Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

રાજકોટઃ ૭૦ ટકા શહેરીજનોનું રસીકરણ

રાજ્યમાં રાજકોટ ટોપ-ફાઇવમાં આવી ગયાનું જાહેર કરતા મ્યુ. કમિશનર : ૨૦ કોલેજોમાં ૧૮થી ૪૪ વય જુથ માટે સોમવારથી રસીકરણ કેન્દ્રોનો પ્રારંભ : સિન્ડીકેટ સભ્ય નેહલ શુકલ અને મેહુલ રૂપાણીની માંગણી અન્વયે નિર્ણય : રજીસ્ટ્રેશન સ્થળ પર જ થાય તેવી વ્યવસ્થા : કોલેજના વિદ્યાર્થીઓ સિવાય અન્ય યુવાનો પણ રસી મુકાવી શકશે

રાજકોટ તા. ૧૧ : હાલ શહેરમાં કોરોના સામે સુરક્ષા આપતી રસી મુકવાની કામગીરી મ.ન.પા. દ્વારા ચાલી રહી છે. જે અંતર્ગત આજ સુધીમાં ૭૦ ટકા શહેરીજનોનું રસીકરણ થઇ ગયાનું અને રસીકરણની કામગીરીમાં રાજકોટ રાજ્યમાં ટોપ ફાઇવમાં આવી ગયાનું મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જાહેર કર્યું હતું.

આ અંગે મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, શહેરમાં હવે ૧૮ થી ૪૪ વર્ષની વયજુથનું રસીકરણ ઝડપી બનાવવા કામગીરી હાથ ધરાઇ છે.

આ માટે હવે ૨૦ જેટલી કોલેજોમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.  સોમવારે ૨૦ કોલેજોમાં રસીકરણ કેન્દ્રો શરૂ થઇ જશે. જ્યાં ૧૮ થી ૪૪ વર્ષની વય જુથના યુવાનોને સ્લોટ બુકીંગ વગર પણ રસી અપાશે.  કોલેજોના વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય યુવાનોને પણ રસીકરણ કરી અપાશે. આ માટે સ્થળ પર જ રજીસ્ટ્રેશનની સુવિધા ઉપલબ્ધ થશે.

નોંધનિય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય અને વોર્ડ નં. ૭ના કોર્પોરેટર નેહલ શુકલ તેમજ મેહુલભાઇ રૂપાણીએ કોલેજોમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવા માંગ ઉઠાવી હતી. જે અન્વયે મ.ન.પા. દ્વારા આગામી સોમવારથી ૨૦ જેટલી કોલેજોમાં રસીકરણ કેન્દ્રો શરૂ કરવા નિર્ણય લેવાયો છે.

(3:11 pm IST)