Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

દિવ્યાંગોની સંસ્થાઓમાં જઇને ૧૮ થી ૪૪ વર્ષના યુવાઓનું રસીકરણ થશે : ડો. દર્શિતા શાહ

સંસ્થાઓ આ વ્યવસ્થાનો લાભ લ્યે : ડે.મેયરનો અનુરોધ

રાજકોટ તા. ૧૧ : ડે.મેયર ડો. દર્શિતાબેન શાહે એક યાદીમાં જણાવ્યું છે કે કોરોના રસીકરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા રસીકરણ માટે સુંદર આયોજન કર્યું છે ત્યારે રાજકોટ મ.ન.પા. આ આયોજનનો ફાયદો ઉઠાવી વધુને વધુ લોકો રસી મુકાવી સુરક્ષીત થાય તે માટે ઝુંબેશાત્મક કામગીરી કરી રહી છે. દિવ્યાંગ યુવાનોને પણ રસીકરણ કરવા માટે મ.ન.પા. ખાસ આયોજન કરી રહી છે.  આ માટે દિવ્યાંગોમાં રસીકરણ માટે સરકારની સાઇટ ઉપર નવુ પોર્ટલ શરૂ કરવા રાજ્ય સરકારને રજૂઆત કરાઇ છે. ઉપરાંત શહેરમાં દિવ્યાંગ લોકો માટે સેવા આપતી સંસ્થાઓનો સહયોગ લઇ સંસ્થામાં જઇને પણ ૧૮ થી ૪૪ વર્ષની વયજુથના યુવાનોને રસીકરણ કરવાનું આયોજન છે. આ માટે જો દિવ્યાંગો પાસે આધારકાર્ડ ન હોય તો દિવ્યાંગ સર્ટી અને સંસ્થાના સંચાલકોના આધારકાર્ડના આધારે પણ દિવ્યાંગ યુવાનોનું રસીકરણ થઇ જાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દિવ્યાંગોનું ૧૦૦ ટકા રસીકરણ થાય તેવો લક્ષ્યાંક છે ત્યારે દિવ્યાંગોની સંસ્થાઓ આ સુવિધાનો લાભ લ્યે તેવો અનુરોધ ડે.મેયરશ્રીએ આ તકે કર્યો છે.

(3:12 pm IST)