Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

નાકરાવાડીમાં સાસુના ત્રાસને લીધે દયા બાળકો સાથે મરી જવા મજબૂર થઇ'તી

કુવાડવા પોલીસે ગુનો નોંધી સાસુ સવિતાબેન ડેડાણીયાની ધરપકડ કરીઃ એક વર્ષથી સાસુ નાની નાની વાતે ઝઘડા કરતી હોવાનો આરોપ

રાજકોટ તા. ૧૧: નાકારાવાડીમાં કોળી મહિલા દયાબેન તેના બે માસુમ પુત્રને સળગાવી પોતે પણ સળગી મર્યાની ઘટનામાં તેણીની સાસુનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી સાસુની ધરપકડ કરી તેણીને કોર્ટહવાલે કરવા તજવીજ કરી હતી.

આ બનાવમાં કુવાડવા રોડ પોલીસે બે પુત્રોને સળગાવી આપઘાત કરનાર દયાબેનના પિતા પીપળીયા ગામે રહેતાં મનુભાઇ નરસીભાઇ ડંડૈયા (કોળી) (ઉ.વ.૬૦)ની  ફરિયાદ પરથી મૃતક દયાબેનના સાસુ સવિતાબેન કેશુભાઇ ડેડાણીયા સામે આઇપીસી ૩૦૬, ૪૯૮ (ક) મુજબ ત્રાસ આપી મરી જવા મજબૂર કરવાના સંજોગો ઉભા કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ કરી છે.

મનુભાઇએ પોલીસને જણાવ્યું હતું કે મારે સંતાનમાં ચાર દિકરી અને ત્રણ દિકરી પૈકી દયાના લન આઠ વર્ષ પહેલા કેશુભાઇ ડેડાણીયાના દિકરા વિજય સાથે થયા હતાં. લગ્ન જીવન દરમિયાન તેણીએ બે સંતાન મોહિત અને ધવલને જન્મ આપ્યો હતો. જેમાં મોહિત ૭ વર્ષનો અને ધવલ ૪ વર્ષનો હતો. એકાદ વર્ષથી દયા તેના પતિ, પરિવાર સાથે નાકરાવાડી ગામે રહેતી હતી. અગાઉ તે લાલપરી રહેતા હતાં.

તા. ૯ના શનિવારે સવારે હું ઘરે હતો ત્યારે નાકરાવાડી રહેતી મારી બીજી દિકરી સોનલનો ફોન આવ્યો હતો કે દયા તેના બે દિકરા સહિત સળગી ગઇ છે. આથી અમે ત્યાં ગયા હતાં. જ્યાં દયા અને તેના બંને દિકરાની સળગેલી લાશ જોવા મળી હતી. બનાવ અંગે જાણતા ખબર પડી હતી કે દયાએ તેના બંને દિકરાને કેરોસીન છાંટી સળગાવી પોતે પણ સળગી જતાં ત્રણેયના મોત થયા હતાં.

આ બનાવનું કારણ એવું છે કે દયા  મારા જમાઇ વિજય, તેના બે દિકરા અને સાસુ સવિતાબેન તથા દિયર મહેશ સાથે નાકરાવાડી રહેતી હતી. જ્યારથી તે અહિ રહેવા આવ્યા ત્યારથી એટલે કે એકાદ વર્ષથી દયાની સાસુ સવિતાબેન મારી દિકરી દયા સાથે નાની નાની વાતે ઝઘડા કરતી હતી. બનાવના અગાલા દિવસે પણ સાસુએ રસોઇ બાબતે ઝઘડો કર્યો હતો. સાસુ અવાર નવાર ત્રાસ આપતી હોઇ જેથી મારી દિકરી તેના બંને દિકરા સાથે મરી જવા મજબૂર થઇ હતી. નોંધનીય છે કે અગાઉ આ ઘટનામાં દયા સામે તેના બાળકોની હત્યા કરી આપઘાત કરી લેવાનો ગુનો પણ નોંધાયો હતો.

પીઆઇ એન. એન. ચુડાસમા, હિતેષભાઇ ગઢવી સહિતી ટીમે દયાબેનના સાસુની ધરપકડ કરી કોર્ટ હવાલે કરવા તજવીજ કરી હતી.

(3:11 pm IST)