Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

જૈનોની આસો માસની આયંબિલ ઓળીનો કાલથી શુભારંભ

રાજકોટ તા.૧૧ : જૈનોની આયંબિલ ઓળી વર્ષમાં બે વખત ચૈત્ર માસ તથા આસો માસમાં આવે છે.જો કે તપ તો હર હંમેશ કરવાનું હોય છે. પ્રભુને જયારે પ્રશ્ર્ન પુછ્યો કે હે પ્રભુ ! દીક્ષા લઈને શું કરવાનું ? પરમ કૃપાળુ તીર્થકર પરમાત્મા પ્રત્યુત્ત્।ર આપતા ફરમાવે કે હે જીવ ! સંયમ અને તપથી તમારા આત્માને ભાવિત કરતાં રહેજો.

તપસ્વીઓ નવ - નવ દિવસ સુધી લુખ્ખુ - સુકકુ તેલ અને સબરસ વગરનો દિવસમાં એક જ વખત આહાર કરી આયંબિલ તપની આરાધના કરતાં હોય છે. આધ્યાત્મિક દ્રષ્ટિએ તો તપ કરવાથી અનંતા કર્મોની નિર્જરા થાય છે પરંતુ આયુર્વેદ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ આયંબિલ તપને આરોગ્ય માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.તમામ દર્દનું ઔષધ તપ માનવામાં આવે છે.

આયંબિલ ઓળીના નવ દિવસ દરમ્યાન નવ પદ એટલે કે નમો અરિહંતાણથી લઈ નમો લોએ સવ્વ સાહૂણં તથા સમયક્ જ્ઞાન,દર્શન,ચારિત્ર અને તપ ધર્મની આરાધના કરવાની હોય છે.પ્રભુ મહાવીરે ૧૪૦૦૦ સાધુ અને ૩૬૦૦૦ સાધ્વીઓમાંથી ધન્ના અણગારના આયંબિલ તપની પ્રશંસા કરી.ઙ્ગ

સાધુ વંદનામાં નિત્ય સ્મરણ કરીએ છીએ....શ્રી વીરે વખાણ્યો ધન્નો..ધન્નો અણગાર.ગ્રંથોમાં આયંબિલ તપનું મહત્વ બતાવતાં અનેક પ્રેરક દ્રષ્ટાંતો આવે છે જેમાં શ્રીપાલ અને મયણાનું દ્રષ્ટાંત સુપ્રચલિત છે.આયંબિલ તપની આરાધના કરવાથી શ્રીપાલની કાયા કંચનવર્ણી બની જાય છે, તેમાં પણ વૈજ્ઞાનિક કારણ રહેલું છે કે ખોરાકમાં સબરસનું પ્રમાણ ઘટવાથી ચામડીના રોગ મટી શકે છે.તામલી તાપસ અને સુંદરીએ દીર્ઘ કાલીન સમય સુધી તપની આરાધના કરેલી. તપના પ્રભાવથી ભરત ચક્રવર્તીના સુંદરી પ્રત્યેના દુષ્ટ ભાવમાં પરીવર્તન આવી ગયેલ.

આયંબિલ તપ કરવાથી રસેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે,કારણ કે પાંચ ઈન્દ્રિયમાં રસેન્દ્રિયને જીતવી ખૂબ જ કઠિન છે.તપથી લોહી શુદ્ઘ થાય છે,લાલ રકત કણો વધે છે ! પ્રોફેસર જોસેફ હેરેલ્ડ જણાવે છે કે પેટના મોટા ભાગના દર્દોમાં તપ કરવું શ્રેષ્ઠ છે. ર્ડા. શેલ્ટન કહે છે સૃષ્ટિના જીવોમાં માત્ર મનુષ્ય એવું પ્રાણી છે જે બીમારીમાં પણ ખા - ખા કરે છે,જયારે પશુ,પંખીઓ, પ્રાણીઓ બિમાર પડે ત્યારે સૌ પ્રથમ ખાવાનું છોડી દે છે.

માનસ સાધના મંડળવાળા યોગીજી કહેતાં કે જો લાંબુ જીવવું હોય તો પેટ ભરીને ન ખાઓ,ઈચ્છા થાય અને ભૂખ હોય તેના ચોથા ભાગનો જ આહાર લેવો.મિસ શર્મને ખૂબ સરસ વાત કરી કે એક અબજ લોકો જગતમાં અર્ધા ભૂખ્યા સૂએ છે..! અને સવા અબજ લોકો વગર ભૂખે ખા - ખા કરે છે.

તપસ્વીઓ તો સંઘ અને શાસનના અણમૂલા રત્નો ગણાય છે.તપસ્વીઓ શાસનની આન - બાન અને શાનમાં વધારો કરે છે.સળંગ નવ દિવસ સુધી તપ થઈ શકતું હોય તો શ્રેષ્ઠ છે પરંતુ કોઈ કારણસર નવ દિવસ ન થઈ શકે તો છુટક - છુટક પણ આયંબિલ તપની આરાધના કરી શકાય છે,જેથી જીવાત્મામાં તપના સંસ્કાર આવે છે. (૨૧.૧૭)

સંકલન : મનોજ ડેલીવાળા

(11:32 am IST)