Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

૩૦ જુન સુધીમાં શાળાઓને ફાયર NOC મેળવવા આદેશ

શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને પરિપત્ર કરી શાળાઓને સુચના આપવા તાકીદ : ફાયર NOCનો અમલ કરવા આદેશ

રાજકોટ તા. ૧૧ : ગુજરાતની શાળાઓને ૩૦ જુન સુધીમાં ફાયર એનઓસી મેળવવા શિક્ષણ બોર્ડે આદેશ કર્યો છે.

રાજયની શાળાઓને ફાયર વિભાગનું એનઓસી મેળવી લેવા માટે અનેક વખત સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં હજુ અનેક શાળાઓ પાસે ફાયર વિભાગનું એનઓસી ન હોવાની બાબત સામે આવી છે. જેને લઇને શિક્ષણ બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO)ને પરિપત્ર મોકલી તેમના તાબાની તમામ શાળાઓને ૩૦ જૂન સુધીમાં ફાયર વિભાગનું એનઓસી મેળવા માટે આદેશ કર્યો છે. જો શાળાઓ દ્વારા ફાયર વિભાગનું એનઓસી લેવામાં નહીં આવે અને ત્‍યારબાદ જો તેમની સામે કાર્યવાહી થશે તો તેની જવાબદારી સંચાલક મંડળની રહેશે તેવી સૂચના આપવામાં આવી છે. ફાયર એનઓસીનો મુદ્દો હાઈકોર્ટમાં હોવાના લીધે તાકીદે તેનો અમલ કરવા માટે પણ જણાવાયું છે.

હાઈકોર્ટ દ્વારા શાળાઓમાં ફાયરની ઘટના બનતી અટકાવવા માટે ફાયરની સુવિધા ફરજિયાત કરવામાં આવી છે. જેના પગલે તમામ શાળાઓને ફાયરની સુવિધા ઉપલબ્‍ધ કરાવી ફાયર વિભાગનું એનઓસી લેવા માટે શાળાઓને અગાઉ સૂચનાઓ આપવામાં આવી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ઉદ્દેશીને પરિપત્ર કરવામાં આવ્‍યો છે. જેમાં તેમના તાબા હેઠળ આવતી તમામ શાળાઓને ફાયર વિભાગનું એનઓસી ૩૦ જૂન સુધીમાં મેળવી લેવા માટે આદેશ કરવામાં આવ્‍યો છે. હાલમાં આ બાબત હાઈકોર્ટમાં ચાલી રહી હોવાથી તેને ટોચની અગ્રતા આપી કામગીરી પૂર્ણ કરવા માટે શાળાઓને તાકીદ કરવા માટે જણાવાયું છે.

(3:10 pm IST)