Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રાજેશ્રી સામે ચાની કેબીનમાં કાવત્રુ ઘડી હુમલો કરી તોડફોડ કરાઇ'તીઃરણજીત ચાવડીયા સહિતની શોધખોળ

પાંચ વર્ષ પહેલા ભરત ગમારાને કોર્પોરેશનની ચૂંટણીની ટિકીટ મળવાની હતી ત્યારે રણજીત ચાવડીયાને ન ગમતાં તે વખતે મારામારી થઇ હતીઃ ત્યારથી ચાલતી અદાવતમાં ડખ્ખો વકર્યો

રાજકોટ તા. ૧૧: ગઇકાલે પ્રહલાદ પ્લોટ-કોટક શેરી અને કરણપરામાં ભરવાડ સમાજના બે જૂથો વચ્ચે માથાકુટ થતાં અને એક જૂથે રાજેશ્રી સિનેમા સામે ચાની કેબીને તોડફોડ કરી આતંક મચાવતાં આ વિસ્તારોમાં નાસભાગ મચી ગઇ હતી અને બીજા વેપારીઓએ પણ ટપોટપ દૂકાનોના શટર પાડી દીધા હતાં. આ બનાવમાં પોલીસે હાલ મારા જૂથની ફરિયાદ પરથી ચાવડીયા જૂથના લોકો વિરૂધ્ધ કાવત્રુ ઘડી, ગેરકાયદે મંડળી રચી, હુમલો કરી તોડફોડ કરી ધમકી આપવાનો ગુનો નોધી આરોપીઓની તપાસ આદરી છે.

આ બનાવમાં પોલીસે ગમારા જુથના  કોટક શેરી નં. ૪ શકિત કૃપા, હાલ પ્રહલાદ પ્લોટ-૪૯ ગમારા હાઉસ ખાતે રહેતાં અને દૂધનો વેપાર કરતાં ભરતભાઇ બાબુભાઇ ગમારા (ભરવાડ) (ઉ.૫૭)ની ફરિયાદ પરથી ચાવડીયા-ભગત જૂથના હાર્દિક રણજીતભાઇ ચાવડીયા, મોહિત ઉર્ફ ભીમો મનાભાઇ ચાવડીયા અને રણજીત ભૂપતભાઇ ચાવડીયા તથા ત્રણથી ચાર અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૫૦૪, ૫૦૬ (૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૨૦ (બી), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.

ભરતભાઇએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે બપોરે એકાદ વાગ્યે હું તથા ગોપાલ સુરેશભાઇ ગમારા, મનોજ ભીમાભાઇ ગમારા (રહે. કોટક શેરી-૪), પ્રતિક સંજયભાઇ ખાખરીયા (રહે. કોટક શેરી-૧) મારા મોટા બાપુના દિકરા કનુ ગોબરભાઇ ગમારાની ચાની કેબીન પાસે બેઠા હતાં ત્યારે હાર્દિક ચાવડીયા, મોહિત ઉર્ફ ભીમો અને રણજીત ભૂપતભાઇ ચાવડીયા તથા બીજા ત્રણ ચાર જણા પુર્વ આયોજીત કાવત્રુ ઘડી ધોકા-પાઇપ લઇને આવ્યા હતાં.

રણજીત ચાવડીયાએ મારી સાથે બોલાચાલી કરી ગાળો દીધી હતી. એ પછી મારા મોટા બાપુના દિકરા કનુભાઇ ગમારાની ચાની કેબીનમાં ધોકા-પાઇપથી તોડફોડ કરવા માંડ્યા હતાં. તેને આવું ન કરવા સમજાવતાં 'તમને બધાને જોઇ લઇશ' તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી ગયા હતાં. આ બનાવનું કારણ એ છે કે આજથી પાંચ વર્ષ પહેલા મને કોર્પોરેશનની ચૂંટણીની ટિકીટ મળવાની હતી. તે રણજીત ચાવડીયાને ન ગમતાં અમારી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. ત્યારે મારા અને મારા દિકરા પર રણજીત ચાવડીયાએ હુમલો કર્યો હતો. તેનું સમાધાન થઇ ગયું હતું. છતાં જુની અદાવત ત્યારથી ચાલુ હતી. તેના કારણે કાવત્રુ ઘડી હુમલો કરાયો હતો.

ચાવડીયા જૂથના લોકો હાજર મળ્યા ન હોઇ પોલીસે હાલ એક પક્ષની ફરિયાદ નોંધી છે. પીઆઇ સી. જી. જોષી, પીએસઆઇ જે. એમ. ભટ્ટ, એએસઆઇ બી. વી. ગોહિલ, આર. એલ. વાઘેલા, મેરૂભા ઝાલા અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

(3:13 pm IST)