Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

લોન કન્સલ્ટન્સીનું કામ કરતાં કૃતાર્થ પરમારને નિમેષ ઉર્ફ નિમાએ ફોન પર ગાળો દઇ ધમકી દીધીઃ એટ્રોસીટી

મુળ વડોદરાના ગોરવાના યુવાને પેલેસ રોડના મુળજીભાઇ પટેલને ચાર લાખ આપ્યા હતાં તેમાં નિમો જામીન હતોઃ મુળજીભાઇ હયાત ન રહેતાં નિમા પાસે ઉઘરાણી કરતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૧: મુળ વડોદરાના ગોરવા ગામના અને હાલ રાજકોટ પુનિત સોસાયટી ૩૦ ફુટના રોડ પર રહી લોન કન્સલ્ટન્સીનું કામ કરતાં યુવાને પેલેસ રોડ પર રહેતાં ઓળખીતા વ્યકિતને ગયા વર્ષે રૂ. ૪ લાખ ઉછીના આપ્યા હતાં. આ વ્યકિતનું અવસાન થતાં તે વખતે જામીન પડેલા વડોદરાના ફતેહપુરના શખ્સ પાસેથી પોતાના પૈસાની ફોન પર ઉઘરાણી કરતાં એ શખ્સે ગાળો દઇ ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે. 

એ-ડિવીઝન પોલીસે આ બનાવમાં પુનિત સોસાયટી મેઇન રોડ ભાવેશ મહેતાના મકાનમાં રહેતાં મુળ ગોરવા વડોદરાના કૃતાર્થ મહેશભાઇ પરમાર (ઉ.વ.૨૬)ની ફરિયાદ પરથી વડોદરાના કરજણ તાબેના ફતેહપુરના નિમેશ ઉર્ફ નિમો ડાયાભાઇ સોની સામે આઇપીસી ૫૦૪, ૫૦૭ તથા એટ્રોસીટી એકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

કૃતાર્થએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું હાલ રાજકોટ રહી લોન કનસલટન્સી તરીકે કામ કરુ છું. ગત ઓકટોમ્બર/નવેમ્બર ૨૦૨૦મા મેં મારા ઓળખીતા મુળજીભાઇ ઉર્ફે ભુપેન્દ્રભાઇ પટેલને રૂ.૪,૦૦,૦૦૦ હાથ ઉછીના આપેલ. જેના તારણ પેટે મને ચેક આપેલ તથા આ પૈસાના જામીન તરીકે નીમો ઉર્ફે નીમેશ ડાયાભાઇ સોની (રહે.ફ તેહપુર ગામ નારેશ્વર પાસે તા. કરજણ જી.વડોદરા) તથા અરવિંદભાઇ પ્રભુદાસભાઇ પટેલ (રહે.ફતેહપુર ગામ નારેશ્વર પાસે) હતાં.  જેઓએ મુળજીભાઇ ઉર્ફે ભુપેન્દ્રભાઇ પટેલ નાણા ન ચુકવે તો પોતે ચુકવી આપશે તેમ કહી જામીન પડ્યા હતા.

દરમિયાન ગઇ તા.૩૧/૦૩ના રોજ અમો બેંક લોનના કામ સબબ નીકુંજભાઇ ભરતભાઇને મળવા માટે રાજકોટ  પેલેસ રોડ ઉપર આવેલ હતા ત્યારે અમોને જાણવા મળેલ કે મુળજીભાઇ ઉર્ફે ભુપેન્દ્રભાઇ પટેલ ગુજરી ગયેલ છે. જેથી પેલેસ રોડ ઉપર અમારા જાણીતા બે માણસોને સાથે રાખી મારા મોબાઇલમાંથી નીમો ઉર્ફે નીમેશ ડાયાભાઇ સોનીને ફોન કરી મારા લેણા નીકળતાં નિકળતા નાણા ૪,૦૦,૦૦૦ની ઉઘરાણી કરતાં તેણે  એકદમ ગુસ્સે થઇ ગાળો ભાંડી હતી. સાથેના બે માણસોએ પણ મોબાઇલમાં સ્પીકર મોડમાં આ ગાળો સાંભળી હતી.

આ ઉપરાંત નીમાએ મને જ્ઞાતિ પ્રત્યે અપનાતિક કરતાં શબ્દો પણ કહીને ધમકી આપી હતી. પોલીસે અગાઉ થયેલી અરજી પરથી આ ગુનો નોંધ્યો છે. પીએસઆઇ એસ. એચ. નિમાવત વધુ તપાસ કરે છે. 

(1:03 pm IST)
  • અહો આશ્ચર્યમ !! ઇઝરાઇલના યેવ્નીમાં ખોદકામ દરમિયાન 1000 વર્ષ જૂનું મરઘીનું અખંડ ઇંડું મળી આવ્યું છે. એક પુરાતત્ત્વવિદે જણાવ્યું હતું કે, "આ ઇંડાની અનન્ય જાળવણી દેખીતી રીતે નરમ માનવ મળ ધરાવતા સેસપિટમાં, તે સદીઓથી મૂકેલી સારી પરિસ્થિતિઓને કારણે હતી અને આ ઈંડાને આટલા વર્ષો જાળવી રાખવામાં મદદરૂપ બની હતી." અન્ય એક પુરાતત્ત્વવિદે કહ્યું કે, "ઇંડામાં એક નાની તિરાડ હતી, જેના લીધે મોટાભાગનું પ્રવાહી તેમાંથી બહાર નીકળી ગયું હતું." access_time 5:50 pm IST

  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • મહારાષ્ટ્રમાં ચોમાસું દસ્તક દઈ ચૂક્યું છે અને માયનાગરી મુંબઈમાં ભારે વરસાદ ચાલુ છે. શુક્રવારે પણ સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ શુક્રવારે દિવસભર ભારે વરસાદ પડી શકે છે. રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. આ પહેલા ગુરુવારે મુંબઈના પરા મલાડ (પશ્ચિમ) માં ચાર માળની ઇમારત ધરાશાયી થતાં 12 લોકોનાં મોત અને સાત ઘાયલ થયા હતા. મૃતકોમાં આઠ બાળકોનો સમાવેશ થાય છે. બીજી ઘટનામાં, ગુરૂવારે સાંજે દહિસર વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. access_time 9:31 am IST