Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

દેશ કોંગ્રેસ-ભાજપ સામે ત્રીજો વિકલ્પ ઝંખે છે, આમ આદમી પાર્ટી પાસે મોટી આશા

તંત્રીશ્રી, : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની રાજકોટની મુલાકાત આવકાર્ય છે. હું રાજકીય ક્ષેત્રે નેતૃત્વ આપવા નિષ્ફળ ગયેલ હોવા છતાં ત્રીજા વિકલ્પનો કાર્યકર્તા છું અને ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ઉભો થાય તેની વર્ષોથી રાહ જોઇ રહ્યો છુ. ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ સામે નિષ્ઠાવાન અને પ્રમાણિક નેતા અરવિંદ કેજરીવાલ ત્રીજો વિકલ્પ આપી શકે તો તેને આવકારવા હું અગ્રેસર રહીશ. પરંતુ આ માટે કેજરીવાલને કેટલાક સવાલો પુછવાના છે તે જનતાના દીલમાં અને મનમાં છે.

ભાજપ અને કોંગ્રેસ પક્ષ પાસે પોતાની આગવી વિચારધારા છે. જો આપ પાસે પોતાની સ્પષ્ટ વિચારધારા હશે તો જ ગુજરાતની જનતા તેને ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકારશે તેમાં શંકા નથી. વિજળી-પાણી-અનાજ અને શિક્ષણ વિનામુલ્યે આપવું શકય છે ? અરવિંદ કેજરીવાલ આ વાત આર્થિક દ્રષ્ટિકોણથી સમજાવી શકશે ખરા? બીજો સવાલ એ છે કે આપ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ હશે? કેજરીવાલ આજે જાહેર કરી શકશે ખરા? શું કેજરીવાલ ગુજરાતને ભ્રષ્ટાચાર મુકત બનાવી શકશે?

વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કોઇપણ સમયની સરકાર જનતાના પ્રશ્નો હલ કરવા અને સતત વિકાસ કરવા બંધાયેલી છે. ત્યારે દેશની ભાજપની વર્તમાન સરકાર અને રાજય સરકાર વિકાસ અમે જ કર્યો છે તેમ જણાવે છે. શું આમ આદમી પાર્ટી  પણ આજ માને છે? શું દિલ્હીમાં પુર્વ સરકારોએ વિકાસ કર્યો નથી તેમ કેજરીવાલ માને છે?

નવનિર્માણ આંદોલનના સક્રિય અગ્રણી કાર્યકર્તા તરીકે મને જણાતુ હતુ કે મોરારજીભાઇ અને જયપ્રકાશનારાયણના નેતૃત્વમાં કામ કરતો જનતા પક્ષ કોંગ્રેસનો વિકલ્પ આપી શકે તેમ છે. પરંતુ જનતા પક્ષના ભાગલા ઉપર ભાગલા પડયા અને ભારતીય જનતા પાર્ટી ટોચનો રાષ્ટ્રીય પક્ષ બન્યો. આજે દેશને કોંગ્રેસ અને ભાજપ સામે ત્રીજા વિકલ્પની જરૃર છે. તો જ લોકશાહી શાસન વ્યવસ્થા મજબુત બનશે. ગુજરાતની જનતાને આમ આદમી પાર્ટી પાસે આ ઉમીદ છે. તેથી જ તાજેતરમાં ગયેલી સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં આપને કેટલીક જગ્યાએ કોંગ્રેસ કરતા પણ વધુ મતો મળ્યા હતા. દરેક ચુંટણીમાં હુ,ં કા તો ત્રીજા વિકલ્પને અથવા તો 'નાટો'ને મત આપુ છુ. પરંતુ ૨૦૧૭ ની વિધાનસભાની ચુંટણીમાં રાજકોટની પશ્ચિમ બેઠક ઉપર મેં વિજય રૃપાણીને એટલે મત આપ્યો હતો કે તેઓ વિદ્યાર્થી પ્રવૃત્તિના માધ્યમ દ્વારા આગળ આવી રાજયને નેતૃત્વ આપેલ હતુ. (૧૬.૩)

- યશવંત જનાણી

સમાજ સેવા સંગઠક ફોન ૦૨૮૧- ૨૫૬૩૫૨૭

(4:40 pm IST)