Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

સરધારના સર ગામે પ્લોટમાં પાયા ખોદવા પ્રશ્ને લાકડીઓ ઉડીઃ ચાર ઘાયલ થયાઃ એક મહિલાનો હાથ ભાંગી ગયો

આજીડેમ પોલીસે દિનેશભાઇ મેર અને હેમત ઉપાદરાની સામ-સામી ફરિયાદ નોંધી

રાજકોટ તા. ૧૧: સરધાર નજીકના સર ગામે કોળી પરિવારો વચ્ચે પ્લોટમાં પાયા ખોદવા અને ત્યાં પડેલા લાકડા દુર લેવા બાબતે ચડભડ થતાં ચાર જણાએ એક યુવાન અને તેના પત્નિ તથા તેના ભાઇના પત્નિ પર લાકડીથી હુમલો કરી ઢીકા પાટુ મારતાં ત્રણેયને રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. જેમાં એક મહિલાનો હાથ ભાંગી ગયાનો રિપોર્ટ આવ્યો હતો. સામે પક્ષે પણ એક યુવાન પોતાના પર હુમલો થયાની રાવ સાથે સારવાર માટે પહોંચ્યો હતો.

આ બનવામાં આજીડેમ પોલીસે સામ સામી ફરિયાદ નોંધી છે. સર ગામે સાજડીયાળી રોડ પર રહેતાં દિનેશભાઇ પાંચાભાઇ મેર (ઉ.૪૦)ની ફરિયાદ પરથી તેના જ ગામના હેમંત હરસુખભાઇ, લાલજીભાઇ અને રણજીતભાઇ સામે ગુનો નોંધ્યો છે.

જ્યારે સામા પક્ષે હેમત ધીરૂભાઇ ઉપાદરા (ઉ.૨૬)ની ફરિયાદ પરથી દિનેશ પાંચાભાઇ મેર, અશોક પાંચાભાઇ અને કાના પાંચાભાઇ સામે ગુનો નોંધ્યો છે. દિનેશભાઇ ખેતી કરી ગુજરાન ચલાવે છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે મારે મારા મકાનની સામે જ ઢોળ બાંધવાનો ઢાળીયો છે. તેની પાછળના ભાગે અમારા લાકડા પડ્યા હોય છે. રવિવારે સવારે અગિયારેક વાગ્યે હેમત, હરસુખ, લાલજી, રણજીત જે અમારા કુટુંબી સગા જ છે તે આવ્યા હતાં અને કહ્યું હતું કે તમારા ઢાળીયા પાછળ રાખેલા લાકડા ઉપાડી લ્યો આ જગ્યા એ અમારે પાયા ખોદવા છે. જેથી અમે કહેલુ  કે ઢાળીયા પાછળની જગ્યામાં અમારો હાલવાનો રસ્તો છે. તમે તમારી જગ્યાએ પાયો ગાળજો. જેથી ચારેયએ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લાકડીથી હુમલો કરી માથામાં ઘા ઝીંકતા મને લોહી નીકળવા માંડ્યા હતાં.

મારા પત્નિ જ્યોત્સના અને ભાઇના પત્નિ પ્રભાબેન મને છોડાવવા આવતાં આ બંનેને પણ ઢીકાપાટુ મારી પછાડી દીધી હતી. એ પછી મને રાજકોટ હોસ્પિટલે લાવ્યા હતાં. મારા ભાઇના પત્નિ પ્રભાબેનને લાકડી ફટકારાઇ હોઇ તેના ડાબા હાથમાં ફ્રેકચર થઇ ગયાનો રિપોર્ટ આવ્યો હતો.

સામા પક્ષે હેમત ઉપાદરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે અમે અમારા પ્લોટમાં પાયો ખોદવા ગયા ત્યારે દિનેશભાઇના લાકડા ત્યાં પડ્યા હોઇ દૂર લેવાનું કહેતાં તેણે આ જગ્યા તમારી નથી અમારી છે તેમ કહી ગાળો દઇ લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી. પીએસઆઇ એચ. એન. જામંગે બંને ગુનાની તપાસ હાથ ધરી છે.

(3:11 pm IST)