Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

સિવિલ હોસ્પીટલના બાયો કેમેસ્ટ્રી અને પેથોલોજી લેબમાં કોરોનાના દર્દીઓના રિપોર્ટ માટે ૩૦ થી વધુ ટેકનીશ્યનો દ્વારા ૨૪ કલાક ચાલતી કામગીરી

કોરોનાના દર્દીઓ માટે જુદા જુદા પાંચ પ્રકારનાં કરાતા દૈનિક ૪૫૦૦ થી વધુ રિપોર્ટ ગત માસમાં દર્દીઓને ૧.૩૫ લાખ રિપોર્ટ વિનામૂલ્યે કરાયાઃ ખાનગી લેબમાં રૂ.૪.૫ કરોડ જેટલો ખર્ચ થાય તેટલા રીર્પોટસ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે

રાજકોટઃ  રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય સિવિલ હોસ્પિટલના કોવીડ વિભાગમાં તબીબો દ્વારા આધુનિક સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલનો રીકવરી  રેટ વધી રહ્યો છે. જેમાં દર્દી નું સચોટ નિદાન મહત્વનું છે. આ નિદાનમા  લોહીના રિપોર્ટ અગત્યના હોય છે. આ કામગીરી બખુબી રીતે નિભાવી રહ્યો છે સિવિલ હોસ્પિટલનો બાયો કેમેસ્ટ્રી અને પેથોલોજી વિભાગ...

 કોરોનાની વૈશ્વિક મહામારી આવી ત્યારથી રાજકોટની સિવિલ હોસ્પિટલના બાયો કેમેસ્ટ્રી લેબ અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાતદિવસ કામગીરી કરે છે. દર્દી નારાયણની સેવામાં આ સ્ટાફે  પોતાની પરવા કર્યા વગર અવિરત કામ કર્યું છે.

સિવિલ હોસ્પિટલની ઓ પી ડી બિલ્ડિંગમાં રૂમ નંબર ૧૨માં કિલનિકલ બાયો કેમેસ્ટ્રી લેબ આવેલી છે. આ કામગીરીના નોડલ ઓફિસર ડો. જીગ્નેશ ગોરસીયાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ લેબમાં દર્દીના ચાલીસથી વધુ પ્રકારના લોહીના રિપોર્ટ કરવામાં આવે છે. કોરોનાના દર્દી માટે ડી-ડાઈમર, સીઆરપી,આઇ.એલ-૬, ફેરીટીન,પીસીટી સહિતના  રિપોર્ટ કરવામાં આવે છે. આ કામગીરી માટે ટેકનિશિયનો અને આસિસ્ટન્ટ સહિતનો  ૩૦નો સ્ટાફ અવિરત કામ કરે છે.

 સિવિલમાં એપ્રિલ મહિનામાં દર્દીઓના ૧.૩૫ લાખ રિપોર્ટ કરવામાં આવ્યા છે. બાયોકેમેસ્ટ્રી વિભાગમાં દૈનિક ૪૦૦૦ થી ૪૫૦૦ રિપોર્ટ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કોરોનાના દર્દીઓ માટે અગત્યના ૮૦,૦૦૦ જેટલા રિપોર્ટ કરવામાં આવ્યા છે  જે ખાનગી હોસ્પિટલમાં કરવામાં આવે તો ૪ થી ૪.૫૦ કરોડ જેટલો ખર્ચ થતો હોય છે. રાજ્ય સરકારના સંવેદનશીલ અને સેવાકીય અભિગમ અંતર્ગત આ તમામ રિપોર્ટ દરદીઓને વિનામૂલ્યે કરી આપવામાં આવ્યા છે.

 એ જ રીતે સિવિલ હોસ્પિટલ ના ઓપીડી બિલ્ડિંગમાં રૂમ નંબર ર૦ માં પેથોલોજી વિભાગ બેસે છે. અહીં અગત્યની કામગીરી કરતા નોડલ ઓફિસર ડો.શિલ્પા ગાંધીએ જણાવ્યું હતું કે આ વિભાગમાં દર્દીના ખૂબ જ બેઝિક પરંતુ અત્યંત મહત્વના સીબીસી રિપોર્ટ અને જે દર્દીનું ડી-ડાઇમર વધારે હોય તેને બ્લડ થીનર્સ આપવાની જરૂરીયાત હોય તેવા દર્દીના પીટી/એપીટીટીના રિપોર્ટ થાય છે. આ વિભાગમાં હાલ કોરોનાની બીજી લહેરમાં દર્દીઓ વધારે હોવાથી રોજના ૩૫૦થી ૪૦૦ સીબીસી અને આશરે ૧૦૦ જેટલા  પીટી/એપીટીટીના કોગ્યુલેશનનાના રિપોર્ટ થાય છે.

સિવિલ હોસ્પિટલ ઉપરાંત કેન્સર કોવિડ હોસ્પિટલ અને યુનિવર્સિટી કોવિડ સેન્ટર માંથી પણ સેમ્પલ રિસિવ કરવામાં આવે છે.પીએમ એસ એસવાય બિલ્ડિંગમાં માટે ખાસ કલેકશન સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યું છે .જેમાં ટેકનિશિયન ૨૪કલાક કાર્યરત હોય છે.પેથોલોજી વિભાગના હેડ ગૌરવી ધ્રુવના માર્ગદર્શન હેઠળ, ડો.શિલ્પા ગાંધી ડો.ખુશ્બુ ટીલવા , ડો બીપીન કાસુન્દ્રા અને સિનિયર લેબ.ટેકનિશિયન બારાઇભાઇ, ભટ્ટીભાઈ સહિતનો સ્ટાફ રોટેશન મુજબ ફરજ બજાવે છે.

(3:01 pm IST)