Gujarati News

Gujarati News

News of Monday, 11th October 2021

આંતરરાષ્ટ્રીય બાલિકા દિનની ઉજવણીઃ કલેકટર દ્વારા કન્યા પૂજનઃ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની મુલાકાત

સાંજે કલેકટર કચેરી ગુલાબી રોશનીથી ઝળહળશેઃ બાળાઓએ ગીતો રજુ કર્યા

રાજકોટ, તા. ૧૧ :. 'આંતરરાષ્ટ્રીય બાલિકા દિન' તથા 'બેટી બચાઓ બેટી પઢાઓ' અભિયાન અંતર્ગત કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ અને મનો દિવ્યાંગ બહેનોના ગૃહની મુલાકાત લીધી હતી. કલેકટરશ્રીએ આ ગૃહની બાળાઓનું પૂજન કરી ભેટ આપી હતી.

કલેકટરશ્રીએ બંને ગૃહની મુલાકાત લઇ બાળાઓની પ્રવૃતિ અને ગૃહની વ્યવસ્થાઓનું નિરિક્ષણ કર્યુ હતું. કલેકટરશ્રીએ દીકરીઓ સાથે સંવેદનાપૂર્વકનો સંવાદ સાધ્યો હતો. ગૃહની બાળાઓએ વિવિધ ગીતો ગાઇ કલેકટરશ્રીને પ્રભાવિત કર્યા હતા.

કલેકટરશ્રીએ તમામ બાળાઓના નામ પૂછયા હતા, બાળાઓ શું બનવા માગે છે તે જાણ્યુ હતું. બાળકોની ગાવા, ડાન્સ, ગેમ્સ સહિતની આવડત વિશે માહિતી મેળવી હતી. બાળકો વધુને વધુ અભ્યાસ કરે તે માટેનું પ્રોત્સાહન આપવાની સુચના ગૃહના કર્મચારીઓને કલેકટરશ્રીએ આપી હતી. 

અત્રે ઉલ્લેખનીય છે કે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં ૩૫ બાળાઓ અને મનો દિવ્યાંગ બહેનોના ગૃહમાં ૨૧ બાળાઓ રહે છે. જેમના રહેવા, જમવા, અભ્યાસ સહિતની તમામ સુવિધા રાજય સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવે છે.

આ તકે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મેહુલગિરિ ગૌસ્વામી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી મિત્સુ વ્યાસ, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી કિરણ મોરી, બંને ગૃહોના કર્મચારીઓ તથા બાળાઓ ઉપસ્થિત રહયા હતા.

(3:45 pm IST)