Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

નર્સને સરાજાહેર આંતરી છેડતી કરી હુમલો કરનાર ભાવેશ ઝરીયા બે દિ' પહેલા છરી સાથે ઝડપાયો' તો

કાલે સાથે છરી હોત તો ગ્રીષ્‍માકાંડ જેવી ઘટના બની હોત : રખડતુ-ભટકતુ જીવન જીવતો અને દારૂ ઢીચી પડયો રહેતો : અગાઉ પણ નર્સને એક-બે વખત આંતરી છેડતી કરી હતી

રાજકોટ, તા. ૧૧ :  ગોકુલ હોસ્‍પિટલના નર્સીંગ સ્‍ટાફ તરીકે નોકરી કરતી યુવતીને ગઇકાલે સવારે સરાજાહેર આંતરી છેડતી અને હુમલો કરનાર ભાવેશ બીજલભાઇ ઝરીયા રહે. વિજય પ્‍લોટ-૪ની એ-ડીવીઝન પોલીસે ધરપકડ કરી હતી. આ શખ્‍સ બે દિવસ પહેલા નાડોદાનગર વિસ્‍તારમાંથી છરી સાથે પોલીસને ઝપટે ચડી ગયો હતો. ગઇકાલે તેની સાથે છરી ન હતી નહી તો સુરતના ગ્રીષ્‍માકાંડ જેવી ઘટના સર્જાતા વાર લાગી નહોત.

પી.આઇ. સી.જી. જોષી અને ડિટેકશન સ્‍ટાફે રખડતુ-ભટકતુ જીવન જીવતા ભાવેશને ગણત્રીની કલાકોમાં ઝડપી લીધો હતો. અગાઉ પ્રોહીબીશન એકટ હેઠળ તેની સામે ગુન્‍હા નોંધાયાનું પોલીસનું કહેવુ છે.

ભોગબનનાર નર્સ ગીર-સોમનાથના સુત્રપાડા પંથકના છે. સવારે ૮ વાગ્‍યે ઘરેથી નીકળી મંગળા રોડ પર ગોકુલ હોસ્‍પિટલમાં ફરજ પર થઇ રહ્યા હતા ત્‍યારે મનહરપ્‍લોટ શેરી નં. ૧૦ના ખુણે અજાણ્‍યા શખ્‍સે રસ્‍તો આંતરી છેડતી કરી હતી. જેનો સામનો કરતાં આ શખ્‍સે ધોલધપાટ શરૂ કરી હતી. આ દરમ્‍યાન જાગૃત નાગરિકોએ વચ્‍ચે પડી નર્સને બચાવી લીધી હતી. તેની છેડતી કરનાર અજાણયા શખ્‍સને પોલીસે સી.સી. ટીવી ફૂટેજના આધારે ઝડપી લઇ પુછપરછ કરતા તે વિજય પ્‍લોટમાં રહેતો ભાવેશ બીજલ ઝરીયા (ઉ.વ.૪પ) હોવાનું ખુલતા તેની ધરપકડ કરવામાં આવી હતી. જોગાનુજોગ લુખ્‍ખાગીરી કરનાર આ શખ્‍સ પાસે કાલે છરી ન હતી નહીતો છરીથી હુમલો કરતા પણ અચકાયો નહોત.

પી.આઇ. સી.જી. જોષીએ જણાવ્‍યુ઼ હતું કે રખડતી-ભટકતી જીંદગી જીવી દારૂ ઢીચી જયાં ત્‍યાં પડયો રહેતો ભાવેશ ઝરીયા દારૂ પીવાની ટેવવાળો અને મજુર જેવો છે. તેના ઘર પરિવાર સાથે પણ તેને બહુ લેવા દેવા નથી.

(4:00 pm IST)