Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

આજે રાત્રે ‘‘રામ રસ'' ઘુંટાશેઃ અમિત ધોરડા એકતારાના સથવારે લોકસંગીત પિરસશે

પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ ખાતે નિઃશુલ્‍ક આયોજન

રાજકોટ તા. ૧૧: આજે શહેરની રંગીલી જનતા માટે આત્‍મરસમાં ઘુંટાવાનો અદ્દભુત કાર્યક્રમ ‘‘રામરસ'' રાત્રે ૯ કલાકે પ્રમુખસ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે યોજાવાનો છે. ખુબજ ઓછા લોકો હાલ રામસાગર (એક તારો) વગાડવાની કલા ધરાવે છે ત્‍યારે માત્ર ર૩ વર્ષના નવયુવાન કલાકાર અમિત ધોરડા દ્વારા ગુજરાતી લોકસંગીતના માધ્‍યમથી લોક સંસ્‍કૃતિ સુધીની એક યાદગાર સફર કરાવાશે.

‘‘અકિલા'' કાર્યાલય ખાતેની મુલાકાત દરમિયાન અમિત ધોરડાએ જણાવેલ કે, પૌરાણીક ગુજરાતી લોકસંગીતમાં અનેક પ્રકારો છે. જેમાં દુહા, છંદ અને ભજનો મુખ્‍યત્‍વે છે. તેના પણ ઘણા પેટા પ્રકારો છે. લોક સંગીત માર્મીક વાણી છે અને તેમાં સ્‍વરથી ભીતર સુધીની આત્‍મ ખોજની યાત્રા કરી શકાય છે.

અમિત ધોરડાએ ૮ વર્ષ પહેલા સતત લોકસંગીત અને રામસાગરનો અભ્‍યાસ કરવા પોતાનો શૈક્ષણિક અભ્‍યાસ પણ થોભાવી દીધો હતો. તેમને લોકસંગીત પિતા સ્‍વ. અજયભાઇ પાસેથી વારસામાં મળ્‍યા બાદ સ્‍વ. અતામહમંદ પઠાણ સાહેબ પાસેથી પધ્‍ધતિસરની તાલીમ મેળવી હતી.

રામ સાગર અંગે અમિત ધોરડાએ જણાવેલ કે, રામ એટલે ચૈતન્‍ય (જીવ) અને સાગર એટલે તેનો વિસતાર. રામસાગર તુમડુ અને વાસને જોડી તેમાં ૩ તારનો સમન્‍વય કરી બનાવાતું પારંપરીક લોકવાદ્ય છે. ઘરમાં પહેલાથી જ સાધુ-સંતોના પગલા થતા તેથી પિતા અજયભાઇ લોકસંગીત તરફ વળ્‍યા અને સ્‍વ. પ્રભુદાસ સાહેબને અધ્‍યત્‍મીક ગુરૂ બનાવી તેમની શિખ અને આશીર્વાદથી આગળ વધ્‍યા. ગુરૂજીએ કબીર વિચારધાર ઉપર જીવન સમર્પિત કરી માનવતાના ધર્મ તરફ પ્રયાણ કરેલ.

અમિત ધોરડા મુળ સાવરકુંડલાના વતની છે અને પિતા સ્‍વ. અજયભાઇ ઘણા વર્ષોથી રાજકોટ સ્‍થાયી થયા હતા. અમિત ધોરડાએ એસએનકે સ્‍કૂલમાં ધો. ૧ર સુધી અભ્‍યાસ કર્યો છે. તેમણે રાજકોટની રંગીલી પ્રજાને આજે રાત્રે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે ‘‘રામ રસ''માં તરબોળ થવા આમંત્રણ આપ્‍યું છે. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્‍ક હોવાનું   અમિત ધોરડા (મો. ૭૦૪૮૪ ૮૦૩પ૬) એ જણાવ્‍યું હતું.

(3:57 pm IST)