Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

'આજી રિવર ફ્રન્ટ' માટે ૪૧ લાખના ખર્ચે નદીની સફાઇઃ ૩૧૮ કરોડના ખર્ચે બંને કાંઠે દિવાલ અને એન્ટ્રીનું કામઃ ૫૩ કરોડના ખર્ચે નદીની બંને બાજુએ રસ્તા નેટવર્ક ઉભુ કરાશે

'આજી રિવર ફ્રન્ટ' માટે કમ્મર કસતા પ્રદિપ ડવ : કાલે પ્રેઝન્ટેશન :ગંદુ પાણી ઠલવાતુ બંધ કરવા ઇન્ટસેપ્ટર પાઇપલાઇનનું કામ પૂર્ણ થઇ ગયુ : હવે બંને કાંઠે 'રિવર ફ્રન્ટ' કામ ઉપાડવા આયોજન : પ્રથમ તબક્કે રામનાથ મહાદેવથી કેસરી હિન્દ પુલ સુધીના ભાગમાં 'રિવર ફ્રન્ટ' માટે વિચારણા : નદીકાંઠે ડિમોલીશન સહિતના આયોજનો ગોઠવવા ચર્ચા-વિચારણા થશે

હાલમાં આજી નદી આવી છે : રાજકોટની લોકમાતા હાલમાં ગંદકીથી ખદબદતી દેખાઇ રહી છે. તસ્વીરમાં ગંદા પાણીની સમસ્યા દુર કરવા નંખાયેલી ઇન્ટર સેપ્ટર લાઇન તથા ભુગર્ભ ગટરની કુંડીઓ દેખાય છે. : રિવર ફ્રન્ટ બન્યા બાદ આજી નદીનો નજારો આવો હશે : શહેરની આજી નદી પર રિવર ફ્રન્ટ બન્યા બાદ ચોખ્ખા પાણીથી ભરેલી અને બંને બાજુએ બગીચા સહિતની સુવિધાઓ હશે ત્યારે આજી નદીનો જે નજારો હશે તે ઉપરોકત તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ૧૧ : શહેરના મહત્વાકાંક્ષી અને મેયર પ્રદિપ ડવના ડ્રીમ પ્રોજેકટ 'આજી નદીએ સાબરમતી જેવો જ રિવર ફ્રન્ટ' બનાવવાની યોજનાને હવે ખરા અર્થમાં આગળ ધપાવવા મેયર પ્રદિપ ડવે કમ્મર કસી છે અને આ માટે કાલે આજી રિવર ફ્રન્ટ માટેની યોજનાનું પ્રેઝન્ટેશન યોજાશે.

આ અંગે મેયરશ્રીએ જાહેર કર્યું હતુ કે, શહેર માટે આજી નદી પર ૧૧ કિ.મી.નો રિવર ફ્રન્ટ અત્યંત મહત્વનો પ્રોજેકટ છે. આ પ્રોજેકટ હેઠળ સૌ પ્રથમ નદીમાં ઠલવાતા ગંદા પાણીની સમસ્યા ઉકેલવા ઇન્ટર - સેપ્ટર પાઇપલાઇનનું કામ પૂર્ણ થઇ ગયું છે. આ પાઇપલાઇનનું કામ ૪૭.૫૫ કરોડના ખર્ચે સંપન્ન થયું છે.

હવે પછીના તબક્કામાં નદીના બંને કાંઠે રિવરફ્રન્ટનું કામ શરૂ કરવાની થાય છે. રિવર ફ્રન્ટના કામ માટે ૪૧ લાખના ખર્ચે નદીની સફાઇ કરાશે. ત્યારબાદ ૩૧૮ કરોડના ખર્ચે બંને કાંઠે દિવાલ અને એન્ટ્રીનું કામ થશે અને ૫૩ કરોડના ખર્ચે નદીની બંને બાજુએ રસ્તાઓનું નેટવર્ક ઉભુ થશે.

આ ઉપરાંત નદીની અંદર ૭૦ મી. લંબાઇ, ૬ ચેકડેમો બનશે તથા વોક-વે બનાવાશે. વાહનો માટે ૧૬૫ મીટરનો નવો બ્રીજ બનાવાશે. પગપાળા જતા લોકો માટે પેડસ્ટ્રીયલ બ્રીજ બનાવાશે. બંને કાંઠે બગીચા, રામનાથ મહાદેવ મંદિર, ઘાટનું ડેવલપમેન્ટ વગેરે કામગીરી કુલ ૬૦૯ કરોડનું કામ થશે.

સમગ્ર રિવર ફ્રન્ટ યોજના પાછળ કુલ ૧૧૫૦ કરોડ ખર્ચાશે. જ્યારે ચાલુ વર્ષ આ યોજનાના કામો માટે સરકાર પાસે ૧૫૧ કરોડની માંગ કરાયાનું મેયરશ્રીએ જણાવેલ. હાલમાં આ યોજના માટે રેલવે બ્રીજ નીચેથી ડ્રેનેજ લાઇન માટે રેલવેનું એન.ઓ.સી. મેળવવા સહિતની વહીવટી કામગીરી ઝડપી બનાવવામાં આવશે.

રિવર ફ્રન્ટ માટે પ્રથમ તબક્કે રામનાથ મહાદેવથી કેસરી પુલ સુધીના ભાગનો રિવર ફ્રન્ટ બનાવવા વિચારણા થશે.

આ આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનું આવતીકાલે પ્રેઝેન્ટેશન યોજાનાર છે. જેમાં મેયર પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક નેતા વિનુભાઇ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી ઉપસ્થિત રહી જરૂરી સુચનો કરશે.

(3:08 pm IST)
  • ગુજરાતમાં કોરોનાની બીજી લહેર પુરી થવાના આરે - આજે ઘણા મહિને રાજ્યમાં 500ની અંદર નવા કોરોના કેસ નોંધાયા : રાજ્યમાં નવા કોરોના કેસ ઘટીને આજે ફક્ત 481 નોંધાયા અને સામે 1526 દર્દીઓ સાજા થયા : આ સાથે આજે રાજકોટ શહેર - જિલ્લામાં પણ કોરોના થાક્યો : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 24 અને ગ્રામ્યના 10 કેસ સાથે કુલ ફક્ત 34 નવા કોરોના ના કેસ નોંધાયા : અને સાથે રાજકોટ શહેર - જિલ્લામાં આજે કુલ 41 દર્દીઓ સાજા થયા access_time 7:46 pm IST

  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST