Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અનાજ દળવાના ભાવમાં લાંબા સમય પછી કિલોએ રૂા. ૧ નો વધારો

રાજકોટ ફલોર મીલ એસો.ની કારોબારીમાં નિર્ણય જાહેર

રાજકોટ તા. ૧૧: રાજકોટ ફલોર મીલ એસોસીએશન પ્રમુખ અતુલભાઇ હરકિશનભાઇ રાજાણી અને ઉપપ્રમુખ બી. એન. પટેલની યાદીમાં જણાવેલ છે કે, હાલના સંજોગોમાં અનાજ દળવાની ઘંટી વ્‍યવસાયમાં વપરાતા દરેક પાર્ટના ભાવમાં ૩૦ થી ૪૦% જેવો તોતીંગ ભાવ વધારો થતાં તથા પેટ્રોલ-ડીઝલનાં અસહય ભાવ વધારાનાં કારણે ફલોર મીલ વ્‍યવસાય આર્થીક સંકળામણનો સામનો કરતો હોય તેમજ અન્‍ય ઘણાં કારણોસર અનાજ દળવાનો ભાવ વધારો કરવા નિર્ણય લેવાયો છે.

આમ પણ છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી ફલોર મીલ એસોસીએશન દ્વારા કોઇપણ ભાવ વધારો કરવામાં આવેલ નથી. જેથી ઘંટી માલીકોની મળેલી કારોબારી કમીટીમાં લેવાયેલ નિર્ણય મુજબ હાલની તકે ભાવ વધારો કરવો જરૂરી બન્‍યો હતો.

ઉપરોકત તમામ કારણોસર રાજકોટ ફલોર મીલ એસોસીએશન દ્વારા અનાજ દળવાના ભાવમાં કિલો દીઠ રૂા. ૧/-નો નજીવો વધારો તા. ૧પ-૦૬-ર૦રર થી કરવામાં આવશે. અત્‍યારે ર૦ કિલોના રૂા. ૧૦૦/- લેવામાં આવે છે, હવે પછી ર૦ કિલોના રૂા. ૧ર૦/- લેવામાં આવશે. આ કિલો દીઠ રુા. ૧/-નો સામાન્‍ય વધારો કરીને મોંઘવારી સામે રક્ષણ મેળવવાની એક પ્રયાસ થયો હોવાનું રાજકોટ ફલોર મીલ એસોસીએશનની યાદીમાં જણાવાયું છે.

(3:55 pm IST)