Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ગંભીર પ્રકારની બિમારી વધતી જાય ત્‍યારે ક્રિટીકલ કેર ખૂબ ઉપયોગી

રાજકોટમાં ગુજરાતભરના ક્રિટીકલ કેર નિષ્‍ણાત તબીબોની બે દિવસની કોન્‍ફરન્‍સમાં ગહન ચિંતન

 ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટ ટીમની તસ્‍વીર : ઇન્‍સેટ તસ્‍વીર ડાબે  ડૉ. વિશાલ સાડતીયા અને જમણે પ્રેસીડેન્‍ટ ડો. સંકલ્‍પ વણઝારા

રાજકોટ  : વર્તમાન સમયમાં બિમારીનું પ્રમાણ વધ્‍યુ છે અને એમાં પણ ગંભીર -પ્રકારની બિમારીના કેસ વધતા જતાં જોવા મળે છે ત્‍યારે આ પ્રકારના ગંભીર રોગોની સારવાર માટે ક્રિટીકલ કેર નિષ્‍ણાતોની ખૂબ જરૂર પડે છે, ભવિષ્‍યમાં ક્રિટીકલ કેરની આવશ્‍યકતા ને ધ્‍યાનમાં રાખી અને સતત પોતાના સહિત ગુજરાતના ક્રિટીકલ કેર નિષ્‍ણાતોના જ્ઞાનમાં વધારો થાય એવા હેતુ સાથે તાજેતરમાં રાજકોટ ખાતે ગુજરાતભરના ક્રિટીકલ કેર નિષ્‍ણાત તબીબોની બે દિવસની કોન્‍ફરન્‍સનું આયોજન કરવામાં આવ્‍યું હતું જેમાં ક્રિટીકલ કેર ક્ષેત્રે વિશ્વ કક્ષાએ થયેલ નવી શોધ, મેડિસીન, ઈન્‍જેકશન વગેરે બાબતો અંગે ગહન ચિંતન કરવામાં આવ્‍યું હતું એમ ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટના પ્રેસીડન્‍ટ ડૉ. સંકલ્‍પ વણઝારા અને સેક્રેટરી ડૉ.વિશાલ સાડતીયાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે. ક્રિટીકલ કેર ક્ષેત્રે વિશ્વ કક્ષાએ થયેલ વિવિધ શોધ, સારવાર વગેરે બાબતો પર દેશભરના ક્રિટીકલ કેરના નિષ્‍ણાત તબીબો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું. કોન્‍ફરન્‍સમાં ૩૦૦ થી વધુ નિષ્‍ણાત તબીબો ભાગ લીધો હતો. તબીબો દ્વારા લિખીત-અભિનીત નાટક ‘‘ધી આઈ.સી.યુ. ફાઈલ્‍સ''ભજવવામાં આવ્‍યુ હતું.

ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટના પ્રેસીડન્‍ટ ડૉ. સંકલ્‍પ વણઝારાએ માહિતી આપતાં જણાવ્‍યું છે કે, દરેક મોટી હોસ્‍પિટલ માટે ક્રિટીકલ કેર નિષ્‍ણાત એ હવે પાયાની જરૂરીયાત છે. ગંભીર બિમારી, અઘરા ઓપરેશન, દાઝેલા દર્દી, ચેપી રોગ, કોરોના, સ્‍વાઈન ફલુ, દરેક પ્રકારના પોઈઝનીંગના કેસ, કિડની, હ્યદય, લીવર, ફેફસાના રોગ, સેપ્‍સીસ, ટ્રોમા (અકસ્‍માતમાં ઈજા), કેન્‍સર, કિમોથેરાપી, ટ્રાન્‍સપ્‍લાન્‍ટના કેસ, લૂપસ જેવી વાની બિમારી, ન્‍યુમોનિયા, ડેન્‍ગ્‍યુ, કમળો, ઝેરી કમળો, સ્‍વાદ પિંડુનો સોજો સહિત અનેક પ્રકારના રોગમાં હવે ક્રિટીકલ કેર નિષ્‍ણાતની સારવારની જરૂર પડે છે. દિવસે દિવસે ગંભીર બિમારી વધી રહી છે તેની સાથે ક્રિટીકલ કેરના નિષ્‍ણાતોનું કાર્યક્ષેત્ર દિવસે દિવસે વધી રહ્યુ છે અને વિશ્વમાં ક્રિટીકલ કેરમાં અનેક નવી નવી શોધ થતી રહેતી હોય છે. રાજકોટના ક્રિટીકલ કેર નિષ્‍ણાતો સતત વિશ્વ કક્ષાની સારવાર અહીના દર્દીઓને મળતી રહે એ માટે પ્રયત્‍નશીલ હોય છે.

 ક્રિટીકલ કેર ક્ષેત્ર માટે અતી મહત્‍વની આ કોન્‍ફરન્‍સમાં નાના સેન્‍ટરોમાં જયાં ઈમરજન્‍સી સારવાર ઉપલબ્‍ધ છે એવી હોસ્‍પિટલોમાં ક્રિટીકલ કેરની સુવિધા વધુ સારી બની શકે એ વાત પર ભાર મુકવામાં આવ્‍યો હતો. કરમસદના ડૉ. ધવલ પ્રજાપતિ અને વડોદરાના ડૉ. રવિરાજ ગોહિલે ઈમરજન્‍સીમાં આવતા ગંભીર પ્રકારના દર્દની પ્રાથમીક સારવાર શું અને કેવી રીતે કરવી, ઓપરેશન વખતે દર્દીનું બી.પી. ઘટી જાય કે હદયનું પંપીંગ ધીમું પડી જાય, દર્દીની હાલત ગંભીર થઈ જાય ત્‍યારે કયા પ્રકારની સારવાર, મેડિસીન, ઈન્‍જેકશનનો ઉપયોગ કરવો એ વિશે માહિતી આપી હતી.  હેદ્રાબાદના ડૉ. શ્રીનિવાસન અને મુંબઈના ડૉ.  તુષાર પરમાર દ્વારા છાતી-માથામાં થતી ગંભીર ઈજાની યોગ્‍ય સારવાર વિશે માહિતી આપી હતી. અમદાવાદના ડૉ. રાજેશ મિશ્રાએ મગજની ગંભીર બિમારીમાં હેમરેજ, બેભાન દર્દીની સારવારમાં વર્તમાન સમયમાં કઈ કઈ મેડિસીન, ઈન્‍જેકશન વપરાય છે અને તેના ફાયદા શું છે એ વિશે માહિતી આપી હતી. 

ડૉ. વિશાલ સાડતીયાએ જણાવ્‍યું હતું કે, દેશભરના નિષ્‍ણાત તબીબો દ્વારા ક્રિટીકલ ક્ષેત્રે વર્તમાન સમયમાં થયેલાં વિવિધ શોધ વિશે માર્ગદર્શન આપવામાં આવ્‍યુ હતું. વિશ્વમાં મોલીકયુલર થેરાપી, મોલીકયુલર ડાયોગ્નોસીસ, એકમો, સી.આર.આર.ટી. (સળંગ ડાયાલીસીસ) વગેરે આધુનિક સારવાર પધ્‍ધતિ, વિવિધ મેડિસીનની શોધ અને આ મેડિસીનના ઉપયોગ વિશે વિસ્‍તળત જાણકારી આપવામાં આવી હતી.

 કોન્‍ફરન્‍સના આયોજનમાં ક્રિટીકલ કેર સોસાયટી ઓફ રાજકોટના પ્રેસીડન્‍ટ ડૉ. સંકલ્‍પ વણઝારા, સેક્રેટરી ડૉ. વિશાલ સાડતીયા, ક્રિટીકલ કેર સોસાયટીના રાષ્‍ટ્રીય જોઈન્‍ટ સેક્રેટરી ડૉ. તેજસ કરમટા, ટ્રેઝરર ડૉ. અમીત  પટેલ, ડૉ. ચિરાગ માત્રાવડીયા, ડૉ. જયેશ ડોબરીયા, ડૉ.  તુષાર પટેલ, ડૉ.  તેજસ મોતીવારસ, ડૉ.  મિલાપ મશરૂ, ડો. દિગ્‍વીજયસિંહ જાડેજા, ડૉ. મયંક ઠક્કર, ડો. અર્ચિત રાઠોડ, ડૉ. ભાવિન ગોર, ડૉ. ભૂમિ દવે, ડૉ. મંગલ દવે, ડૉ. અંકુર વરસાણી, ડૉ. યજ્ઞેશ પુરોહીત, ડૉ. જીગર પાડલીયા, ડૉ. હાર્દિક વેકરીયા, ડૉ. વિમલ દવે, ડૉ. યતીન સવસાણી, ડૉ. મયુર કવર, ડૉ. મયુર પટોળીયા, ડૉ. શ્‍યામ કારીયા, ડૉ.ચૈતન્‍યસિંહ ગોહિલ સહિતના તબીબોની ટીમ કાર્યરત હતી. 

(4:59 pm IST)