Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

રસ્તા કામમાં ખનીજ ચોરી અટકાવવા કોન્ટ્રાકટરે જ ખોદાણ થયેલ મટિરિયલ્સનો ઉપયોગ કરવાનો રહેશે

બાંધકામ સમિતિ ચેરમેન કેતન પટેલના સુચન બાદ ટેન્ડરની શરતોમાં ફેરફાર કરાવતા અમિત અરોરા

રાજકોટ તા. ૧૧ : મ.ન.પા.ના રસ્તા કામ દરમિયાન ખોદવામાં આવતી જમીનમાંથી માટી, ડબ્બર, મેટલ વગેરે કિંમતી ખનીજ ચોરાઇ જતુ હોઇ તેને અટકાવવા આવા ખનીજનો રસ્તાના કોન્ટ્રાકટર જ પોતે રસ્તા કામમાં ફરીથી ઉપયોગ કરે તે પ્રકારની નવી વ્યવસ્થા મ્યુ. કમિશનર અમિત અરોરાએ શરૂ કરાવી છે.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ત્રણેય ઝોનમાં આવેલ દરેક વોર્ડમાં બાંધકામ શાખા દ્વારા નવા રસ્તાઓ તથા હયાત જૂના રસ્તાઓને ડેવલપ કરવાની કામગીરી વખતે રસ્તાના ખોદાણ કામ દરમિયાન નીકળતા અને મૂળ કામના ટેન્ડર સ્પેશીફિકેશન મુજબની સારી ગુણવત્ત્।ા ધરાવતા ખનીજ મટીરીયલ્સ જેવા કે, સોફટ મોરમ, હાર્ડ મોરમ, ફિલ્ડ મેટલ, ડબર (કાળા પથ્થર) વિગેરેનો જથ્થો બારોબાર વેચાણ થઇ જવાનું/ચોરાઇ જવાનું ધ્યાને આવતા મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ બાંધકામ શાખા દ્વારા નવા રસ્તાઓ તથા હયાત જૂના રસ્તાઓને ડેવલપ કરવાની કામગીરીના અંદાજપત્રક/ટેન્ડર તૈયાર કરતી વખતે ટેન્ડરની શરતો તથા સમજૂતીમાં કેટલીક મહત્વની બાબતોનો સમાવેશ કરવા સૂચના આપેલ છે.

અહી એ યાદ અપાવીએ કે, બાંધકામ સમિતિનાં ચેરમેન શ્રી કેતનભાઈ પટેલે, રસ્તા કામ વખતે રસ્તાના ખોદાણ દરમ્યાન ખનીજ ચોરી થતી હોવાની નાગરિકો તરફથી પોતાને રજૂઆત મળી હોવાનું મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાના ધ્યાન પર મુકયું હતું અને ખનીજ ચોરી અટકાવવા આવશ્યક પગલાંઓ લેવા જોઈએ તેવી રજૂઆત કરી હતી, જેના અનુસંધાને કમિશનરશ્રીએ એક પરિપત્ર દ્વારા હવે નવા રસ્તાઓ તથા હયાત જૂના રસ્તાઓને ડેવલપ કરવાની કામગીરીના અંદાજપત્રક/ટેન્ડર તૈયાર કરતી વખતે ટેન્ડરની શરતો તથા સમજૂતીમાં જે મુદાઓ ઉમેરવા સૂચના આપેલ છે તે નીચે મુજબ છે.

(૧)  ખોદાણ કામ દરમિયાન નીકળતા અને મૂળ કામના ટેન્ડર સ્પેશીફિકેશન મુજબની સારી ગુણવત્ત્।ા ધરાવતા મટીરીયલ્સ જેવા કે, સોફટ મોરમ, હાર્ડ મોરમ, ફિલ્ડ મેટલ, ડબર વિગેરેનો જથ્થો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ હોય, તેને સંબંધિત ટેન્ડર કામમાં જ વપરાશ કરવાનો રહેશે, જે જથ્થા માટેનું ચૂકવણું કરવાનું રહેશે નહીં તેમજ તેની સંપૂર્ણ વિગત મુળ કામની મેઝરમેન્ટ બુકમાં નોંધવાની રહેશે.

(૨)  ખોદકામ દરમ્યાન નીકળેલ મટીરીયલ્સ કે જે મૂળ કામમાં ઉપયોગમાં લઇ શકાય તેમ ન હોય તેવા કિસ્સામાં જે તે વોર્ડમાં કે રાજકોટ મહાનગરપાલિકાના અન્ય કામોમાં ઉપયોગ કરી શકાય તેમ હોય તો નિયમાનુસાર રીયુઝ કરવાનું રહેશે અને તેની નોંધ જે તે કામની મેઝરમેન્ટ બુકમાં કરવાની રહેશે. અન્યથા વેસ્ટ મટીરીયલ્સ ટેન્ડરમાં નિશ્યિત કરેલ/સૂચના મુજબની જગ્યાએ જ નાખવાનું રહેશે.

(૩) ખોદાણ કામ દરમિયાન નીકળતા અને મૂળ કામના ટેન્ડર સ્પેશીફિકેશન મુજબની સારી ગુણવત્ત્।ા ધરાવતા મટીરીયલ્સ જેવા કે, સોફટ મોરમ, હાર્ડ મોરમ, ફિલ્ડ મેટલ, ડબર વિગેરેનો જથ્થો બારોબાર વેચાણ થઇ જવાનું/ચોરાઇ જવાનું ધ્યાને આવશે તો સક્ષમ કક્ષાએથી મંજૂરી મેળવીને સંબંધિત કામ રાખનાર એજન્સી સામે નિયમાનુસાર શિક્ષાત્મક પગલાં લેવાના રહેશે.

(3:16 pm IST)