Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

૧૨૫ વર્ષ જૂની ભીડભંજન શેરીની ગરબીમાં બઘડાટી બોલાવનાર હુશેન ચોૈહાણની ધરપકડ

રજૂઆતને પગલે એ-ડિવીઝન પોલીસની ત્વરીત કાર્યવાહીઃ શખ્સને કાયદાનું ભાન કરાવાયું

રાજકોટ તા. ૧૧: દાણાપીઠની ભીડભંજન શેરીમાં સવાસો વર્ષ જૂની પુરૂષોની પરંપરાગત ગરબીમાં બે દિવસ પહેલા હુશેન ચૌહાણ નામના શખ્સે દારૂ પી માથાકુટ કરતા ગરબા લઈ રહેલા માઈભકતોની લાગણીને ઠેસ પહોંચી હતી. આ બારામાં પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી. તે અંતર્ગત એ-ડિવીઝન પોલીસે ત્વરીત કાર્યવાહી કરી મોચીબજાર ખાડામાં રહેતાં હુશેન મહેમદભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૬) સામે ત્વરીત અટકાયતી પગલાની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

સટ્ટાબજાર ચોક નજીક ભીડભંજન શેરી નં. ૮મા વર્ષોથી ગરબીનું આયોજન થાય છે. જેમાં વિસ્તારના યુવાનોથી આધેડ વયના પુરૂષો ભકિતભર્યા માહોલમાં ગરબે રમી માતાજીની આરાધના કરતા હોય છે. કોઈપણ કારણોસર આ વિસ્તારમાં રહેતો હુસેન ચૌહાણ નામનો શખ્સ કોઈપણ સામુહિક આયોજનમાં હવનમાં હાડકા નાખવાનું કામ કરતો હોવાનો રજૂઆતકર્તાઓએ આક્રોશ ઠાલવી બે વર્ષ પૂર્વે ગરબીમાં દારૂની ખાલી બોટલ ફેંકી બોલાવેલી બઘડાટીના પુરાવા અને જે તે સમયે અખબારોમાં છપાયેલા અહેવાલોને આધાર બનાવી આ શખ્સના અકારણ ત્રાસમાંથી છોડાવવા રજૂઆત કરી હતી.

ત્યાં ફરીથી હુશેને છમકલુ કર્યુ હતું. હુશેનનો સતત અકારણ ત્રાસ રહેતો હોવાની રજૂઆત પણ થઇ હતી. પીઆઇ સી. જી. જોષીની રાહબરીમાં પીએસઆઇ એસ. એચ. નિમાવત અને ડી. ડી. જાડેજાએ હુશેનને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું છે. 

(3:44 pm IST)