Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

છૂટાછેડા થયા છતાં સાથે રહેવાનું કહી ધવલ ઉર્ફે ધર્મેશે પત્‍ની રાધીકા અને સાસુ જયશ્રીબેનને કુહાડી ઝીંકી દીધી

મવડી ઓવરબ્રીજ પાસે બનાવ : માતા-પુત્રી સારવારમાં : જમાઇ ધવલ વાઘેલા સામે ગુનો

રાજકોટ તા. ૧૧ : મવડી ઓવરબ્રીજ પાસે સ્‍વાશ્રય સોસાયટીના કોમ્‍યુનિટી હોલ પાસે પ્રૌઢા અને તેની પુત્રી પર જમાઇએ કુહાડી વડે હુમલો કરતા ફરિયાદ થઇ છે.
મળતી વિગત મુજબ ગોંડલ રોડ પાસપોર્ટ ઓફિસની પાછળ ઉદ્યોગનગર કોલોની બ્‍લોક નં. ૬ કવાર્ટર નં. ૪૮માં રહેતા જયશ્રીબેન ઉર્ફે જ્‍યોતીબેન રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.૫૦)એ માલવીયાનગર પોલીસ મથકમાં પૂર્વ જમાઇ ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ વાઘેલા (રહે. અંબાજી કડવા પ્‍લોટ શેરી નં. ૨) સામે ફરિયાદ નોંધાવી છે. જયશ્રીબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે, પોતાને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. જેમાં દીકરી રાધીકા (ઉ.વ.૩૨)ના ૨૦૦૯માં અંબાજી કડવા પ્‍લોટ શેરી નં. ૨માં રહેતા ધવલ ઉર્ફે ધર્મેશ ભુપતભાઇ વાઘેલા સાથે થયા હતા. લગ્ન જીવન દરમિયાન તેને સંતાનમાં એક પુત્રીની પ્રાપ્‍ત થઇ હતી. બાદ પુત્રી રાધીકાને તેના બીજા પતિ કેતન સાથે પણ મનમેળ ન થતા તેની સાથે પણ છૂટાછેડા લઇ લીધા હતા અને છ વર્ષથી પુત્રી સાથે રાધિકા પોતાની સાથે રહે છે. બાદ રાધીકાનો પહેલો પતિ ધવલ ઉર્ફે ધર્મેશ વારંવાર પોતાના ઘરે આવી રાધીકાને તેની સાથે આવવા કહેતો હતો. પરંતુ દીકરી રાધીકા તેની સાથે જવા માગતી ન હોઇ, તે તેની સાથે ગઇ ન હતી તેથી જમાઇ ધવલ અવાર-નવાર બોલાચાલી કરી ઝઘડો કરતો હતો. ગઇકાલે પોતે દીકરી રાધીકા પોતાના દિયરની દીકરી શિલ્‍પાબેન બીપીનભાઇ ચૌહાણ સાથે ઘરેથી ચાલીને માનતા પૂરી કરવા માટે મવડી રોડ વિશ્વેશ્વર મહાદેવના મંદિરની પાછળ દશામાના મંદિરે જતા હતા ત્‍યારે મવડી ઓવરબ્રીજ ઉતરતા સ્‍વાશ્રય સોસાયટીના કોમ્‍યુનિટી હોલ પાસે પહોંચતા જમાઇ ધવલ ઉર્ફે ધર્મેશ બાઇક પર આવ્‍યો હતો. તેના હાથમાં કુહાડી હતી. તેણે બાઇક ઉભુ રાખી રાધીકાને પીઠના ભાગે કુહાડીનો એક ઘા ઝીંકી દેતા તે પડી જતા પોતે તેને ઉભી કરવા જતા ધવલે ઉશ્‍કેરાઇને પોતાના પર પણ કુહાડી વડે હુમલો કરતા પોતાને કપાળના ભાગે ઇજા થઇ હતી. દેકારો બોલતા આસપાસના લોકો એકઠા થતા જમાઇ ધવલ ઉર્ફે ધર્મેશ બાઇક લઇને ભાગી ગયો હતો. બાદ પોતાને અને દીકરી રાધીકાને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં રાધીકાને તેનો પહેલા પતિ ધવલ ઉર્ફે ધર્મેશ અવાર-નવાર પોતાની સાથે આવવા કહેતો હોઇ રાધીકા તેની સાથે જવા માગતી ન હોઇ તેથી ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે માલવીયાનગર પોલીસે પ્રૌઢા જયશ્રીબેન ઉર્ફે જ્‍યોતિબેનની ફરિયાદ પરથી જમાઇ ધવલ ઉર્ફે ધર્મેશ ભૂપતભાઇ વાઘેલા સામે ગુનો દાખલ કરી પી.એસ.આઇ. જી.કે.પરમારે તપાસ હાથ ધરી છે.(૨૧.૪૩)

 

(2:38 pm IST)