Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

સામાકાંઠે પાણી - સફાઇના પ્રશ્નો તાકિદે ઉકેલવાના આદેશો

વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮માં વિવિધ વિકાસકામોની સમીક્ષા બેઠક પ્રદિપ ડવના અધ્‍યક્ષસ્‍થાને યોજાઇ : આજી નદીમાંથી વેલ કાઢવા, ગ્રીનલેન્‍ડ ચોકડી વિસ્‍તારમાં સ્‍ટ્રીટ લાઇટ, આવાસ, કોમ્‍યુનિટી હોલ, શાળાનું રીનોવેશન સહિતના કામો હાથ ધરવા અધિકારીઓને સુચના આપતા મેયર તથા મ્‍યુનિ. કમિશનર

રાજકોટ તા. ૧૧ : મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં લોકોને પાયાની મૂળભૂત સુવિધાઓની સાથોસાથ અન્‍ય જરૂરી પ્રોજેક્‍ટના લાભ પણ મળતા રહે તે રીતે વિકાસલક્ષી આયોજન કરવામાં આવતું હોય છે. જે મુજબ હાલ પણ જુદાજુદા વિકાસ કામો વિવિધ વોર્ડમાં ચાલી રહેલ છે. આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તેમજ ચાલુ નાણાકીય વર્ષ સને ૨૦૨૨-૨૩માં જુદીજુદી યોજનાઓ તેમજ વિકાસ કામો વહેલી તકે કાર્યવાહી હાથ ધરવાના શુભ હેતુથી ગઇકાલે મેયર ડો.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને ઈસ્‍ટ ઝોન હેઠળના વોર્ડ નં. ૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮ માટે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવેલ. ᅠᅠ
મેયર ડો.પ્રદિપ ડવે મિટિંગના પ્રારંભે એમ જણાવેલ કે, ઈસ્‍ટ ઝોન હેઠળ આવતા વોર્ડના ચાલુ કામો સમયસર પૂર્ણ થાય તેમજ નવા કામો હાથ ઉપર ધરવા ઉપરાંત વોર્ડના નાના મોટા પ્રશ્નોની રૂબરૂ સમીક્ષા થઈ શકે તેવા શુભ હેતુથી ઝોન વાઈઝ મિટિંગનું આયોજન કરવામાં આવે છે.
ᅠવોર્ડ નં.૪ના પ્રશ્નો અંગેની ચર્ચા પૂર્વે અધિકારીઓ દ્વારા કુલ-૩૬ કામો હાથ ઉપર ધરવામાં આવેલ છે તેવી માહિતી આપવામાં આવેલ. ત્‍યારબાદ કોર્પોરેટર અને સ્‍થાનિક સંગઠન દ્વારા વેલનાથપરામાં આવેલ શાળાનું રીનોવેશન કરવા, જકાતનાકા, આરોગ્‍ય કેન્‍દ્રમાં મમતાકાર્ડ કાઢી આપવા, આજીનદીમાંથી વેલ કાઢવા, નદીમાં જે કોઈ લોકો ભરતી નાખી જતા લોકો સામે પગલા લેવા આ ઉપરાંત અમુક વિસ્‍તારોમાં પૂરતા પ્રેસરથી પાણી મળતું નથી અને અમુક વિસ્‍તારોમાં સફાઈની મુશ્‍કેલી છે એ માટે યોગ્‍ય કરવા રજૂઆત કરવામાં આવેલ.
વોર્ડ નં.૫માં ચાલી રહેલ જુદાજુદા કામોની વિગત આપવામાં આવેલ. આ ઉપરાંત કોર્પોરેટર તથા સ્‍થાનિક આગેવાનો દ્વારા નવા ગામવાળો રસ્‍તો વહેલાસર પૂર્ણ કરવા, સદગુરૂ રણછોડનગર, વલ્લભનગરમાં વરસાદી પાણી ભરાય છે. ચંપકભાઈ વોરા આરોગ્‍યકેન્‍દ્રમાં આયુષ્‍યમાન કાર્ડ નિકળે તે માટે યોગ્‍ય વ્‍યવસ્‍થા કરવા, ગ્રીનલેન્‍ડ ચોકડીથી આજીડેમ સુધી સ્‍ટ્રીટલાઈટની સુવિધા આપવા વગેરે કામોની રજૂઆત કરવામાં આવેલ.
વોર્ડ નં.૬માં ચાલી રહેલ કામોની સમીક્ષા કરવામાં આવેલ. આ ઉપરાંત કોર્પોરેટર અને સ્‍થાનિક આગેવાનો દ્વારા વોર્ડ નં.૬માં સફાઈ તેમજ અન્‍ય કામો માટે પુરતી માત્રામાં જે.સી.બી. અને અન્‍ય સાધનો ફાળવવા, માંડાડુંગર વિસ્‍તારમાં વરસાદી પાણીના નિકાલ માટે ઘટતું કરવા તેમજ આંબાવાડી વિસ્‍તારના આવાસ તૈયાર થઈ ગયેલ હોય તે માટે ચર્ચા કરવામાં આવેલ.
વોર્ડ નં.૧૫માં થોરાળા પોલિસ સ્‍ટેશનથી આજી નદી સુધી આર.સી.સી. ઓપન બોક્‍સ ગટરનું કામ, ડ્રેનેજના કામો, ખોડીયારનગર વરસાદી પાણીના નિકાલ, મોહનભાઈ સરવૈયા હોલનું રીનોવેશન વગેરે કામો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવેલ. આ ઉપરાંત કોર્પોરેટર અને સ્‍થાનિક આગેવાનો દ્વારા થોરાળા વિસ્‍તારમાં હરીઓમ નગર અને રાધેકૃષ્‍ણ નગરમાં આંગણવાડીની સુવિધા આપવા, ગંજીવાડા વિસ્‍તારના કામોને પ્રાયોરીટી આપવા વગેરે રજૂઆત કરવામાં આવેલ.
વોર્ડ નં.૧૬માં ચાલી રહેલ કામોની ચર્ચા કરવામાં આવેલ. કોર્પોરેટર તથા સ્‍થાનિક આગેવાનો દ્વારા હાઈવે ગટરનું ભૂગર્ભનું પાણી બંધ કરવા, નંદા હોલથી સરદાર પટેલ આરોગ્‍ય કેન્‍દ્ર સુધીનો ૧૫૦ ફૂટનો રોડ ડેવલપ કરવા, બાપુનગર સ્‍મશાનની પાછળ આજી નદીમાં રબીશ ન ઠલવાય તેવી વ્‍યવસ્‍થા કરવા, કોઠારીયા ચોકડીથી ખોખડદડી નદી સુધીના રસ્‍તા પરના રબીશના ઢગલાં દુર કરવા વગેરે અંગે વિસ્‍તૃત રજૂઆત કરવામાં આવી હતી. ᅠᅠᅠ
વોર્ડ નં.૧૮માં કુલ-૩૧ કામો મંજુર થયેલ છે. જે પૈકી ૮ કામ ચાલુ છે. તેમજ ૧૦ કામો ટેન્‍ડર પ્રક્રિયામાં છે તે સત્‍વરે આગળ ધપાવવા ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોર્પોરેટરો દ્વારા કોઠારીયા સોલવન્‍ટ વિસ્‍તારમાં સ્‍ટોર્મ વોટર નિકાલની કામગીરીને પ્રાયોરીટી આપવા, પીરવાડી વિસ્‍તારમાંથી ભરતી ઉપાડવા, મહાદેવ ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં રસ્‍તાના કામો ક્રમશઃ હાથ ધરવા તેમજ આ વોર્ડમાં યોગ્‍ય જગ્‍યાએ માર્કેટ અથવા હોકર્સ ઝોનની સુવિધા આપવા અંગે ચર્ચા કરવામાં આવેલ. ᅠ
આ બેઠકમાં જે જે વિસ્‍તારોમાં પુરા ફોર્સથી પાણી મળે તેમજ સફાઈના પ્રશ્નો અંગે મેયર ડો.પ્રદિપ ડવ તેમજ મ્‍યુનિ.કમિશ્નર અમિત અરોરાએ સ્‍થળ મુલાકત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરવા સુચના અપાઈ.
આ બેઠકમાં મ્‍યુનિ.કમિશનર અમિત અરોરા, ડે.કમિશનર આશિષકુમાર, વોર્ડ નં.૪, ૫, ૬, ૧૫, ૧૬, ૧૮ના કોર્પોરેટરો, સંગઠનના સ્‍થાનિક આગેવાનો, સિટી એન્‍જીનિયર અઢીયા, ડે.એન્‍જીનીયર, વોર્ડ ઓફિસરો તેમજ અન્‍ય વિભાગોના અધિકારીઓ ઉપસ્‍થિત રહેલ.

 

(2:36 pm IST)