Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રેલનગરના ચકચારી જયરાજસિંહ જાડેજાની હત્યાના કેસમાં સરકારી વકીલ રક્ષિત કલોલાની સ્પે પી.પી.તરીકે નિમણુંક

રાજકોટ તા. ૧૧ : અત્રે રેલનગરમાં રહેતા જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા કેસમાં રાજકોટના નામાંકિત સરકારી વકીલ રક્ષિત કલોલાની સ્પે.પી.પી.તરીકે રાજય સરકારે નિમણુંક કરેલ છે.

સદર બનાવની હકીકત એવી છે કે આ કામના ફરીયાદી ઋતુરાજસિંહ ભુપતસિંહ જાડેજાએ તા.ર૯/૧ર/ર૦૧૭ ના રોજ પોતાની ફરીયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લખાવતા વિગતો જણાવેલ કે પોતાનો નાનો ભાઇ જયરાજસિંહ તે દિવસે બપોરે પોતાનુ વાહન લઇ એરપોર્ટની દિવાલ પાછળ બજરંગવાડી વિસ્તારમાં જતો હતો ત્યારે અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ બલવીરસિંહ જાડેજાનાઓ સાથે મોટરસાઇકલ અથડાવવા બાબતે બોલાચાલી થયેલ હતી અને તે સમયે ફરીયાદી ઋતુરાજસિંહ પોતાના મિત્ર સમર્થસિંહ સાથે ત્યાં પહોંચેલ અને વાતચીત કરવા જતા આ અજયસિંહ એકદમ ઉકેરાટમાં આવી જ પોતાના પેન્ટના નેફામાંથી છરી કાઢતા ઋતુરાજસિંહ ઉપર હુમલો કરવા જતા તેના નાના ભાઇ જયરાજસિંહ વચ્ચે આવવા જતા આ અજયસિંહે પોતાની પાસેથીછરી વડે જયરાજસિંહને છાતીના નીચે પડખાના ડાબી બાજુના ભાગે એક જીવલેણ છરીનો ઘા મારી દીધેલ અને ફરીયાદી ઋતુરાજસિંહને પણ છરી મારવા જતા તેણે બંને હાથે છરી પકડી લીધેલ અને બન્ને હાથે તથા ડાબા પગના સાથળના ભાગે ફરીયાદીને આ અજયસિંહ વાળાએ છરી વતી ઇજાઓ કરેલ તેમજ ફરીયાદીના ભાઇ સમર્થસિંહ ઉપર પણ આ બન્ને આરોપીઓએ પથ્થરમારો કરેલ અને અન્ય આવતા જતા માણસો ઉભા રી જતા બન્ને આરોપીઓ ત્યાંથી નાસી ગયેલા હતા.

ત્યારબાદ ત્યાં એક બોલેરો પસાર થતા આ કામના ફરીયાદી ઋતુરાજસિંહે ઉભી રખાવી નેતા ભાઇ જયરાજસિંહને દવાખાને લઇ જવા માટે જામનગર રોડ પર આવેલ કડીવાર સાહેબના દવાખાને જવા રવાના થયેલ પરંતુ તે દવાખાનું બંધ હોઇ ત્યાંથી સીધા સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલા ત્યા ફરજ પરના ડોકટરે તપાસી તેઓને મૃત જાહેર કરેલ. આમ આ બનાવનું કારણ એવું હતું કે ફરીયાદીના મોટા ભાઇ જયરાજસિંહ સાથે આ કામના બન્ને આરોપીઓ પોતાનું વાહન સામેથી આવતા અથડાતા થયેલ ઝગડાના કારણે બન્ને આરોપીઓએ સાથે મળી ગુજરનાર જયરાજસિંહ પર છરી વડે ઘાતકી હુમલો કરી હત્યા નિપજાવેલ હતી.

સદર કામમાં હાલ કેસ ચાલવા પર આવેલ હોય ફરીયાદપક્ષ દ્વારા સરકારમાં ખાસ રજુઆતો થતા સરકારે આ રજુઆતોને ધ્યાને લઇ આ કેસ ખાસ રીતે ચલાવવા માટે સ્પે. પી.પી. તરીકે રાજકોટના નામાંકીત સરકારી વકીલ રક્ષિતભાઇ વી.કલોલાની નિમણુંક કરેલ છે.રક્ષિત કલોલા ઘણા બધા ચકચરી કેસોમાં સ્પે. પી.પી.તરીકે નિમણું પામેલ છે. અને તે સિવાય પણ ઘણા ચકચારી કેસોમાં આરોપીઓ સામે સખત કાર્યવાહી કરી સજાઓ અપાવેલ છે.

(3:14 pm IST)