Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

એડવોકેટ પંડિત વિરૂદ્ધ એસ્ટેટ બ્રોકર દ્વારા થયેલ ખંડણી-વ્યાજવટાવની ફરિયાદ નામંજુર

તાંત્રીકના કહેવાથી તેના બનેવીએ વકીલ વિરૂદ્ધ ફરીયાદ કરેલ હતી

રાજકોટ, તા. ૧૧ :. રાજકોટના રહેવાસી અને વકીલાતની પ્રેકટીસ કરતા એડવોકેટ સંજય પંડિત વિરૂદ્ધ વર્ષ ૨૦૧૯માં રાજકોટના શ્રોફ રોડ વિસ્તારમાં રહેતા એસ્ટેટ બ્રોકર ચંદ્રકાંત ઉર્ફે ચંદુ અમૃતલાલ વાઘેલાએ રાજકોટના 'એ' ડિવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ ૩૮૪, ૩૮૫, ૫૦૬(૨) તથા મની લેન્ડીંગ એકટની કલમ ૫, ૪૦, ૪૨ વગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ જે ફરીયાદ રદ કરવા એડવોકેટ પંડિત દ્વારા હાઈકોર્ટમાં કવોસીંગ પીટીશન દાખલ કરવામાં આવેલ હતી જે મંજુર કરવામાં આવેલ અને એડવોકેટ પંડિત વિરૂદ્ધની ફરીયાદ રદ કરતો હુકમ જસ્ટીસ શ્રી ગીતા ગોપીએ ફરમાવેલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે રાજકોટ જામનગર હાઈવે ઉપર આવેલ પરાપીપળીયા ગામમાં રહેતો તાંત્રીક નરેશ અમરસી સોલંકી કે જે ભૂતકાળમાં એડવોકેટ સંજય પંડિત સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવતો હોય તાંત્રીકના કહેવાથી એડવોકેટ સંજય પંડિતએ રાજકોટ શહેરના શ્રોફ રોડ ઉપર આવેલ નિત્યાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને એસ્ટેટ બ્રોકર તરીકે કામકાજ કરતા તાંત્રીકના બનેવી ચંદ્રકાંત ઉર્ફે ચંદુ વાઘેલાને મિત્રતા અને સંબંધના દાવે રૂ. ૫૫૦૦૦૦ (પાંચ લાખ પચ્ચાસ હજાર) હાથ ઉછીના આપેલ હતા જે રકમ એડવોકેટ પંડિતએ પરત માંગતા ચંદ્રકાંત વાઘેલાએ એડવોકેટ પંડિતને બે ચેકો આપેલ હતા જે ચેકો રીટર્ન થતા એડવોકેટ પંડિત દ્વારા ચંદ્રકાંત વાઘેલાને લીગલ નોટીસ પાઠવેલ હતી જે નોટીસ બજી જતા ચંદ્રકાંત વાઘેલા એડવોકેટ પંડિતના નાણા પરત કરવાને બદલે એડવોકેટ પંડિત વિરૂદ્ધ 'એ' ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી.ની કલમ ૩૮૪, ૩૮૫, ૫૦૬(૨) તથા મની લેન્ડીંગ એકટની કલમ ૫, ૪૦, ૪૨ મુજબની ફરીયાદ નોંધાવેલ. જે અંગે એડવોકેટ સંજય પંડિતના એડવોકેટ સમીરભાઈ સોજાતવાલાની રજૂઆતોને ધ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટે એડવોકેટ સંજય પંડિત વિરૂદ્ધની ફરીયાદ રદ કરતો હુકમ જસ્ટીસ શ્રી ગીતા ગોપીએ ફરમાવેલ છે.

આ કેસમાં એડવોકેટ પંડિત તરફથી હાઈકોર્ટના વકીલશ્રી સમીરભાઈ સોજાતવાલા રોકાયેલ હતા.

(11:49 am IST)