Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

સપ્ત સંગીતિનો સંગીત રસ માણવા થઇ જાવ તૈયારઃ રવિવારે પ્રિમીયર શો

નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા 'સપ્ત સંગીતિ ૨૦૨૧'ની કોરોના કાળની પરિસ્થિતિઓને લીધે આ વર્ષે અનોખી વર્ચ્ચુઅલ પ્રસ્તુતીનું આયોજન : જુનથી ડિસેમ્બર દર મહિને બે ગાયન અને વાદનના કલાકારોના શો સપ્ત સંગીતિના ફેસબુક પેઇજ, ઇન્સ્ટાગ્રામ અને યુ-ટયુબમાં રજુ થશેઃ ૧૩મીએ રાત્રીના ૯ વાગે શાસ્ત્રીય સંગીતના કલાકાર પ્રિયા પુરૂષોથમનનો પ્રિમીયર : આગામી દિવસોમાં આ કલાકારો કલારસ પીરસશે

રાજકોટઃ ગુજરાતની કલારસિક જનતાની આતુરતાના અંત સાથે તથા કલાપ્રિય જનતાના શિષ્ટ અને પ્રશિષ્ટ, રસ અને રૂચિને પુષ્ટ કરવાના હેતુથી, તેમજ અનેક સામાજીક અને શૈક્ષણિક પ્રવૃતિઓ માટે હંમેશા અગ્રેસર રહેતી રાજકોટની પ્રતિષ્ઠિત સંસ્થા, નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા સતત પાંચમાં વર્ષે કલા આધારીત રંગા-રંગ મહોત્સવ 'સપ્ત સંગીતિ ૨૦૨૧ કલાસિકલ મ્યુઝિક વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ સીરિઝ' નવા રુપરંગ સાથે વર્ચ્યૂઅલ્ ઓનલાઇન માધ્યમથી પ્રસ્તુત કરવા જઈ રહ્યા છે. ગત વર્ષે જાન્યુઆરી ૨૦૨૦માં આયોજીત સપ્ત સંગીતિ કાર્યક્રમની યાદગાર સ્મૃતિઓ હજી શ્રોતાઓ અને દર્શકોના મનમાં જીવંત છે ત્યારે હાલના કોરોના કાળની કપરી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ સંગીત મહોત્સવ શ્રોતાઓ ઓનલાઈન માણી શકે તે માટે નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા વર્ચ્યૂઅલ્ માધ્યમથી કાર્યક્રમના પ્રિમિયર યોજવાની તૈયારીઓ પૂર્ણ થઈ છે. આ વર્ષે નાવિન્યમાં સંસ્થા દ્વારા ભારતભરમાંથી ઉભરતી ચુંટેલી પ્રતિભાઓ કે જેમણે શાસ્ત્રીય સંગીતને સમર્પિત થઈને આ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી છે તેમને શ્રોતાઓ સમક્ષ રજુ કરવાનો, હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની પરંપરાને જીવંત રાખવાનો તેમજ હાલની પરિસ્થિતિમાં કલાકારોની પ્રત્યક્ષ પ્રસ્તુતિઓ બંધ થઈ જવાથી તેમને થયેલ આર્થિક નુકશાનમાં મદદરુપ થવાનો નમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં આગામી રવિવારે તા.૧૩ જુનના રાત્રે ૯ કલાકે  શાસ્ત્રીય કંઠય સંગીતના કલાકારા શ્રી પ્રિયા પુરુષોથમનનો પ્રિમિયર શો ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યુટયુબના માધ્યમથી રજૂ થશે. 

આપણે સહુ જાણીએ છીએ તેમ, નીઓ રાજકોટ ફાઉન્ડેશન તેની વિશિષ્ટ પ્રવૃતિઓ જેવી કે, સ્વચ્છતા અભિયાન 'પ્રયાસ'અને વંચિત બાળકોના અભ્યાસને આયોજનબધ્ધ રીતે કારકિર્દીલક્ષી બનાવવાના સફળ પ્રકલ્પો થકી સમાજમાં પ્રતિષ્ઠા પામેલ છે. નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રાજકોટ મહાનગરપાલીકા સંચાલીત શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ સ્વનિર્ભર શાળાઓમાં અભ્યાસ કરવા અસક્ષમ હોય તેઓને પ્રાઈવેટ શાળા જેટલી જ સવલતો અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ સાથે તેમની જ શાળામાં સ્માર્ટ કલાસની સુવિધાઓ પુરી પાડીને તેમના ભવિષ્યને આકાર આપવાનું ઉમદા કાર્ય કરે છે. આ પ્રવૃતિનો લાભ હાલમાં રાજકોટની ૧૫ થી વધુ શાળાઓમાં અભ્યાસ કરતા ૫૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ૨૫ થી વધારે તાલીમબધ્ધ શિક્ષકો અને તજજ્ઞો દ્વારા આધુનિક સોફ્ટવેર, ઓડીયો-વિઝયુલ લર્નીંગ મટીરીયલ અને ૫૦૦ જેટલા લેપટોપ કોમ્યુટર દ્વારા મળી રહ્યો છે. આ ઉપરાંત હાલની કોરોનાનાં વૈશ્વિક મહામારીના સમયમાં નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા કોવિડ રીલીફ કાર્યક્રમ અંતર્ગત સરકારી હોસ્પિટલોમાં માતબર રકમના જીવન રક્ષક ઉપકરણો પહોંચાડવામાં આવ્યા તથા રાજકોટની ૧૭ મહાનગરપાલિકા સંચાલીત શાળાઓના બાળકોને ઓનલાઈન અભ્યાસ માટે વ્યવસ્થા કરી આપવામાં આવી છે.        

  સપ્ત સંગીતિની ચાર વર્ષની સફરમાં કલારસીકો જાણે છે તેમ, બેગમ પરવીન સુલતાના, સુશ્રી કૌશીકી ચક્રબર્તી, ઉસ્તાદ શાહિદ પરવેઝ, ઉસ્તાદ રશીદ ખાન, સુ.શ્રી. ડો. એન. રાજમ, સુ.શ્રી. શુભા મુદગલ, ઉસ્તાદ ફઝલ કુરેશી, પં. રાજન અને સાજન મીશ્રા, શ્રી અજોય ચક્રવર્તી, ડો. અશ્વિની ભીડે દેશપાંડે, શ્રી પુરબયાન ચેટરજી, શ્રી ગુંડેચા બ્રઘર્સ, શ્રી રોનુ મજુમદાર જેવા દેશના દિગ્ગજ કલાકારોની કલાનો રસાસ્વાદ લેવાનો મોકો પ્રાપ્ત થયો હતો. સપ્ત સંગીતિ ૨૦૨૦ માં રાજકોટની જનતાને પદ્મવિભુષણ પંડિત શ્રી જસરાજજીને રુબરુ સાંભળવાની અવિસ્મરણીય અને ઐતિહાસિક તક પણ નીઓ રાજકોટ ફાઉન્ડેશનને આભારી છે.

 અત્યારની ન્યુ નોર્મલ લાઈફમાં લોકોને દરેક પ્રકારે પોતાની જાતને થોડી બાંધછોડ સાથે પરિસ્થિતિને અનુરુપ થવા પ્રયત્ન કરવો પડે છે. વ્યવસાય, શિક્ષણ, વેપાર વગેરે જેવા અનેક ક્ષેત્રમાં ઓનલાઈન માધ્યમથી કાર્ય થઈ રહ્યુ છે, તો કલાના ક્ષેત્રમાં પણ કલાકારોને તેમના શ્રોતાઓ સુધી પહોંચવા માટે ઓનલાઈન મંચ સર્વપ્રકારે ઉચિત બની રહ્યુ છે. આ ખ્યાલને ચરિતાર્થ કરતા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા દેશના ખ્યાતિપ્રાપ્ત કલાકારોની પ્રસ્તુતિ રાજકોટની જનતા માટે તદ્દન નિઃશુલ્ક પહોંચાડવા માટે પૂર્વતૈયારીઓ છેલ્લા ઘણા સમયથી શરુ કરી દેવામાં આવી હતી. ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી સતત ચાર વર્ષ રાજકોટ અને ગુજરાતના કલારસિકોને તેમના મનપસંદ કલાકારોની સ્વર, વાદ્ય અને નૃત્યની કલાથી રસતરબોળ થવાનો પ્રત્યક્ષ લાભ મળ્યો હતો. પરંતુ હાલની વિષમ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ પાંચમાં વર્ષે પણ કલાપ્રેમીઓને નિરાશ ન કરતા નીઓ રાજકોટ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે કલાકારોની વર્ચ્યૂઅલ્ ઓનલાઈન પ્રસ્તુતિ લોકો સુધી પહોંચાડવાનો નિર્ધાર કરેલ છે.

   આ સઘળા આયોજનમાં સપ્ત સંગીતિની ટીમ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પાછલા ચાર વર્ષની અપ્રતીમ સફળતા પછી આ વર્ષે વર્ચ્યુઅલ ઓનલાઇન પ્રસ્તુતી પણ સંગીતપ્રેમીઓના દિલ જીતી લેશે, તેવો આયોજકોને વિશ્વાસ છે.

રવિવારના કાર્યક્રમના કલાકાર

પ્રિયા પુરૂષોથમન આગ્રાના શાસ્ત્રીય ગાયિકા છેઃ દેશ-વિદેશમાં પોતાની કલાનું મંચન કરેલું

 આ વર્ચ્યૂઅલ્ કોન્સર્ટમાં જુનથી ડિસેમ્બર ૨૦૨૧ સુધી દેશના ખ્યાતમાન કલાકારોને ઘરબેઠા માણવાનો મોકો મળી રહ્યો છે. નીઓ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ કલાકારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. જે મુજબ આગામી ૧૩ જુનના રોજ રાત્રે ૯ કલાકે શ્રી પ્રિયા પુરુષોથમનના શાસ્ત્રીય કંઠય સંગીતનો પ્રિમિયર ખાસ સપ્ત સંગીતિના દર્શકો માટે યોજાશે. જેમાં આ સુરીલી કલાકારોને સાંભળવાનો લાહવો સપ્ત સંગીતિના ફેસબુક પેજ અને યુ-ટ્યુબ ચેનલના માધ્યમથી બિલકુલ નિઃશુલ્ક લઈ શકાશે. શ્રી પ્રિયા પુરુષોથમન આગ્રા ઘરાનાના શાસ્ત્રીય ગાયિકા છે. તે વિદુષિ અદિતિ કૈકિની ઉપાધ્યા અને પંડિત સુધિન્દ્ર ભૌમિકના શિષ્યા છે અને હાલમાં શ્રીમતી શશિકલા કૈકિનીનું માર્ગદર્શન મેળવી રહ્યા છે. તેમને સ્વ. પંડિત દિનકર કૈકિની પાસે પણ અભ્યાસ કરવાની તક મળી છે. તેમણે ભારત ઉપરાંત યુ.એસ અને યુરોપના વિવિધ ભાગોમાં પોતાની કલાનું મંચન કરેલ છે. જેમાં લંડનનું બાર્બીકન સેન્ટર, ન્યુયોર્ક સ્ટેટના કાર્નેગી હોલ, બોસ્ટન, મુંબઈ, ચેન્નઈ, મૈસુર, દિલ્હી અને કલકત્તા જેવા શહેરોમાં કાર્યક્રમો કરેલા છે. આ ઉપરાંત તેઓ ઓલ ઈન્ડિયા  રેડિયોના ગ્રેડેડ આર્ટીસ્ટ છે. આ કાર્યક્રમમાં શ્રી પ્રિયા પુરુષોથમન સાથે હાર્મોનિયમ પર પં. વ્યાસમૂર્તિ કટ્ટી, તબલા પર શ્રી સાગર ભારદ્વાજ અને તાનપુરા પર શ્રી મનિષા વ્યાસ સંગત કરશે.

સપ્ત સંગીતિમાં ષડજગોડખિંડીનું બાસુરીવાદન, નબનીતા ચૌધરીનું શાસ્ત્રીય કઠયસંગીત, બ્રિજેશ્વર મુખર્જી, સંસ્ક્રાતિ-પ્રક્રાતિ વાહનેનું સિતારવાદન, કૌશર હાજી, ધ્વની વછરાજાની, શરદ પ્રસનદાસના કાર્યક્રમો માણવા મળશે.

  સપ્ત સંગીતિ દ્વારા જાહેર કરવામાં આવેલ દેશના ખ્યાતનામ કલાકારોના કે જેના વર્ચ્યૂઅલ્ કોન્સર્ટ પ્રિમિયર આગામી સમયમાં યોજાવાના છે, તેમાં શ્રી ષડજ ગોડખિંડીનું બાસુરીવાદન, શ્રી નબનિતા ચૌધરીનું શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રી બ્રિજેશ્વર મુખર્જી દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રી સંસ્ક્રાતિ અને શ્રી પ્રક્રાતિ વાહનેનું સિતાર અને સંતુરવાદન, શ્રી કૌશર હાજી દ્વારા શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રી ધ્વની વછરાજાનીનું શાસ્ત્રીય કંઠય સંગીત, શ્રી શરદ પ્રસન દાસનું વાયોલિનવાદન અને શ્રી પલાશ ધોળકિયાના શાસ્ત્રીય કંઠય સગીતનો લાભ આગામી સમયમાં માણી શકાશે. આગામી પ્રિમિયરોની તારીખ અને સમય ફેસબુક, વોટસ એપ, મેસેજીંગ અને મીડીયાના માધ્યમથી જાહેર કરવામાં આવશે. તમામ કાર્યક્રમના નોટીફીકેશન માટે તમે સપ્ત સંગીતિની યુ-ટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. સપ્ત સંગિતીના ફેસબુક પેજ ઉપર અગાઉના વર્ષોમાં યોજાયેલ કાર્યક્રમોના રેર્કોડિંગ ઉપલબ્ધ છે, જે શ્રોતાઓ કોઈપણ સમયે માણી શકે છે.

નીઓ રાજકોટની ટીમ

નીઓ રાજકોટ ફાઉન્ડેશનના ડિરેકટર શ્રીઓ, શ્રી પરાક્રમસિંહ જાડેજા, શ્રી મુકેશભાઇ શેઠ, શ્રી અરવિંદભાઇ પટેલ, શ્રી દિપકભાઇ રીંડાણી, શ્રી વિક્રમભાઇ સંઘાણી ,

શ્રી હિરેનભાઇ સોઢા અને શ્રી અતુલભાઇ કાલરીયા

(3:26 pm IST)
  • એક લાખ કરોડ રૂપિયાના IL&FS કૌભાંડમાં માસ્ટર માઈન્ડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર લીઝિગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ પૂર્વ ચેરમેન રવિ પાર્થશારથીની ધરપકડ : ચેન્નાઈ પોલીસની અપરાધ શાખા એ ધરપકડ કરી :ઈકોનોમિક ઓફિસ (EOW)એ કહ્યું કે પૂર્વ ચેરમેન રવિ પાર્થસારથીના નેતૃત્વમાં IL&FS ફ્રોડ કરવાનું મુખ્ય મથક બની ગયું હતું. access_time 12:41 am IST

  • આખરે ટીએમસી માંથી ભાજપમાં શામેલ થયેલ બંગાળના દિગ્ગજ નેતા મુકુલ રોયની ઘર વાપસી થઈ : ફરી ટીએમસીમાં જોડાયા : ભાજપ માટે શરમજનક ઘટના : હજુ ઘણાં ધારાસભ્યો સહિત ભાજપના નેતાઓ પણ તેમની મૂળ પાર્ટી ટીએમસીમાં પાછા જાય તેવી સંભાવના : CM મમતા બેનર્જી બપોરે 3.30 વાગ્યે ટીએમસી ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરશે તેમ જાણવા મળે છે. (ન્યુઝફર્સ્ટ) access_time 2:42 pm IST

  • રાજસ્થાનના કલાકારો માટે ગેહલોત સરકારનો મોટો નિર્ણય : આર્થિક રીતે નબળા કલાકારોની મદદ મળશે : 5 હજાર રૂપિયાની વન-ટાઇમ સહાય આપવામાં આવશે : કલાકાર કલ્યાણ ભંડોળ તરફથી સહાય આપવામાં આવશે : 2 હજાર જરૂરિયાતમંદ કલાકારોને સહાય મળશે access_time 9:44 pm IST