીધેલ હતો.

 

(3:12 pm IST)