Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાની તૈયારીઓ પૂરજોશમાંઃ અનેરો ઉત્સાહ

આમંત્રણ પત્રિકા-કંકોત્રી- ગ્રાઉન્ડ, મંડપ-ડોમ, પ્રસાદ કેટરીંગ, સિકયોરીટી, સહિતની વિવિધ કમિટિઅો સતત કાર્યરતઃ દાતાઅો ખોબલે...ખોબલે વરસી પડયા દાનનો ધોધ અવિરત ચાલુ : મહાજન પ્રમુખ રાજુભાઇ પોબારૂના નેતૃત્વ હેઠળ સમગ્ર ટીમ કામે લાગી

રાજકોટ તા. ૧૧ :  વિશ્વનું સૌથી મોટુ મહાજન ગણાતું અને જ્ઞાતિ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃતિઓ સાથે સંકળાયેલ શ્રી રાજકોટ લોહાણા મહાજન દ્વારા ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન શ્રી રામનગરી, ચૌધરી હાઇસ્કુલ, રાજકોટ ખાતે તા.ર૧ મે થી ર૯ મે, ર૦રર, (સાંજે ૪-૩૦ થી ૮-૩૦) દરમ્યાન થઇ રહ્યું છે જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

કોર્પોરેટ ટચ સાથે યોજાનાર શ્રી રામકથામાં દિવસના અંતે કથાવિરામ બાદ દરરોજ 'શ્રી રામરોટી પ્રસાદઘર' ખાતે હજ્જારો, ભકતો માટે પ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવેલ છે ઉપરાંત કથા મંડપમાં આવતા દરેક ભકતને પ૦૦ એમ.એલ.ની પાણીની બોટલ પણ આપવામાં આવશે.

શ્રી રામકથાના સુચારૃં અને સચોટ આયોજન માટે રાજકોટ લોહાણા મહાજનના તમામ હોદ્દેદારો-શ્રેષ્ઠીઓ અકિલા પરિવારના મોભી અને જ્ઞાતિશ્રેષ્ઠીશ્રી કિરીટભાઇ ગણાત્રાને મળ્યા હતા અને તેમનું માર્ગદર્શન, અભિપ્રાય, સૂચનો અને સહયોગ મેળવીને વિવિધ કમિટિઓની રચના કરી હતી.

ઐતિહાસિક શ્રી રામકથાના સુચારૃં આયોજન માટે સ્વયંસેવકોની વિવિધ કમિટિઓ કાર્યરત બની ગઇ છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં જ્ઞાતિ અગ્રણીઓ-શ્રેષ્ઠીઓ, સંતો-મહંતો, આગેવાનો વિગેરેને શ્રી રામકથાની કંકોત્રીનું વિતરણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. સમગ્ર ઇન્વીટેશન કમિટિ સક્રિય બની ગઇ છે.

આ ઉપરાંત ચૌધરી હાઇસ્કુલના વિશાળ ગ્રાઉન્ડને 'શ્રીરામનગરી' રૃપે ધમધમતુ કરવા ગ્રાઉન્ડ કમિટી, મંડપ-ડોમ કમિટિ, પ્રસાદ અને ભોજન કમિટિ, કેટરીંગ કમિટિ, ચુસ્ત બંદોબસ્ત અને વ્યવસ્થા જાળવવા માટેની સિકયોરીટી કમિટિ, સ્ટીકર-બેનર-પાસ-કારપાસ, હોર્ડીંગ-એફ. એમ. જીંગલ સંદર્ભેની પબ્લિસિટી કમિટિ સહિતની કમિટિઓના સ્વયંસેવકો પોતપોતાની જવાબદારી સ્વિકારીને દોડવા લાગ્યા છે. રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૃ, કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ શ્રી રામકથાના ઐતિહાસિક આયોજનને દીપાવવા તન, મન, ધનથી કામે લાગી ગઇ છે.

રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત શ્રી રામકથાનું આયોજન થતું હોય, રાજકોટમાં અંદાજે અઢી લાખ જેટલી વસ્તી ધરાવતા રઘુવંશીઓમાં અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. દાતાઓએ પણ છૂટા હાથે દાન આપીને રીતસર દાનની ઝોળી છલકાવી દીધી છે. હજુપણ દાનનો પ્રવાહ સતત ચાલુ જ હોવાનુ શ્રી રાજુભાઇ પોબારૃ તથા ડો. નિશાંતભાઇ ચોટાઇ જણાવી રહ્યા છે.ં

(4:28 pm IST)