Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નેપાળી દંપતિની બે મહિનાની દિકરી એન્‍જલનું ભેદી મોતઃ સીસીટીવી ફૂટેજના આધારે ત્રણની પુછપરછ

જીવરાજ પાર્ક અંબી રેસિડેન્‍સીમાં બનાવઃ પિતા હોટલમાં કામે ગયો'તો ને માતા રાખડી લેવા ગઇ'તીઃ પરત આવી ત્‍યારે દિકરી બેભાન મળતાં હોસ્‍પિટલમાં ખસેડી પણ મૃત જાહેર કરવામાં આવતાં પરિવારમાં કલ્‍પાંત : માસુમ બાળા આજે જ બે મહિનાની થઇઃ શરીર પર ઇજા જેવા નિશાન દેખાંતા મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ

ફૂલડા જેવી એન્‍જલનો નિષ્‍પ્રાણ દેહ, વિલાપ કરતાં તેણીના માતા કલ્‍પના અને પિતા અનુજ પરિહાર સહિતના સ્‍વજનો અને એન્‍જલનો ફાઇલ ફોટો જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

 

રાજકોટ તા. ૧૧: શહેરના જીવરાજ પાર્ક પાસે સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ પાસે અંબી રેસિડેન્‍સીના પાર્કિંગમાં ચોકીદારના રૂમમાં રહેતાં નેપાળી દંપતિની બે મહિનાની બાળકીનું સાંજે શંકાસ્‍પદ મોત નિપજતાં પોલીસે બાળકીના મૃતદેહનું ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવી સીસીટીવી ફૂટેજને આધારે તપાસ હાથ ધરી છે. પિતા હોટલમાં કામે ગયો હતો અને માતા આ બાળકીને રૂમમાં એકલી સુવડાવી રાખડી લેવા ગઇ હતી. દોઢેક કલાક રેઢી હાલતમાં આ બાળકી રહી હતી. એ પછી માતા ઘરે આવી ત્‍યારે બાળકી બેશુધ્‍ધ મળતાં હોસ્‍પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ મૃત જાહેર કરવામાં આવતાં કલ્‍પાંત સર્જાયો હતો.

ઘટનાની જાણવા મળેલી માહિતી મુજબ જીવરાજ પાર્ક અંબી રેસિડેન્‍સી ઇ-ડી વિંગમાં ચોકીદારના રૂમમાં રહેતાં નેપાળી યુવાન અનુજ ખેમબહાદુર પરિહાર અને કલ્‍પના અનુજ પરિહારની દિકરી એન્‍જલ (ઉ.૨ મહિના) નામની બાળાને રાતે બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. અહિ તબિબે તેણીને મૃત જાહેર કરી હતી. હોસ્‍પિટલ ચોકીના

રામશીભાઇ વરૂએ તાલુકા પોલીસમાં જાણ કરતાં પીએસઆઇ ડી. વી. ખાંભલા સહિતના સ્‍ટાફે હોસ્‍પિટલે પહોંચી તપાસ શરૂ કરી હતી. બાળકીના શરીર પર સ્‍હેજ ઇજા જેવા નિશાન દેખાયા હોઇ મોત શંકાસ્‍પદ જણાતાં પોલીસે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ કરાવવા તજવીજ કરી હતી.

મૃત્‍યુ પામનાર એન્‍જલના પિતા અનુજ પરિહારે જણાવ્‍યું હતું કે તે અંબી બિલ્‍ડીંગમાં સાતેક મહિનાથી પત્‍નિ કલ્‍પના સાથે રહે છે અને અહિ ચોકીદારી કરવા ઉપરાંત હોટલમાં કામ કરવા પણ જાય છે. બે મહિના પહેલા જ દિકરી એન્‍જલનો જન્‍મ થયો હતો. આજે ૧૧મીએ જ એન્‍જલના બે મહિના પુરા થયા હતાં.

અનુજની પત્‍નિ કલ્‍પનાએ કહ્યું હતું કે પતિ અનુજ સાંજે હોટલમાં કામે ગયો હતો અને હું સાંજે સાડા છએક વાગ્‍યા પછી દિકરી એન્‍જલને રૂમમાં એકલી સુવડાવી નજીકની માર્કેટમાં રાખડી સહિતની ચીજવસ્‍તુ લેવા માટે ગઇ હતી. અમારી સાથે બીજુ કોઇ રહેતું ન હોઇ હું દિકરીને એકલી જ રૂમમાં સુવડાવીને ગઇ હતી. અગાઉ પણ આ રીતે તેને મુકીને ગઇ હતી. સાંજે આઠેક વાગ્‍યે પરત ઘરે આવી ત્‍યારે રૂમમાં દિકરી એન્‍જલ બેભાન જોવા મળી હતી. આથી મેં પતિને અને સગાને જાણ કરી હતી અને અમે દિકરીને પહેલા મવડી ચોકડીની ખાનગી હોસ્‍પિટલે લઇ ગયા હતાં અને ત્‍યાંથી સિવિલમાં લાવ્‍યા હતાં. પણ ડોક્‍ટરે તેને મૃત જાહેર કરી હતી. કલ્‍પનાએ આક્ષેપ કર્યો હતો કે દિકરીના શરીર પર ઇજા જેવા નિશાન છે. તેની સાથે કોઇએ મારકુટ કરી કે અન્‍ય કંઇ બન્‍યું? તેની ખબર નથી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કર્યા છે. જેમાં બાજુની બિલ્‍ડીંગમાં રહેતો નેપાળી શખ્‍સ, એક છોકરી આવ-જા કરતાં નજરે ચડયા હોઇ પોલીસે નેપાળી દંપતિ, એક છોકરી સહિતનાની પુછતાછ શરૂ કરી છે. જો કે મોડી બપોર સુધી ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમ થયું ન હોઇ મોતનું કારણ બહાર આવ્‍યું નહોતું.

ફોરેન્‍સિક રિપોર્ટ આવ્‍યા બાદ પોલીસ આગળની કાર્યવાહી કરશે. બે મહિનાની બાળકી એન્‍જલનું ભેદી મોત થતાં માતા સતત વિલાપ કરતી હતી. જે દ્રશ્‍યો કરૂણતા ઉપજાવે તેવા હતાં. દંપતિની આ એકની એક દિકરી હતી.  તેણીના મોત પાછળ બાજુના બિલ્‍ડીંગમાં રહેતાં નેપાળી પરિવારની કોઇ ભુમિકા છે કે કેમ? તે અંગે તપાસ થઇ રહી છે. તાલુકા પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએસઆઇ ડી. વી. ખાંભલા અને ટીમ પોસ્‍ટ મોર્ટમ રિપોર્ટ આજે બપોર બાદ જાહેર થયા બાદ આગળ કાર્યવાહી કરશે.

 

માથા પાછળની ઇજાને કારણે મોત થયાનો રિપોર્ટઃ પડી જવાથી પણ આ ઇજા થઇ શકે

મોડી બપોરે ફોરેન્‍સિક પોસ્‍ટ મોર્ટમનો રિપોર્ટ જાહેર થયો હતો. જેમાં એન્‍જલનું મોત માથા પાછળ થયેલી ઇજાને કારણે થયાનું પ્રાથમિક તારણ અપાયું હતું. જો કે આ ઇજા પડી જવાને કારણે પણ થઇ શકે તેવી છે. ત્‍યારે પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે બાળકી અકસ્‍માતે પડી ગઇ હતી કે પછી કોઇએ તેને જાણી જોઇને ઇજા પહોંચાડી હતી?

(4:52 pm IST)