Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

કાલે તીરંગા યાત્રામાં શહેરીજનો ઉમટશે

રાજકોટ,તા.૧૧:  મહાનગરપાલિકા દ્વારા આવતીકાલે તા. ૧૨ના શુક્રવારે સવારે ૦૮:૩૦ કલાકે બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા થી રાષ્ટ્રિય શાળા સુધી રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા યોજાશે. આ યાત્રામાં જોડાઈને દેશની આન-બાન-શાન વધારવા  શહેરના નગરજનોને મેયર પ્રદીપ ડવ સહિતના પદાધિકારીઓ દ્વારા આહવાન કરવામાં આવ્‍યુ છે.

આ અંગે મેયર પ્રદીપ ડવ, ડે. મેયર ડા. દર્શિતાબેન શાહ, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ દ્યવા, દંડક સુરેન્‍દ્રસિંહ વાળાએ જણાવ્‍યુ હતુ કે, દેશના અનેક ક્રાંતિવિરોના બલિદાનથી ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી છે અને તેના ફળ આપણે સૌ માણી રહ્યા છીએ, અંગ્રેજો સામેનો આપણો અભૂતપૂર્વ સ્‍વાતંત્ર્ય સંગ્રામ હંમેશા દેશવાસીઓ યાદ રાખે આઝાદીનું મૂલ્‍ય સમજે એ ખૂબ જરૂરી છે. આ મહામૂલ્‍ય આઝાદીના ૭૫ વર્ષ નિમિતે સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્‍સવની ઉજવણી થઈ રહી છે. આ મહાપર્વની ઉજવણીના ભાગરૂપે દેશનાᅠ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ૧૩ થી ૧૫ ઓગસ્‍ટ દરમ્‍યાન હર દ્યર તિરંગાનું આહવાન કરેલ છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આઝાદી કા અમૃત મહોત્‍સવ અને હર દ્યર તિરંગા અંતર્ગત આવતીકાલ તા. ૧૨ના રોજ રાજયનામુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં સવારના ૦૮.૩૦ કલાકે બહુમાળી ભવન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્‍પાંજલિ સાથે બહુમાળી ભવન ચોક થી રાષ્ટ્રીય શાળા સુધી તિરંગા યાત્રાનો પ્રારંભ થશે. આ તિરંગા યાત્રામાં ગુજરાત પ્રદેશ ભાજપના અધ્‍યક્ષ સી. આર. પાટીલ, રાજયના માન.ગૃહ મંત્રી હર્ષ સંદ્યવી, સાંસદશ્રીઓ, ધારાસભ્‍યશ્રીઓ, રાજકોટ શહેર ભાજપના પ્રમુખ, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રી, જુદી જુદી કચેરીઓના અધિકારીઓ - કર્મચારીઓ તથા તમામ પાર્ટી હોદ્દેદારશ્રીઓ, કાર્યકરો, જુદા જુદા સમાજના અગ્રણીઓ, સામાજિક - શૈક્ષણિક - ધાર્મિક સંસ્‍થાના સભ્‍યશ્રીઓ, શાળા-કોલેજના વિદ્યાર્થી ભાઈ-બહેનો તેમજ શહેરીજનો જોડશે.

રાજકોટ શહેરના તમામ નગરજનો સ્‍વયંભુ તિરંગા યાત્રામાં જોડાય, સમગ્ર શહેરને રાષ્ટ્રભક્‍તિના રંગમાં રંગી દઈએ અને વિશ્વમાં દેશની આન-બાન-શાન વધારવા મેયર સહિતના પદાધિકારીઓએ અપીલ કરી છે.

(5:06 pm IST)